ગાઝિયાબાદમાં ત્રણ માળની બિલ્ડિંગમાં ભીષણ આગ, 2 બાળકો સહિત 5ના મૃત્યુ
- શોર્ટ સર્કિટના કારણે બિલ્ડિંગમાં આગ લાગી હતી, સાંકડી શેરીઓમાં મકાનો હોવાના કારણે ફાયર ફાયટરોને રેસ્ક્યૂ કરવામાં થઈ ભારે મુશ્કેલી
ગાઝિયાબાદ, 13 જૂન: ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં ત્રણ માળની બિલ્ડિંગમાં લાગેલી ભીષણ આગમાં પાંચ લોકોના કરુણ મૃત્યુ થયા છે. મૃતકોમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે. આ ઘટના લોની બોર્ડર પોલીસ સ્ટેશન વિસ્તારના બેહટા હાજીપુર ગામમાં રાત્રે લગભગ 8 વાગ્યે બની હતી. આગ ઝડપથી ફેલાઈ જેના કારણે લોકોને બચવાની તક મળી ન હતી. આગ લાગ્યા બાદ ઘરમાં ત્રણ બાળકો, બે મહિલાઓ અને એક બાળકી ફસાઈ ગઈ હતી. ફાયર વિભાગના કર્મચારીઓએ પાંચ મૃતદેહો બહાર કાઢ્યા છે. મળતી માહિતી મુજબ, બિલ્ડિંગમાં ફોમનો ધંધો ચાલતો હતો. શોર્ટ સર્કિટના કારણે ઘરમાં આગ લાગી હતી. ફાયર વિભાગની ટીમ રાહત અને બચાવ કાર્ય કર્યું હતું. સાંકડી શેરીઓમાં મકાનો હોવાના કારણે ફાયર ફાયટરોને રાહત અને બચાવ કામગીરીમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
#WATCH | Ghaziabad, Uttar Pradesh: Fire broke out in a house in the Behta Hajipur village of Loni Border area. On receiving the information, police and fire brigade reached the spot. pic.twitter.com/7bt4OB2yhq
— ANI (@ANI) June 12, 2024
હાજીપુર ગામમાં આગની ઘટના બની
ઇશ્તિયાક અલી તેના પરિવાર સાથે બેહટા હાજીપુર ગામમાં ત્રણ માળના મકાનમાં રહેતો હતો. પરિવારમાં તેનો પુત્ર સારિક, સારિકની પત્ની, સાત મહિનાનું બાળક અને બહેનનો સમાવેશ થતો હતો. સારીકની બીજી બહેન તેના ત્રણ બાળકો સાથે તેના ઘરે આવી હતી. સારિક ઘરમાં ફોમ વર્ક કરે છે. મળતી મહિતી મુજબ, ઇલેક્ટ્રીકલ શોર્ટ સર્કિટના કારણે રાત્રે લગભગ 8 વાગે ઘરમાં આગ લાગી હતી. ઘર ફીણથી ભરેલું હોવાથી થોડી જ વારમાં આગ ઉપરના માળે પહોંચી ગઈ હતી. જેના કારણે પરિવારના સભ્યો ઘરમાં ફસાઈ ગયા હતા.
#WATCH | Ghaziabad: Additional Police Commissioner Dinesh P says, “… A woman and a child were injured and they have been moved to the hospital. The fire spread from the ground floor to the higher storeys. The people on the first and second floors were tapped in. 5 people have… pic.twitter.com/kM7DaaXbPc
— ANI (@ANI) June 12, 2024
પાડોશીઓએ આગ ઓલવવાનો કર્યો પ્રયાસ
આગ લાગ્યા બાદ આવેલા પાડોશીઓએ ડોલમાંથી પાણી નાખી આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આગ પર કાબૂ મેળવી શકાયો ન હતો. આગ લાગતા જ ફાયર બ્રિગેડ અને પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી હતી. ટ્રોનિકા સિટીના ફાયર બ્રિગેડના વાહનો થોડીવારમાં ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. બે માળે લાગેલી આગને ઝડપથી કાબુમાં લેવામાં આવી હતી, પરંતુ એક માળે લાગેલી આગને બુઝાવવામાં સમય લાગ્યો હતો. જે શેરીમાં ઘર આવેલું છે તે ખૂબ જ સાંકડી છે. જેના કારણે ફાયર બ્રિગેડની ગાડી અંદર પહોંચી શકી ન હતી. ફાયર વિભાગના કર્મચારીઓને આગ પર સંપૂર્ણ કાબુ મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
આ પણ જુઓ: કુવૈતના મંગફ શહેરમાં મકાનમાં ભીષણ આગ, 40 ભારતીયોના મૃત્યુ, 30 દાઝ્યા