બનાસકાંઠામાં માવઠું : ખેડૂતોનો તૈયાર મોલ પલળી ગયો
પાલનપુર: રાજ્યના અનેક ભાગમાં હવામાન પલટાના કારણે થયેલા માવઠાથી ખેડૂતોને ખૂબ જ નુકસાન થયું છે. હાલમાં બનાસકાંઠા જિલ્લામાં બટાકા, રાયડો, એરંડા, તમાકુ,ઘઉં સહિતના પાકો નો તૈયાર મોલ ખેતરમાં પડ્યો હોય ખેડૂતોને હાથમાં આવેલો કોળિયો છીનવાઈ જવા જેવી સ્થિતિ થઈ છે.
કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન
રાજ્યના હવામાન વિભાગ દ્વારા તારીખ 5 અને 6 માર્ચના રોજ કમોસમી વરસાદ થવાની આગાહી કરવામાં આવી હતી .તે મુજબ છેલ્લા બે દિવસથી પલટાયેલા હવામાનના કારણે ગત રાત્રે અનેક ભાગોમાં હળવાથી ભારે વરસાદી સ્વરૂપે માવઠા થયા હતા. જેમાં બનાસકાંઠા જિલ્લામાં પણ ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ડીસા પંથકમાં હાલમાં 50% થી વધુ ખેતરોમાં બટાકાનું તૈયાર મોલ પડ્યો છે.
બટાકા, રાયડા, એરંડા,તમાકુ સહિતના પાકોને નુકસાન
આ સિવાય ખેડૂતો હાલ રાયડો, એરંડા, તમાકુ ,જીરુ,ઘઉં સહિતના પાકો લેવાની કાપણી કરીને તૈયાર બેઠા છે તે જ સમયે અચાનક વરસાદ પડતા અનેક ખેડૂતોનો તૈયાર મોલ પલળી જવા પામ્યો છે. જેનાથી ખેડૂતોને હાથમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. એક તરફ બટાકાના ભાવ તળિયે બેસી ગયા છે ત્યારે બીજી તરફ વરસાદ થતાં ખેડૂતોની કમર બેવડી રીતે ભાગી જવા પામી છે. ત્યારે સરકાર દ્વારા આ વરસાદ બાદ તાત્કાલિક ધોરણે સર્વે કરી સહાય આપવાની માંગ પણ ખેડૂતો કરી રહ્યા છે.
ધાણી- ખજૂરના સ્ટોલ માલિકોની રાત્રે દોડધામ
હાલમાં હોળી ધુળેટી નો તહેવાર નજીકમાં હોઇ ડીસાની બજારો સહિત અનેક જગ્યાએ ગ્રામ્ય વિસ્તારોમાં સીજનેબલ વેપારીઓએ હંગામી તંબુ ઉભા કરી ધાણી નું વેચાણ કરવાના સ્ટોલ લગાવેલા છે. જેમાં આ સ્ટોલ કાપડના હંગામી બનેલા હોય રાત્રે અચાનક વરસાદ થતાં વેપારીઓને પોતાનો માલ બચાવવા દોડધામ કરવી પડી હતી. તેમ છતાં અનેક વેપારીઓનો માલ પલળી જતા તેઓને પણ ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.
આ પણ વાંચો :અમદાવાદ: BMW હિટ એન્ડ રન કેસના આરોપી સત્યમ શર્માને ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાનથી દબોચ્યો