વડોદરામાં કારેલીબાગમાં રોડની વચ્ચે જ પડ્યો મસમોટો ભૂવો, વાહન ચાલક પરેશાન


વડોદરા મહાનગર પાલિકાના અંધેર વહીવટને કારણે હવે પ્રજાને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. વડોદરા ખાડા નગરી અને ભૂવા નગરી તરીકે પણ ઓળખાવા લાગી છે. પાણી-ડ્રેનેજની લાઈનો નાખ્યા બાદ કેટલાક કોન્ટ્રાક્ટ દ્વારા યોગ્ય રીતે માટી પુરાણ કરવામાં આવી નથી જેના પરિણામે અનેક સ્થળોએ ભૂવાઓ પડી રહ્યા છે. ત્યારે આજે આવો જ એક ભુવો કારેલીબાગ વિસ્તારમાં પડ્યો હતો.
કારેલીબાગમાં આવેલા ઓમ શાંતિ ભવન, બહુચરાજી નગર પાસે ભૂવો પડ્યો હતો. પરંતુ, કોર્પોરેશન દ્વારા તેનું સમારકામ કરવામાં આવ્યું નથી. જેથી વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ચોમાસા પહેલા જ ભુવા પડતા લોકોમાં પણ આશ્ચર્ય ફેલાયું હતું. વડોદરા શહેરમાં પાણી અને ડ્રેનેજ લાઈન કામગીરી બાદ કોન્ટ્રાક્ટર દ્વારા થતી હલકી કક્ષાની કામગીરીમાં ભૂવા પડવાને કારણે પોલ ખુલ્લી પડતી હોય છે, પરંતુ, કોર્પોરેશનનું તંત્ર જવાબદાર કોન્ટ્રાક્ટરો સામે કોઇ કાર્યવાહી કરતું નથી જેથી લોકોને હેરાનગતિ થતી હોય છે.