ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાતવિશેષ

પી.પી. સવાણી દ્વારા પિતા વિહોણી ૭૫ દીકરીઓના ૨૪ ડિસેમ્બરે સમૂહલગ્ન

  • સવાણી પરિવાર દ્વારા ‘માવતર’ નામે ૧૨માં વર્ષે લગ્ન સમારોહ
  • મહેશભાઈ સવાણી હવે 4992 દીકરીઓના પાલક પિતા બન્યા
  • પી.પી.સવાણી સાથે સંકળાયા પછી આજીવન દીકરીઓની સેવા કરતાં 15 જેટલા સહયોગીઓનું ભવ્ય સન્માન
  • ગુજરાતને ગૌરવ અપાવનાર તેજસ્વી JEE(IIT) અને NEET ના તારલાઓનું સન્માન
  • જીવનદીપ ઓર્ગન ડોનેશન ટ્રસ્ટના નેજા હેઠળ મુખ્યમંત્રી લેવડાવશે 25000 લોકોને અંગદાનના શપથ
  • શ્રીરામ મંદિર, અયોધ્યા નિર્માણ નિમિતે દરેક મહેમાનોને હનુમાન ચાલીસા અર્પણ થશે

સુરત, 23 ડિસેમ્બર : સુરતના પી.પી.સવાણી પરિવાર દ્વારા વધુ એક સામૂહિક લગ્ન સમારંભ આવતીકાલે રવિવારે 24 ડિસેમ્બર, 2023ના (માગસર સુદ 13, સંવત 2080) રોજ યોજાશે. પિતા વિહોણી દીકરીઓના ભવ્ય લગ્ન સમારંભની શરૂઆત કરનાર પી.પી.સવાણી ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ૭૫ દીકરીઓના લગ્ન પી.પી.સવાણી ચૈતન્ય વિદ્યાસંકુલ, અબ્રામા ખાતે સાંજે 5 વાગ્યે યોજાશે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રીઓ, વહીવટી અને પોલીસ અધિકારીઓ સહિત અનેક મહાનુભાવો હાજર રહી કન્યાદાન કરશે. આ અગાઉ ગઈકાલે શનિવારે આ લગ્ન સમારંભ પહેલાંની મહેંદી રસમ યોજાઈ હતી.

સમૂહ લગ્ન-મહેંદી- HDNews
સમૂહ લગ્ન-મહેંદી-ફોટો સૌજન્યઃ સવાણી પરિવાર

દર વર્ષે ડિસેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયે યોજાતા પિતાની છત્રછાયા ગુમાવેલી દીકરીના લગ્ન પણ એટલા જ જાણીતા છે. વિવાહ પાંચ ફેરાના, સંબંધ ભવોભવના, લાગણીના વાવેતર, સંવેદના એક દીકરીની, દીકરી દિલનો દીવો, પારેવડી, લાડકડી, પાનેતર, મહિયરની ચૂંદડી, દીકરી જગત જનની અને હવે આ વર્ષે ‘માવતર’. છેલ્લા ૧૨ વર્ષથી દીકરીના લગ્ન કરીને નહીં પણ પિતા તરીકેની તમામ જવાબદારી નિભાવતા મહેશભાઈ સવાણી આ વર્ષે ૪૯૯૨ દીકરીના પિતા બની ગયા છે. છેલ્લા એક દાયકાથી અવિરત પ્રજ્વલિત થયેલા પી.પી.સવાણીના સેવાયજ્ઞ થકી અનેકને પ્રેરણા મળી છે અને બીજી અનેક સંસ્થા અને વ્યક્તિઓએ લગ્ન સમારંભ સમગ્ર ગુજરાત અને બીજા રાજ્યમાં પણ યોજાઈ રહ્યા છે.

“માવતર” ના નામે આયોજિત આ કાર્યક્રમ અનેક રીતે વિશેષ બનવાનો છે. એક પત્રકાર પરિષદને સંબોધતા પી. પી. સવાણી ગ્રુપના મહેશભાઈ સવાણીએ જણાવ્યું હતું કે આ વર્ષે ૭૫ પૈકી ૩૫ દીકરી એવી છે જે અનાથ છે, જેના માતા-પિતા કે ભાઈ પણ નથી. ૨૫ એવી દીકરી છે જેની મોટી બહેન આ પહેલા અમારા જ લગ્ન મંડપમાં પરણી હતી. બે દીકરી તો મૂક-બધિર છે. એક નેપાળ અને એક ઓડીશા અને બે દીકરી ઉત્તર પ્રદેશથી પરણવા આવે છે.

