સામૂહિક આપઘાતની આશંકાઃ સુરતમાં એક જ પરિવારના 4 વૃદ્ધોના મોત, પોલીસ દોડતી થઈ
સુરત, 15 જૂન 2024, શહેરમાં એક જ પરિવારના ચાર વૃદ્ધજનોના મોત બાદ પોલીસ દોડતી થઈ ગઈ છે. શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં રહેતા પરિવારમાં ચાર વૃદ્ધો રાત્રે સુઈ ગયા હતાં અને સવારે ઉઠ્યા નહોતા. જેથી તેમણે સામૂહિક આપઘાત કર્યો હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે. આ ઘટના બાદ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે અને વધુ તપાસ શરૂ કરી દીધી છે.ઘટનાને પગલે આજુબાજુનાં ઘરમાંથી પણ લોકો એકત્ર થઈ ગયા છે. ઘટના પાછળનું કારણ હાલ અકબંધ છે. પોલીસે આજુબાજુનાં ઘરના લોકોનાં નિવેદન લેવાનું શરૂ કર્યું છે.
રાત્રે ચારેય સૂઈ ગયા અને સવારે મૃત હાલતમાં મળ્યા
પ્રાપ્ત વિગતો પ્રમાણે જહાંગીરપુરામાં રાજન રેસિડેન્સીના પાંચમા માળે ફ્લેટમાં ચાર લોકો રહેતા હતા. જેમાં ત્રણ મહિલા અને એક પુરુષનો સમાવેશ થાય છે. તમામની ઉંમર 55થી 60 વર્ષની છે. રાત્રે જમ્યા બાદ ચારેય સૂઈ ગયા હતાં અને સવારે મૃત હાલતમાં મળ્યા છે. બાજુમાં જ પરિવારનો એક પુત્ર રહે છે. તેણે સવારે દરવાજો ખખડાવ્યો પણ ખોલ્યો નહોતો આથી તેની પાસે બીજી ચાવી હતી એનાથી ઘરનો દરવાજો ખોલ્યો હતો. અંદર જોતા ચારેય મૃત હાલતમાં જોવા મળ્યા હતા. ચારેયે રાત્રે પૂરી અને કેરીનો રસ આરોગ્યો હતો. ત્યાર બાદ ફૂડ-પોઈઝિંગ થયું હોય એવું પણ માનવામાં આવે છે. ચારેયનાં મોત શંકાસ્પદ માનવામાં આવી રહ્યાં છે.
ખરેખર શું થયું તે જાણવા એફએસએલની ટીમ બોલાવી
એસીપી આર.પી. ઝાલાએ મીડિયાને જણાવ્યું હતું કે, હાલમાં તમામનું કઈ રીતે મોત થયું છે તેની કોઈ માહિતી મળી નથી. ફૂડ પોઈઝનિંગ છે કે સુસાઈડ કર્યું છે કે શું છે ખરેખર એ જાણવા માટે એફએસએલની ટીમ બોલાવી છે. મૃતકના સંબંધીએ કહ્યું હતું કે, મારા કાકી અને તેમના બે છોકરા અહીં રહે છે. મૃતકોમાં ત્રણ મહિલા અને એક પુરૂષ છે. ત્રણેય બહેનો છે, ગામડેથી આવ્યા છે એને હું ઓળખતો નથી. ગઈકાલે રાત્રે બધા સાથે જમ્યા હતા. બાદમાં સવારે પરિવારના એક બહેન નાસ્તો લઈને આવ્યા ત્યારે ઘરમાં બધા ગમે તેમ પડેલા હતા. પોલીસની કાર્યવાહી થાય અને મેડિકલ રિપોર્ટ આવે તેના પર બધો મદાર છે.
આ પણ વાંચોઃભાવનગરમાં બે ભાઈઓ પર ફાયરિંગ, એક ભાઈનું મૃત્યુ, એક ઘાયલ