ટ્રેન્ડિંગસ્પોર્ટસ

વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે નહિ રમાય મેચ, ICCનો ચોંકાવનારો નિર્ણય

નવી દિલ્હી, 18 ઓગસ્ટ: સાંભળવામાં થોડું વિચિત્ર લાગે છે કે ICC ટૂર્નામેન્ટ છે અને ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ ટક્કર નથી. પરંતુ આ સાચી વાત છે. ICCએ ચોંકાવનારો નિર્ણય લીધો છે. મહિલા ક્રિકેટનો અંડર-19 વર્લ્ડ કપ 2025માં યોજાવા જઈ રહ્યો છે. આ ટૂર્નામેન્ટના ગ્રુપ સ્ટેજ દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ મેચ રમાશે નહીં. ICCએ બંને ટીમોને અલગ-અલગ ગ્રૂપમાં રાખી છે. આ નિર્ણય પર કોઈ વિશ્વાસ નહીં કરી શકે, કારણ કે બંને દેશો વચ્ચે વર્ષોથી દુશ્મનાવટ ચાલી રહી છે. ચાહકો પણ આ મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ICC દર્શકોની સંખ્યા વધારવા માટે આનો ફાયદો ઉઠાવે છે અને દરેક ટુર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયા અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં રાખે છે. જોકે, આ વખતે એવું થશે નહીં.

16 ટીમો ભાગ લેશે, સમોઆનું ડેબ્યુ

મહિલા ક્રિકેટ અંડર-19 વર્લ્ડ કપ 18 જાન્યુઆરી, 2025થી શરૂ થશે, જેનું આયોજન મલેશિયા કરશે. 2023ની જેમ આ વખતે પણ 16 ટીમો ભાગ લેવા જઈ રહી છે. 18 જાન્યુઆરીથી શરૂ થનારી આ ટુર્નામેન્ટમાં કુલ 41 મેચ રમાશે. તેની અંતિમ મેચ 2 ફેબ્રુઆરીએ રમાશે. તમામ ટીમો 13 થી 16 જાન્યુઆરી વચ્ચે વોર્મ-અપ મેચ રમશે. સમોઆની ટીમ પહેલીવાર ICC ટૂર્નામેન્ટમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. આ પહેલા સમોઆએ કોઈપણ વય જૂથમાં આઈસીસી ટૂર્નામેન્ટ રમી નથી. તમને જણાવી દઈએ કે થાઈલેન્ડ પહેલા આ ટૂર્નામેન્ટની કો-હોસ્ટ કરવા જઈ રહ્યું હતું, પરંતુ બાદમાં તેણે પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું.

ભારત-પાકિસ્તાન જૂથમાં કોણ છે?

આ ટુર્નામેન્ટમાં 16 ટીમોને 4 ગ્રુપમાં વહેંચવામાં આવી છે. દરેક ગ્રુપમાં 4 ટીમો હશે. આ વખતે ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારત ગ્રુપ Aમાં છે અને વેસ્ટ ઈન્ડિઝ, શ્રીલંકા અને યજમાન દેશ મલેશિયાને તેમાં સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે ફાઈનલમાં ટીમ ઈન્ડિયા સામે હારનાર પાકિસ્તાન ગ્રુપ બીમાં છે. આ ગ્રુપમાં ઈંગ્લેન્ડ, આયર્લેન્ડ અને અમેરિકાની ટીમો પણ સામેલ છે. ન્યૂઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા, સમોઆ અને આફ્રિકાની એક ક્વોલિફાયર ટીમને ગ્રુપ સીમાં રાખવામાં આવી છે. આ સિવાય ગ્રુપ ડીમાં ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, સ્કોટલેન્ડ અને એશિયાની એક ક્વોલિફાયર ટીમ છે.

ટૂર્નામેન્ટની યજમાની માટે મલેશિયામાં 4 સ્થળોની પસંદગી કરવામાં આવી છે. ગ્રુપ Aની તમામ મેચો એટલે કે ભારત સેલંગોરના બ્યુમાસ ઓવલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ટુર્નામેન્ટની ફાઈનલ મેચ પણ આ મેદાન પર જ રમાશે. જ્યારે ગ્રુપ બી એટલે કે પાકિસ્તાન તેની મેચ ડૉ.હરજીત સિંહ જોહર ક્રિકેટ સ્ટેડિયમમાં રમશે.

આ પણ વાંચો :પીડિતા કોલકાતાની હોસ્પિટલમાં ડ્રગ રેકેટનો પર્દાફાશ કરવાની હતી? સાથીદારોના દાવાઓથી ખળભળાટ 

Back to top button