Maruti Dzire: 360-ડિગ્રી કેમેરા અને 5-સ્ટાર સેફટી સાથે લોન્ચ, જાણો કેટલી છે આ કારની કિંમત
- મારુતિ ડિઝાયર પહેલા મારુતિ બ્રેઝાને સૌથી વધુ 4 સ્ટાર રેટિંગ મળી ચૂકી છે
નવી દિલ્હી, 11 નવેમ્બર: દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની Maruti Suzukiએ આજે સોમવારે તેની સૌથી સુરક્ષિત કાર એટલે કે Maruti Dzireની 4th જનરેશનનું મોડલ લાંબી રાહ બાદ વેચાણ માટે લોન્ચ કર્યું છે. આ કારને મોટા ફેરફારો સાથે રજૂ કરવામાં આવી છે. આકર્ષક દેખાવ અને દમદાર ફીચર્સથી સજ્જ આ સેડાન કારની પ્રારંભિક કિંમત રૂ. 6.79 લાખ (એક્સ-શોરૂમ) નક્કી કરવામાં આવી છે.
કંપનીએ આ નવી Maruti Dzireમાં ઘણા મોટા ફેરફારો કર્યા છે. આ 5-સ્ટાર સેફ્ટી રેટિંગવાળી મારુતિ સુઝુકીની પહેલી કાર છે. આ પહેલા મારુતિ બ્રેઝાને સૌથી વધુ 4 સ્ટાર રેટિંગ મળી ચૂકી છે. સેગમેન્ટમાં પ્રથમ વખત સનરૂફ, 360-ડિગ્રી કેમેરા જેવી સુવિધાઓ સામેલ કરવામાં આવી છે.
વેરિઅન્ટ્સ અને બુકિંગની વિગતો
કંપનીએ નવી Dezireને કુલ ચાર વેરિઅન્ટ્સમાં લોન્ચ કરી છે: LXi, VXi, ZXi અને ZXi Plus. આ કાર 7 રંગોમાં ઉપલબ્ધ છે જેમાં Gallant Red, Alluring Blue, Nutmeg Brown, Blueish Black, Arctic White, Magma Grey અને Splendid Silverનો સમાવેશ થાય છે. આ કારનું ઓફિશિયલ બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે, જેને 11,000 રૂપિયામાં બુક કરાવી શકાય છે.
આ નવી મારુતિ ડિઝાયર કેવી છે?
કંપનીએ આ કારમાં લુક અને ડિઝાઇનના સંદર્ભમાં ઘણા ફેરફારો કર્યા છે. પહેલા જ્યાં કોર્નર પર રાઉન્ડ શેપ જોવા મળતા હતા તેને શાર્પ એજથી બદલી દેવામાં આવ્યા છે. નવી ફ્રન્ટ ગ્રિલ, રેકટેંગુલર અને શાર્પ LED હેડલેમ્પ્સ, નવી ડિઝાઇન કરાયેલા ફોગ લેમ્પ હાઉસિંગ, ચંકી ગ્લોસ બ્લેક ટ્રીમ આ કારને વધુ આકર્ષક બનાવે છે. પાછળના ભાગમાં, ટેલ લેમ્પમાં Y આકારની LED લાઇટિંગ કરવામાં આવી છે. ટેલગેટ પર ક્રોમ સ્ટ્રીપ છે જે બંને છેડાને જોડતી હોય તેવું લાગે છે. ટોપ મોડલમાં ડાયમંડ કટ એલોય વ્હીલ આપવામાં આવ્યા છે. શાર્પ સ્ટાઇલિંગ એલિમેન્ટ્સને કારણે, આ કાર વર્તમાન મોડલ કરતાં વધુ સારી અને વધુ Mature લાગે છે.
આ કારની સાઇઝ શું છે?
