15 ઓગસ્ટટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવિશેષ

ભારતીય સૈન્યની શસ્ત્રોની આયાતમાં જંગી ઘટાડો, આવું શા કારણે થયું?

Text To Speech

નવી દિલ્હી, 17 મે, 2025: સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા વધી હોવાને કારણે ભારતીય સૈન્ય દ્વારા કરવામાં આવતી શસ્ત્રોની આયાતમાં જંગી ઘટાડો થયો છે. ભારતીય સૈન્ય માટે મોટાભાગના શસ્ત્રોની જરૂરિયાત હવે આત્મનિર્ભર ભારત હેઠળ પૂરી થાય છે.

સંરક્ષણ ક્ષેત્રના વરિષ્ઠ અધિકારીઓએ સમાચાર એજન્સી એએનઆઈને આપેલી માહિતી અનુસાર શસ્ત્રોના ઉત્પાદનમાં ખાનગી ક્ષેત્રના પ્રવેશને કારણે સૈન્ય દળોની શસ્ત્રોની ઘણીખરી જરૂરિયાત ઘરઆંગણે જ ઉપલબ્ધ થઈ રહી છે, જેને કારણે આયાતમાં જંગી ઘટાડો થયો છે.

ભારતીય સૈન્યનું કહેવું છે કે, આગામી બે-ત્રણ વર્ષમાં જ અમુક જૂજ શસ્ત્રો, જેનું ઉત્પાદન ભારતમાં કરવાનું શક્ય નથી તેને બાદ કરતાં શસ્ત્રોની તમામ જરૂરિયાત આત્મનિર્ભર ભારત દ્વારા પૂરી થશે. ભારતીય સૈન્યને પ્રતિવર્ષ શસ્ત્રોની ખરીદી માટે રૂપિયા 20,000 કરોડની આસપાસ ફાળવણી થાય છે. થોડાં વર્ષ પહેલાં સુધી દળોએ શસ્ત્રોની ખરીદી માટે આ 20,000 કરોડમાંથી 35થી 40 ટકા રકમ વિદેશમાંથી શસ્ત્રોની આયાત માટે ખર્ચ કરવો પડતો હતો. પરંતુ હવે એ ખર્ચ 10 ટકા કરતાં પણ ઓછો થઈ ગયો છે, જે આગામી બે-ત્રણ વર્ષમાં હજુ પણ ઘટી જશે, તેમ સંરક્ષણ અધિકારીઓએ કહ્યું હતું.

આ અધિકારીઓએ કહ્યું કે, ટેન્ક, આર્ટિલરી ગન, એર ડિફેન્સ મિસાઈલ તથા મલ્ટિપલ ગ્રેનેડ લૉન્ચર સિસ્ટમ સહિત ઘણા પ્રકારનાં શસ્ત્રો હવે ભારતમાં તૈયાર થાય છે. સ્વદેશમાં જ શસ્ત્રોનું ઉત્પાદન થવાને કારણે આયાત ઉપરની નિર્ભરતા ઘટી છે એટલું જ નહીં પરંતુ આપણે પોતે શસ્ત્રોની નિકાસ કરવા લાગ્યા છીએ.

વિશ્વમાં શસ્ત્રોની જરૂરિયાતનો ઘણો મોટો હિસ્સો સ્વદેશી જાહેરક્ષેત્રની કંપનીઓ ઉપરાંત ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો દ્વારા પહોંચી વળવામાં આવે છે. આ અધિકારીઓએ કહ્યું કે, અત્યંત સચોટ લક્ષ્યાંક ધરાવતા ગાઈડેડ આર્ટિલરી શસ્ત્રો પણ દેશમાં ખાનગી અને જાહેર ક્ષેત્રની કંપનીઓ દ્વારા ઉત્પાદિત કરવામાં આવે છે જેનાથી ભારતીય સૈન્યના આર્ટિલરી એકમોને ઘણી મદદ મળે છે.

સૈન્ય અધિકારીઓએ કહ્યું કે, દેશની અંદર ઉત્પાદન ક્ષમતા વધવાને કારણે યુદ્ધ જેવી કટોકટીના સમયે પણ તત્કાળ સ્વદેશી બનાવટનાં શસ્ત્રો મેળવી શકાય તેવી સ્થિતિમાં આપણે આવી ગયા છીએ.

આ પણ વાંચોઃ નિર્મલા સિતારમણઃ “ટૂંક સમયમાં પૂર્ણ બજેટનું કામ શરૂ, મેન્યુફેક્ચરિંગ સેક્ટરને મળશે પ્રોત્સાહન”

Back to top button