કરમસદ પરીક્ષા કેન્દ્રમાં માસ કોપી કેસની ઘટના, સ્ટાફના 50 લોકો સસ્પેન્ડ
આણંદ,13 માર્ચ 2024, ગુજરાતમાં હાલ ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે. આ પરીક્ષા દરમિયાન કોઈ ગેરરીતિ ના થાય તે માટે સરકાર દ્વારા સીસીટીવી કેમેરા સહિતના ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તે છતાંય આણંદના કરમસદ ખાતેના પરીક્ષા કેન્દ્રમાં ધોરણ 12ની પરીક્ષા દરમિયાન માસ કોપી કેસની ઘટના બની છે. આ ઘટના પ્રકાશમાં આવતા જિલ્લા શિક્ષણાધિકારીએ 50 લોકોના સ્ટાફને સસ્પેન્ડ કરી દીધો છે. આજના પેપરમાં નવા સ્ટાફ સાથે પરીક્ષા શરૂ કરવામાં આવી હતી.
સ્કૂલના 50 લોકોના સ્ટાફને સામૂહિક સસ્પેન્ડ કરવામાં આવ્યો
પ્રાપ્ત વિગતો પ્રમાણે આણંદના કરમસદના સરદાર પટેલ વિદ્યામંદિર સેન્ટરમાં જિલ્લા શિક્ષણાધિકારીની મુલાકાત દરમિયાન બારીમાંથી કોઈ વ્યક્તિ વિદ્યાર્થીને લખાવી રહ્યાનું હોવાની જાણ થઈ હતી. ત્યારબાદ શિક્ષણ અધિકારીને જોઈ અજાણ્યો યુવક ભાગી જતા જિલ્લા શિક્ષણ અધિકારીએ સ્કૂલના 50 લોકોના સ્ટાફને સામૂહિક સસ્પેન્ડ કરીને કડક પગલા લીધા હતા. આ ગંભીર ઘટના અંગે શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ મીડિયાને જણાવ્યુ હતુ કે, ગુજરાતભરમાં 15 લાખ વિદ્યાર્થીઓ શાંતિથી પરીક્ષા આપી રહ્યા છે.આ કેન્દ્ર પર કોની ક્ષતિને કારણે આ બધું થયું તેની તમામ તપાસ સાંજ સુધી પુરી કરવામાં આવશે.
આ ઘટનાના સીસીટીવી ફૂટેજ મંગાવ્યા છે
તેમણે વધુમાં જણાવ્યુ કે, આપણા 15 લાખ વિદ્યાર્થીઓ અને તેમના માતાપિતાએ પરીક્ષા માટે તનતોડ મહેનત કરી હોય ત્યારે આવી કોઇ એકાદ ઘટના અન્ય વિદ્યાર્થી પર કોઇ અસર ન છોડે તે પણ જોવાનું હોય છે. એકપણ વિદ્યાર્થીને અન્યાય ન થાય અને જે પણ દોષિત હશે તેની સામે એક્શન લેવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યુ કે, આ ઘટનાના સીસીટીવી ફૂટેજ મંગાવ્યા છે. જેના કારણે આ ઘટનામાં કોઇને અન્યાય નહીં થાય અને જેને કર્યુ છે તે છૂટે નહીં તેવી કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચોઃશાળામાં શિક્ષકોએ ચાલુ ક્લાસે આ એક કામ કર્યું તો નોંધાશે ફોજદારી ગુનો