ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

CM અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં AAP દ્વારા આજે સામૂહિક ઉપવાસ

  • સામૂહિક ઉપવાસ કાર્યક્રમ માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ યોજવામાં આવશે: AAP

નવી દિલ્હી, 7 એપ્રિલ: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં આમ આદમી પાર્ટી (AAP) દ્વારા આજે રવિવારે સામૂહિક ઉપવાસ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. AAPએ કહ્યું છે કે, આ સામૂહિક ઉપવાસ કાર્યક્રમ માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ યોજવામાં આવશે. આમ આદમી પાર્ટીએ વ્હોટ્સએપ નંબર જારી કરીને લોકોને ઉપવાસના ફોટા શેર કરવા વિનંતી કરી છે. આ કાર્યક્રમ માટે આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરો દિલ્હીના જંતર-મંતર પર એકઠા થશે.

જંતર-મંતર પધારવા માટે અપીલ

આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરો આજે રવિવારે જંતર-મંતર ખાતે એકઠા થશે જ્યાં સવારે 10 વાગ્યાથી સામૂહિક ઉપવાસ કાર્યક્રમ શરૂ થશે. આમ આદમી પાર્ટીના તમામ મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદો અને કાઉન્સિલરો આ કાર્યક્રમમાં સામેલ થશે. આ સાથે વિવિધ ક્ષેત્રે કાર્યરત નાગરિક સમાજના લોકો પણ સમૂહ ઉપવાસ કાર્યક્રમમાં ભાગ લેવા જંતર-મંતર પહોંચશે. આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ રાયે દિલ્હીના લોકોને અપીલ કરી છે કે તેઓ જંતર-મંતર પહોંચે અને આ સામૂહિક ઉપવાસ કાર્યક્રમમાં ભાગ લે.

દેશ-વિદેશમાં પણ સામૂહિક ઉપવાસ

ગોપાલ રાયે કહ્યું છે કે, “ઉત્તર પ્રદેશ, હરિયાણા, પશ્ચિમ બંગાળ સહિત દેશના 25 રાજ્યોના પાટનગર, જિલ્લા અને બ્લોક હેડક્વાર્ટર સહિત ગામડાઓ અને શહેરોમાં લોકો સામૂહિક ઉપવાસ કરશે. ભારત સિવાય અમેરિકાના ન્યૂયોર્ક, બોસ્ટન, લોસ એન્જલસ, વોશિંગ્ટન ડીસી, કેનેડાના ટોરોન્ટો, ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન અને લંડન સહિત અનેક સ્થળોએ લોકો સામૂહિક ઉપવાસ કરશે.”

ભગવંત માન શહીદ ભગતસિંહના ગામમાં કરશે ઉપવાસ 

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનએ દિલ્હીના CM કેજરીવાલની ધરપકડના વિરોધમાં શહીદ ભગતસિંહ નગર જિલ્લામાં ખટકર કલાન (શહીદ ભગતસિંહનું ગામ) ખાતે ઉપવાસ કરશે. તેમણે પંજાબના લોકોને ઉપવાસમાં જોડાવા માટે પણ અપીલ કરી હતી. AAPના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલની ગયા મહિને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા દિલ્હી દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. તેને 15 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે.

આ પણ જુઓ: કેજરીવાલને દિલ્હીના CM પદ પરથી હટાવવા માટે AAPના જ પૂર્વ મંત્રીએ HCમાં દાખલ કરી અરજી

Back to top button