પી.પી.સવાણી પરિવાર પિતાની છત્રછાયા ગુમાવનાર હજારો બાળકોના શિક્ષણ, આરોગ્ય અને લગ્નની સંપૂર્ણ જવાબદારી નિભાવે છે. મહેશભાઈ સવાણીએ જણાવ્યું હતું કે, અમે માત્ર કન્યાદાન કરી ને કે કરિયાવર આપતા નથી, હું આ દીકરીઓનો પિતા બનું છું. એક પિતાની જવાબદારીમાં માત્ર લગ્ન જ નહીં પણ એના પરિવારની પણ તમામ જવાબદારી હોય છે.

આજીવન દીકરીઓની સેવા કરતાં 15 જેટલા સહયોગીઓનું ભવ્ય સન્માન

પી.પી.સવાણી પરિવાર અને મહેશભાઇ સવાણી દીકરીઓના જેમ પાલક પિતા બન્યા છે એવી જ રીતે એમની સાથે સંકળાઈને બીજા અનેક લોકો પણ પોતાની સતત અને અવિરત સેવા આપતા હોય છે. લગ્ન પછી કોઈ આ દીકરીઓને મફત તબીબી સેવા આપે તો કોઈ બ્યુટી પાર્લરની, કોઈ રસોઈ કળા શીખવે તો કોઈ દીકરીઓના હનીમૂન અને હરવા-ફરવાની વ્યવસ્થા કરે છે. આ લોકો આર્થિક સહયોગ સાથે પોતાનો કીમતી સમય પણ આપતા હોય છે. આવી ૧૫ જેટલી સંસ્થા અને વ્યક્તિઓનું આ વર્ષે વિશેષ ઋણ સ્વીકાર કરીને એમનું સન્માન થશે.

IITJEE – NEET ના તેજસ્વી તારલાઓનું સન્માન

સમૂહ લગ્ન-HDNews
સમૂહ લગ્ન-વિદ્યાર્થી સન્માન, સૌજન્યઃ સવાણી પરિવાર

વિશેષમાં આ પ્રસંગે શિક્ષણ પણ સમાજમાં અતિ ઉપયોગી છે અને એક ઉચ્ચ શિક્ષણ જ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સપનાનું સાકાર કરવામાં મહત્ત્વપૂર્ણ નીવડશે ત્યારે શિક્ષણ ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરનાર એવા બે વિદ્યાર્થીઓનું સન્માન આ પ્રસંગે કરવામાં આવનાર છે. જેમાં એક ધો.12 સાયન્સમાં સમગ્ર ગુજરાતમાં બોર્ડમાં નંબર 1 પ્રાપ્ત કરનાર યુગ રમેશભાઈ ખોખરીયા અને બીજો વિદ્યાર્થી ધ્રુવ પાનસુરિયા જેમણે ગુજકેટ પરીક્ષામાં 120/120 માર્ક્સ મેળવી સમગ્ર ગુજરાતમાં તેમણે પણ નંબર 1 પ્રાપ્ત કર્યો છે. તે બન્ને વિદ્યાર્થીઓ થકી અન્ય વિદ્યાર્થીઓને પ્રેરણા મળે તે હેતુસર બન્ને વિદ્યાર્થીઓને રૂ. 1,11,111/- નો ચેક અર્પણ કરવામાં આવશે. વિશેષ ગૌરવ એ વાતનું છે કે આ બન્ને વિદ્યાર્થીઓએ વિનામૂલ્યે પી.પી.સવાણી સ્કૂલમાં અભ્યાસ કર્યો છે.

