દિવાળી પર્વે જ દ્વારકા જિલ્લાના પોલીસ તંત્રમાં સામૂહિક બદલી : દરિયાઈ પટ્ટાને વધુ સુરક્ષા અપાઈ
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં થોડા સમય પૂર્વે જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે ચાર્જ સંભાળ્યા બાદ પ્રથમ વખત એસ.પી. નિતેશ પાંડેય દ્વારા જિલ્લાના તમામ પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ અધિકારીઓ, કર્મચારીઓના સામૂહિક ઓર્ડરો કરવામાં આવ્યા છે. જેમાં જિલ્લાના જુદા જુદા પોલીસ મથકમાં ફરજ બજાવતા 5 પી.આઈ., 16 પી.એસ.આઈ. તથા 100 એ.એસ. આઈ., હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલની બદલીના હુકમો થયા છે.
કોની ક્યાં કરાઈ બદલી ?
જિલ્લામાં પી.આઈ. તરીકે ફરજ બજાવતા પી.એ. પરમાર તથા કે.બી. યાજ્ઞિકને દ્વારકા મંદિરની સુરક્ષા વ્યવસ્થામાં, ડી.એમ. ઝાલાને દ્વારકા પોલીસ મથકમાં, ટી.સી. પટેલને ખંભાળિયા સી.પી.આઈ. તથા આર.બી. સોલંકીને દ્વારકા સી.પી.આઈ. તરીકે મૂકવામાં આવ્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયાના પોલીસ મથકમાં એન.એચ. જોશી, આઈ.આઈ. નોઈડા અને વી.બી. પીઠીયાને પી.એસ.આઈ. તરીકેની અને વી.એન. સિંગરખીયાને ડી. સ્ટાફ પી.એસ.આઈ.ની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે પી.એસ.આઈ. જી.કે. પ્રજાપતિને દ્વારકાધીશ મંદિર સુરક્ષામાં મૂકવામાં આવ્યા છે. જિલ્લા પોલીસ વડા દ્વારા મહત્વના એવા એલસીબી તથા એસઓજી વિભાગમાં ખાસ કોઈ ફેરબદલ કરવામાં આવી નથી. આટલું જ નહીં ખંભાળિયા સહિતના પોલીસ મથકના પી.આઈ., પી.એસ.આઈ.ની વધુ ફેર બદલ ન કરતાં જિલ્લામાં નવા મૂકવામાં આવેલા અધિકારીઓ તથા લીવ રિઝર્વમાં રહેલા પોલીસ અધિકારીઓને પણ જરૂરિયાત મુજબના પોલીસ મથકમાં પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. આ વચ્ચે ઉલ્લેખનીય છે કે મહત્વના એવા યાત્રાધામ દ્વારકા તથા બેટ દ્વારકામાં મજબૂત વ્યવસ્થા માટે વધુ પોલીસ સ્ટાફ તથા અધિકારીઓ ફાળવવામાં આવ્યા છે.