નવી Dezireની લંબાઈ 3,995 mm, પહોળાઈ 1,735 mm, ઊંચાઈ 1,525 mm અને તેનું વ્હીલબેઝ 2,450 mm છે. તેનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ પણ 163 mm છે. જોકે સાઈઝમાં કોઈ મોટો ફેરફાર કરવામાં આવ્યો નથી, પરંતુ અગાઉના મોડલની સરખામણીમાં ઊંચાઈમાં 10 mmનો વધારો કરવામાં આવ્યો છે. જેના કારણે મુસાફરોને સારું હેડરૂમ મળવાની આશા છે. તેના પેટ્રોલ વેરિઅન્ટને અંદાજે 382 લિટરની બૂટ સ્પેસ મળશે.
કારની શક્તિ અને પ્રદર્શન કેવું છે?
આ કારમાં સ્વિફ્ટનું 1.2 લિટર, 3 સિલિન્ડર ‘Z’ સિરીઝનું એન્જિન છે. આ એન્જિન 81.58 PSનો પાવર અને 111.7 Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ નવું એન્જીન અગાઉના મોડલ કરતાં વધુ ફાઇન(શુદ્ધ) છે. નવી Dezire કંપની ફીટેડ CNG કિટ સાથે 5-સ્પીડ મેન્યુઅલ અને 5-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન ગિયરબોક્સ વિકલ્પો સાથે રજૂ કરવામાં આવી છે.
કારની માઇલેજ કેટલી છે?
કંપનીનો દાવો છે કે, તેનું મેન્યુઅલ વેરિઅન્ટ 24.79 કિમી, ઓટોમેટિક વેરિએન્ટ 25.71 કિમી અને સીએનજી વેરિએન્ટ 33.73 કિમીની માઈલેજ આપશે. કંપની આ સેડાન કારમાં 37 લીટર પેટ્રોલ અને 55 લીટર સીએનજી ટેન્ક આપી રહી છે જે 15 ઇંચના ટાયર પર ચાલે છે. આગળના વ્હીલમાં ડિસ્ક બ્રેક અને પાછળના ભાગમાં ડ્રમ બ્રેક્સનો વિકલ્પ મળશે.
કારમાં કેબિનની ફીચર્સ કેવા મળશે?
નવી Maruti Dezireની કેબિન અગાઉના મોડલની સરખામણીમાં ઘણી પ્રીમિયમ છે. તેમાં સનરૂફ, 9-ઇંચ ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, રિયર સેન્ટર આર્મરેસ્ટ, ઓટોમેટિક એસી, રિયર એસી વેન્ટ્સ જેવી સુવિધાઓ આપવામાં આવી રહી છે. કેબિનની અંદરની જગ્યાનું પણ સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું છે. દરવાજામાં બોટલ-હોલ્ડર્સ, પાછળની સીટ પર સેન્ટર આર્મરેસ્ટ સાથે કપ હોલ્ડર્સ આપવામાં આવે છે.
કારમાં મળે છે મજબૂત સલામતી
મારુતિ સુઝુકીની આ પહેલી કાર છે જેને ક્રેશ-ટેસ્ટમાં 5-સ્ટાર રેટિંગ મળ્યું છે. હાલમાં જ ગ્લોબલ NCAP દ્વારા આ કારનું ક્રેશ ટેસ્ટ કરવામાં આવ્યું હતું. જેમાં નવી ડીઝાયરને 5-સ્ટાર રેટિંગ મળ્યું છે. સલામતીની દ્રષ્ટિએ, તેમાં 6 એરબેગ્સ, હિલ હોલ્ડ આસિસ્ટ, EBD સાથે ABS, બ્રેક આસિસ્ટ, 3-પોઇન્ટ સીટ બેલ્ટ સ્ટાન્ડર્ડ, રીઅર ડિફોગર અને 360-ડિગ્રી કેમેરા જેવા ફીચર્સ ઉપલબ્ધ છે.
આ પણ જૂઓ: મારુતિ 800 પર લગાવ્યા 24 ડ્રમ! ડ્રાઈવરની આ કરતૂતથી લોકો થયા ગુસ્સે, જૂઓ વીડિયો