લગ્ન પૂરતું નહીં લગ્ન પછી પણ અવિરત કાળજી

પી.પી.સવાણીના લગ્નમંડપમાં પરણીને સાસરે જતી દીકરીની લગ્ન પહેલાના કરિયાવરમાં પોતાની પસંદગીની ખરીદી કરવવામાં આવે છે. લગ્ન પછી પણ દરેક દીકરીને હનીમૂન અને હરવા ફરવા માટેની વ્યવસ્થા ગોઠવાઈ છે. આ વર્ષે પરણનારી દીકરીઓને મનાલી અને સુરતથી દીવની ક્રૂઝ ટુર ઉપર મોકલાશે. એ પછી દીકરીની પ્રસૂતિ વખતે એ સુરતમાં હોય તો અહી અને બીજા ગામ હોય તો એ ગામની શ્રેષ્ઠ હોસ્પિટલમાં એની પ્રસૂતિની વ્યવસ્થા કરવામાં આવે છે. સૌરાષ્ટ્રમાં જેને જિયાણું કેહવાય છે એની જવાબદારી પણ સવાણી પરિવાર જ ઉઠાવે છે.

જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન અંગદાન અંગે જાગૃતિ ફેલાવશે

પી પી સવાણી ગ્રુપ , સુરતમાં કાર્યરત જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના નેજા હેઠળ ‘માવતર’ લગ્નપ્રસંગે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં મંડપમાં હાજર રહેનાર ૨૫૦૦૦થી વધુ લોકોને એકસાથે ઓર્ગન ડોનેશનના શપથ લેવડાવશે. સાથે જ લગ્ન સમારોહમાં મંચસ્થ મહાનુભાવોનું સ્વાગત ઓર્ગન ડોનેશનના સંદેશાથી થશે. એમને જે બેજ લગાડશે એમાં પણ ઓર્ગન ડોનેશનના જ મેસેજ હશે.

હનુમાન ચાલીસા અર્પણ સ્વાગત

આગામી મહીને કરોડો હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર અને જેની રાહ વિશ્વના લોકો જોઈ રહ્યા છે, એ અયોધ્યામાં ભગવાન શ્રી રામના જન્મસ્થળે ભવ્ય રામમંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. આ નિમિતે આસ્થા અને ભગવાન શ્રી રામના સેવક તરીકે આવનાર દરેક મહેમાનોને શ્રી હનુમાન ચાલીસા આર્પણ કરવામાં આવશે.

