ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મધ્યપ્રદેશના જબલપુરની ઓર્ડિનન્સ ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ: બેના મૃત્યુ, આઠથી વધુ ઘાયલ

  • ઘણા કર્મચારીઓ કાટમાળ નીચે દટાયા હોવાના અહેવાલ પણ છે અને મૃત્યુઆંક વધી શકે છે

જબલપુર, 22 ઓકટોબર: મધ્યપ્રદેશના જબલપુરમાં એક ઓર્ડિનન્સ ફેક્ટરીમાં (હથિયારો બનાવતી કંપની)માં આજે મંગળવારે જોરદાર વિસ્ફોટ થયો છે. જિલ્લાના ખમરિયામાં આવેલી ઓર્ડિનન્સ ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં બે કર્મચારીઓના મૃત્યુ થયાની માહિતી મળી રહી છે જ્યારે 8થી વધુ કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ, આ બ્લાસ્ટ કંપનીના F6 સેક્શનમાં થયો હતો. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે, બિલ્ડિંગનો એક ભાગ ધરાશાયી થઈ ગયો હતો. ઘણા કર્મચારીઓ કાટમાળ નીચે દટાયા હોવાના અહેવાલ પણ છે. મૃત્યુઆંક વધી શકે છે. હાલ રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે.

 

વિસ્ફોટમાં બિલ્ડિંગનો એક ભાગ ધરાશાયી

મળતી માહિતી મુજબ વિસ્ફોટમાં બિલ્ડિંગનો એક ભાગ ધરાશાયી થઈ ગયો અને હજુ પણ ઘણા કામદારો કાટમાળ નીચે ફસાયેલા હોવાના અહેવાલ છે. વહીવટીતંત્ર અસરગ્રસ્ત લોકોની ઓળખ અને મદદ માટે બચાવ કામગીરી હાથ ધરી રહ્યું છે. આ દુ:ખદ અકસ્માતમાં બે કામદારોના મૃત્યુની પુષ્ટિ થઈ છે અને અન્ય નવને ગંભીર ઈજાઓ થતા સારવાર આપવામાં આવી રહી છે. ઈમરજન્સી ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. વિસ્ફોટનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી.

ફેક્ટરીમાં બને છે બોમ્બ 

અધિકારીઓએ જણાવ્યું કે, વિસ્ફોટ મંગળવારે સવારે ખમરિયામાં સેન્ટ્રલ સિક્યોરિટી ઇન્સ્ટિટ્યૂટ ઓર્ડનન્સ ફેક્ટરીમાં થયો હતો. અહીં બોમ્બ અને વિસ્ફોટક વસ્તુઓ બનાવવામાં આવે છે. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે અને તેમની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.

હાઇડ્રોલિક સિસ્ટમમાં ખામી હતી

ફેક્ટરીના F-6 વિભાગના 200 ભવનમાં બોમ્બ ભરવાની પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોલિક સિસ્ટમમાં કથિત રીતે ખામી સર્જાઈ હતી, જેના કારણે એટલો શક્તિશાળી વિસ્ફોટ થયો કે ફેક્ટરીથી પાંચ કિલોમીટર સુધી તેનો અવાજ સંભળાયો હતો. ફેક્ટરીની નજીક રહેતા રહેવાસીઓએ કહ્યું કે, તેઓને લાગ્યું કે ભૂકંપ આવ્યો છે અને ઘણા લોકો તેમના ઘરની બહાર પણ દોડી આવ્યા. ફેક્ટરીના જનરલ મેનેજર અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે પરંતુ હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.

આ પણ જુઓ: ગજબના ભેજબાજ: જે માણસ છે જ નહિ તેને મૃત બતાવી વીમા કંપની સાથે કરી લાખોની છેતરપિંડી

Back to top button