અમદાવાદગુજરાત

અમદાવાદમાં 25 વર્ષીય પરિણીતાનું તેના જ પરિવારના સભ્યોએ અપહરણ કર્યું

અમદાવાદ, 11 જુલાઈ 2024 શહેરના ઓઢવ વિસ્તારમાં 25 વર્ષીય પરિણીતાનું તેના જ પરિવારના સભ્યો કારમાં અપહરણ કરી ગયા હોવાની ઘટના બની હતી. યુવતીના પ્રેમ લગ્ન પરિવારને મંજૂર ન હતા જેને લઇને અપહરણ કર્યું હોવાનું સામે આવી રહ્યું છે. આ મામલે ઓઢવ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

સમાજના યુવક સાથે ઘરેથી ભાગીને પ્રેમ લગ્ન કર્યા
પ્રાપ્ત વિગતો પ્રમાણે પરિણીતાએ તેના જ સમાજના યુવક સાથે ઘરેથી ભાગીને પ્રેમ લગ્ન કર્યા હતા. આ લગ્ન યુવતીના પરિવારના સભ્યોને મંજૂર ન હોવાથી પિતરાઈ ભાઈ સહિત પાંચ જણા અમદાવાદના ઓઢવ વિસ્તારમાંથી પરિણીતાનું બે દિવસ પહેલાં અપહરણ કર્યું હતું.ઓઢવ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ અમદાવાદમાં ફોઇના ઘરે રહેતા અને સાણંદ ખાતે ટાટા મોટર્સમાં નોકરી કરતા યુવાન મયુર અશોકભાઈ પંચાસરાને બોટાદના માંડવાધાર ખાતે રહેતી પોતાના જ સમાજની યુવતી સાથે પ્રેમ સંબંધ હોવાથી ઘરેથી ભાગીને લગ્ન કર્યા હતા.

યુવતી પોતાના સાસરે ચુડા ખાતે રહેતી હતી
યુવતી ઘરેથી ભાગી જતાં તેના પિતા રમણીકભાઈ દલસાણીયાએ ગઢડા પોલીસ મથકમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. જો કે, યુવક અને યુવતી પ્રેમ લગ્ન કરી પોલીસ સમક્ષ હાજર થયા હતા. યુવતી તેના પ્રેમી પતિ મયુર સાથે જ રહેવા માગતી હોવાથી અને બંને પુખ્ત ઉંમરના હોવાથી પોલીસે તેને પતિ સાથે રહેવા જવા દીધી હતી. બીજી તરફ યુવતી પોતાના સાસરે ચુડા ખાતે રહેતી હતી. યુવતીના પરિવારને આ લગ્ન મંજૂર ન હોવાથી યુવતીને યેનકેન પ્રકારે પાછી લઈ જવા માટે ધમપછાડા કરતા હતા. આથી બોટાદ ખાતે રહેતા મયુરના પિતરાઈના પરિવારની દુકાને જઈ યુવતીના ફોઇનો દીકરો વિજય દબાણ કરતો હતો. આથી આ પિતરાઈ પરિવાર છેલ્લા કેટલાક સમયથી બોટાદથી અમદાવાદ ઓઢવ ખાતે રહેવા આવી ગયો હતો.

બળજબરીથી ગાડીમાં બેસાડી અપહરણ કરી લઇ ગયા
યુવતી અને તેનો પતિ 15 દિવસ પહેલાં જ ઓઢવ રહેવા આવ્યા હતા. ત્યારે ગત 6 જુલાઈના રોજ યુવતી તેની પિતરાઇ જેઠાણી દક્ષા વિરલભાઈ પંચાસરા સાથે તેમના પુત્રને નજીકમાં આવેલી સ્કૂલે મુકવા જતી હતી. ત્યારે અગાઉથી ત્યાં બાઈક પર વિજય અને અન્ય અજાણ્યા શખસો રાહ જોઇને ઉભા હતા. વિજયે યુવતીને બાઈક પર બેસાડવા પ્રયાસ કર્યો હતો પરંતુ એમાં સફળ થયો ન હતો. ત્યાં જ એક કાર આવી હતી તેમાંથી બે જણા ઉતર્યા હતા અને ચારેય જણાએ યુવતીને બળજબરીથી ગાડીમાં બેસાડી અપહરણ કરી લઇ ગયા હતા.

આ પણ વાંચોઃઅમદાવાદમાં કરોડોના ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ, CID ક્રાઈમે બુકી પ્રવિણ જૈનને ઝડપ્યો

Back to top button