  • ટ્રીપો જંગલ પ્રા. લી. દ્વારા પી.પી.સવાણી ગ્રુપની દીકરીઓની “માવતર” રૂપી ગંગા સ્વરૂપ ૧૫૦ બહેનોને ૬ દિવસ રહેવા, જમવા, આવવા – જવાનો તમામ સુવિધા સહિત ફકત ૧૦૦૧ રૂપિયામાં અયોધ્યા દર્શન કરાવવા માટે લઈ જવામાં આવશે.
મહેંદીના મધુર ગીતો સાથે પી પી સવાણી ગ્રુપ આયોજિત સમૂહલગ્નમાં મહેંદી રસમનો ભવ્ય કાર્યક્રમ સંપન્ન
સમૂહ લગ્ન-મહેંદી- HDNews
સમૂહ લગ્ન-મહેંદી-ફોટો સૌજન્યઃ સવાણી પરિવાર
આ અગાઉ ગઈકાલે શુક્રવારે સુરતને છેવાડે આવેલા અબ્રામા ગામમાં પીપી સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલમાં મહેંદી રસમનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. સવારે 9 કલાકે પ્રાર્થના અને દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમનો આરંભ કરાયો હતો. હાજર મહેમાનો અને દીકરીઓના હસ્તે દીપ પ્રાગટ્ય બાદ; સર્વ મહેમાનોનું બૂકે અને સ્મૃતિભેટ આપી સ્વાગત કર્યું હતું. દિવસ દરમિયાન લગભગ 5000 થી વધુ બહેનોના હાથમાં વિવિધ પ્રકારની ડિઝાઇનની મહેંદી મૂકાતા અબ્રામાં ગામ આખું  મહેંદીની સુગંધથી મઘમઘી ઉઠ્યું હતું. જ્યારે પાલક પિતા ખુદ દીકરીના હાથમાં મહેંદી મૂકતા હોય તો દીકરી માટે એનાથી મોટો હરખ શું હોઈ શકે! પોતાના પિતાની ગેરહાજરી વચ્ચે પિતાની હૂંફ આપીને જે રીતે મહેશભાઈ દીકરીઓને લાડ લડાવી રહ્યા હતા એ જોઈને ઘણી દીકરીઓની આંખો પણ છલકાઈ હતી. આ લગ્નોત્સવમાં લગ્ન કરનાર ૭૫ દીકરીના પાલક પિતા મહેશ સવાણીએ લગભગ બધી દીકરીઓના હાથમાં ભારે હેતથી મહેંદી મૂકી હતી.
સમૂહ લગ્ન-મહેંદી- HDNews
સમૂહ લગ્ન-મહેંદી-ફોટો સૌજન્યઃ સવાણી પરિવાર
મહેશભાઈ સવાણી એ પ્રભુતામાં પગલાં પાડનારી ૭૫ દીકરી અને અન્ય બહેનો-દીકરીઓને પિતાની હુંફ સાથે જણાવ્યું હતું કે ” દીકરો ગમે તેટલો સારો હોય તો પણ એ પિતાના કુળને જ દીપાવે પણ દીકરીમાં એ સામર્થ્ય છે કે પિતા અને પતિ એમ બે કુળને દીપાવી શકે છે. જેણે ભગવાનને પણ જન્મ આપ્યો એ દીકરી છે. દીકરીઓને વૈચારિક કરિયાવર બાંધી આપતા મહેશભાઈએ કહ્યુ કે, દીકરી જ સાસરિયામાં આખા પરિવારને એક સ્નેહના તાંતણે બાંધી રાખે છે. ચાણક્ય કહેતા કે ‘ પ્રલય ઓર નિર્માણ શિક્ષક કી ગોદ મે પલતે હૈ’ એ રીતે સાસરિયાના સુખ દુઃખ પણ વહુના વાણી વર્તનમાં છે. દીકરી ઘરના તમામ સભ્યોને સ્વીકારે એ જરૂરી છે. સાસરિયામાં દૂધમાં સાકર ભળે એમ ભળી જજો. શરૂઆતમાં સમય આપશો એટલે સફર આસાન થઈ જશે. કોઈ તરફ કોઈ પ્રકારની ફરિયાદ હોય તો બેસીને શાંતિથી વાત કરીને ઉકેલ લાવવાનો પ્રયાસ કરશો તો ચોક્કસ સારૂ પરિણામ મળશે. સંયુક્ત પરિવારની જવાબદારીનું વહન આજની દીકરીના શિરે છે. સાસુ સસરા અને વહુ વચ્ચે જે જનરેશન ગેપ આવી જાય છે એને મોહબ્બત અને માનવતાની માટીથી પુરજો. મહેંદીની મહેક જેવી ખુશી ખુશીની મહેક તમારા નૂતન જીવનમાં કાયમ માટે પ્રસરતી રહે એવી મંગલ કામના..”
સમૂહ લગ્ન-મહેંદી- HDNews
સમૂહ લગ્ન-મહેંદી-ફોટો સૌજન્યઃ સવાણી પરિવાર
આજના કાર્યક્રમમાં વિશેષ મહેમાન તરીકે અર્પિતાબેન પટેલ (IPS), અમિતાબેન વાનાણી ( IPS), હેતલબેન પટેલ ( IPS), શશીબેન ત્રિપાઠી ( નેતા, શાસક પક્ષ સુરત મ.ન.પા.), મનીષાબેન આહીર (મેડિકલ સમિતિ- સુરત મ.ન .પા ચેરમેન), ભાવિષાબેન વઘાસિયા (ડે.મામલતદાર), મીનાક્ષીબેન સાવલીયા (DI), સંજયભાઈ (DI), વિભૂતિબેન કાકડીયા (Asst. GST Comm.), ઉર્વિશાબેન હીરપરા (ASI), કાજલબેન દોંગા ( Adv.નોટરી) , સેજલબેન ગોંડલિયા, ભક્તિબેન પટેલ વગેરે ઉપસ્થિત રહી દીપ પ્રાગટય કરીને આ મહેંદી રસમ કાર્યક્રમની શરૂઆત કરી અને પ્રાસંગિક ઉદ્બોધન પણ કર્યું હતું.
Back to top button