ગુજરાત

મોરેશિયસના પ્રધાનમંત્રી પ્રવિન્દ જુગનાથનું રાજકોટમાં ‘કાઠિયાવાડી’ સ્ટાઇલમાં સ્વાગત, એકથી એક ચડિયાતા સાંસ્કૃતિક કાર્યક્રમોની રજૂઆત

Text To Speech

મોરેશિયસના વડાપ્રધાન પ્રવિન્દ જૂગનાથ હાલ રાજકોટની મુલાકાતે આવ્યા છે. ત્યારે તેની શાનમાં અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યાં હતા. મોરેશિયસના વડાપ્રધાન પ્રવિન્દ જુગનાથ તથા શ્રીમતિ કોબિતા જૂગનાથ અને ઉપસ્થિતો સમક્ષ ગણેશ સ્તુતિ પ્રસ્તુત કરવામાં આવી હતી.

ગણેશ સ્તુતિની રજૂઆત કરવામાં આવી હતી

ગુજરાતની આગવી ઓળખ રજૂ કરતા અઠંગો રાસ, ગરબા તથા ભારતીય શાસ્ત્રીય વાદનની ઉત્કૃષ્ટ કૃતિઓ વડાપ્રધાનના આગમન નિમિત્તે રજૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત ટાન્ઝાનિયા, રવાન્ડા, નાઈજીરીયા, ઈથોપીયાના છાત્રોએ ‘વંદે માતરમ’ ગીત રજૂ કરીને ઉપસ્થિતોને સાનંદાશ્ચર્યની અનુભૂતિ કરાવી હતી. કલ્ચરલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ રાજકોટમાં નિવાસ કરતા મોરેશિયસના વિદ્યાર્થીઓ મોરેશિયસના વડાપ્રધાનને હૂંફાળા વાતાવરણમાં મળ્યા હતા અને વાતચીત કરી હતી.

ગુજરાતી રાસ-ગરબાની પ્રસ્તુતિ પણ કરી હતી

આમંત્રિતોના હસ્તે કાર્યક્રમનો દીપ પ્રાગટ્યથી શુભારંભ થયા બાદ કલેક્ટર અરુણ મહેશ બાબુએ  સ્વાગત પ્રવચન કર્યું હતું. મહાનુભાવોનું પુષ્પગુચ્છથી અભિવાદન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન જૂગનાથને કલેકટરએ સ્મૃતિચિહ્ન એનાયત કરી સન્માનિત કર્યા હતા.

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી સર્વાનંદ શોનોવાલ અને મહેન્દ્ર મુન્જપરા, રાજયના આરોગ્ય મંત્રી રૂષિકેશ પટેલ, સંસદસભ્ય રામભાઇ મોકરીયા અને ભારતીબેન શીયાળ, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, મેયર પ્રદીપ ડવ, મોરેશિયસ ખાતેના ભારતીય હાઈ કમિશનર એસ.વી.હનુમાનજી, એડીશ્નલ ચીફ સેક્રેટરી મનોજ અગ્રવાલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, નિવાસી અધિક કલેકટર કે.બી. ઠક્કર, એડિશનલ કલેક્ટર એન.એફ. ચૌધરી તથા એન આર ધાધલ, પ્રાંત અધિકારીઓ લિખિયા દેસાઈ, બાટી તથા વર્મા, જિલ્લા યુવા વિકાસ અધિકારી ધર્મરાજ સિંહ વાઘેલા, રમત ગમત અધિકારી પાંડાવદરા તથા જાડેજા, મહિલા અને બાળ સુરક્ષા અધિકારી જનકસિંહ ગોહિલ, રાજકોટ ખાતે પધારેલા વિવિધ દેશોના ડેલીગેટ્સ, રાજકોટમાં નિવાસ કરતા વિદેશી નાગરિકો તથા છાત્રો વગેરે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહયા હતા. આયુષ મંત્રાલયના સચિવ ડોક્ટર રાજેશ કોટેચાએ આભાર દર્શન કર્યું હતું.

Back to top button