સુરતમાં એક જ પરિવારના સાત સભ્યોનો સામૂહિક આપઘાત
- દિકરાએ માતા-પિતા, પત્ની-ત્રણ બાળકોને ઝેરી દવા પીવડાવી જાતે ફાંસી લગાવી કરી આત્મહત્યા
- પરિવાર દ્વારા સામૂહિક આત્મહત્યા કરવા પાછળનું કારણ હજુ સુધી અકબંધ
સુરતમાં હચમચાવી દેનારી ઘટના બની છે. શહેરના અડાજણમાં આવેલા પાલનપુર પાટિયા વિસ્તારમાં સિદ્ધેશ્વરી એપાર્ટમેન્ટમાં એક જ પરિવારના સાત સભ્યો દ્વારા સામૂહિક આપઘાત કરવામાં આવ્યો છે. પતિ, પત્ની, માતા, પિતા, બે બાળક અને એક બાળકી સહિત પરિવારના 7 સભ્યોએ પોતાનું જીવન ટુકાવ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ, દિકરાએ માતા-પિતા, પત્ની-ત્રણ બાળકોને ઝેરી દવા પીવડાવી જાતે ફાંસી લગાવી પોતે આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે. પરિવારના સભ્યો દ્વારા સામૂહિક આત્મહત્યા કરવા પાછળનું કારણ હજુ સુધી અકબંધ રહેલું છે.
પોલીસે ઘટના પાછળનું કારણ જાણવા માટે આગળની તપાસ શરૂ કરી
સામૂહિક આત્મહત્યાના બનાવના પગલે પોલીસ અધિકારીઓ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. આ મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. જ્યાં પોલીસ દ્વારા મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે તેમજ ઘટનાસ્થળે પોલીસકર્મીઓ દ્વારા આસપાસમાં રહેતા લોકોની અને પરિવારજનો પૂછપરછ કરવામાં આવી છે. મામલો ખુબ ગંભીર હોવાથી પોલીસ અધિકારીઓ પરિસ્થિતિનો તાગ જાત તપાસ દ્વારા મેળવી રહ્યા છે. પોલીસ દ્વારા આસપાસમાં રહેતા લોકોની અને પરિવારજનો પૂછપરછ કરી ઘટનાનું કારણ આર્થિક સંકટ, દેવું કે પારિવારિક બાબત છે ? તે જાણવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
સુરતમાં અગાઉ પણ આવી સામૂહિક આપઘાતની ઘટના બની ચૂકેલી
અગાઉ જૂન 2023માં સુરતના સરથાણામાં સામુહિક આપઘાતની ઘટના બની હતી. ઝેરી દવા ગટગટાવી રત્નકલાકારના પરિવારે સામુહિક આપઘાત કર્યો હતો. આ બનાવમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો હતો.
આ પણ વાંચો :સામૂહિક આપઘાતની વધુ એક ઘટના : જૂનાગઢના વંથલીમાં પરિવારના 4 સભ્યોએ ઝેરી દવા પીધી, દંપતી અને પુત્રનું મોત