મસૂદ અઝહરના સાગરિત રહીમમુલ્લાની પાકિસ્તાનમાં હત્યા
- પાકિસ્તાનના કરાચીમાં મસૂદ અઝહરના સાગરિત મૌલાના રહીમુલ્લાહ તારિકની ઓરંગી ટાઉન વિસ્તારમાં અજાણ્યા લોકોએ ગોળી મારીને હત્યા કરી દીધી છે.
પાકિસ્તાન: પાકિસ્તાનમાં અજાણ્યા હુમલાખોરો દ્વારા જૈશના નજીકના લોકોને નિશાન બનાવવાની પ્રક્રિયા ચાલુ છે. તાજેતરમાં કરાચીનો એક મામલો સામે આવ્યો છે જ્યાં મસૂદ અઝહરના સાગરિત મૌલાના રહીમુલ્લાહ તારિકની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. મૌલાના તારિક ઘણીવાર ભારત વિરોધી મેળાવડાઓમાં ભારત વિરુદ્ધ જોરદાર ભાષણો આપતો હતો.
હત્યા પછી પોલીસે આપ્યું નિવેદન
કહેવામાં આવી રહ્યું છે કે કરાચીના ઓરંગી ટાઉનમાં ભારત વિરોધી રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું હતું અને મૌલાના રહીમુલ્લાહ તેમાં સામેલ થવા જઈ રહ્યો હતો. પોલીસ નિવેદન અનુસાર, ‘મૃતકની ઓળખ મૌલાના રહીમુલ્લાહ તારિક તરીકે થઈ છે. તે ધાર્મિક સભામાં ભાગ લેવા જઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા લોકોએ તેના પર ગોળીબાર કર્યો હતો અને તેમાં મૌલાનાનું મૃત્યું થયું હતું. આ ઘટના ટાર્ગેટ કિલિંગની હોવાનું જણાય છે.
થોડા દિવસ પહેલા લશ્કરના આતંકીને ઠાર કરવામાં આવ્યો હતો
તાજેતરના દિવસોમાં પાકિસ્તાનમાં અજાણ્યા હુમલાખોરો દ્વારા ઘણા ભારત વિરોધી આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. લશ્કર-એ-તૈયબાના ભૂતપૂર્વ કમાન્ડર અકરમ ખાન ઉર્ફે અકરમ ગાઝીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. અકરમ ભારત વિરુદ્ધ ઝેર ઓકતો હતો. તેણે 2018 થી 2020 દરમિયાન લશ્કરમાં ભરતીનું ધ્યાન રાખ્યું હતું. અકરમ લાંબા સમયથી લશ્કરના ટોચના કમાન્ડરોમાં સામેલ હતો
ભારત વિરોધી આતંકવાદીઓને સતત મારવામાં આવી રહ્યા છે
પાકિસ્તાનમાં સતત થતી હત્યાઓએ આતંકવાદીઓની ઊંઘ હરામ કરી દીધી છે. ગયા મહિને ભારતના વધુ એક મોસ્ટ વોન્ટેડ આતંકવાદી શાહિદ લતીફનું પાકિસ્તાનમાં મોત થયું હતું. લતીફની સિયાલકોટમાં અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી હતી. લતીફ 2016માં પઠાણ કોટ એરફોર્સ સ્ટેશન પર હુમલાનો માસ્ટરમાઈન્ડ હતો. સ્ટેશન પર હુમલો કરનારા ચાર આતંકીઓને તે પાકિસ્તાન તરફથી સૂચના આપી રહ્યો હતો.
આ પણ વાંચો: ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પ્રથમવાર પેલેસ્ટાઇનના સમર્થનમાં મતદાન કર્યું