ભુજઃ છેલ્લા કેટલાક સમયથી કચ્છના અલગ અલગ દરિયા કિનારેથી વિવિધ સુરક્ષા એજન્સીઓને પેટ્રોલિંગ દરમ્યાન શંકાસ્પદ પદાર્થના પેકેટ મળી આવ્યા છે. જેના અહેવાલો પ્રકાશમાં આવતા રહે છે. ત્યારે વધુ એકવાર માંડવીના ઓછી ભીડભાડ ધરાવતા પિંગલેશ્વરના દરિયા કિનારેથી મરીન કમાન્ડોને બિનવારસી હાલતમાં શંકાસ્પદ પેકેટ મળી આવ્યા છે. આ પેકેટમાં માદક પદાર્થ જ છે કે કંઇ બીજુ તેની તપાસ હાથ ધરવામાં આવી છે.
ફૂટ પેટ્રોલિંગ દરમિયાન પેકેટ મળ્યાં
આ વિશે સત્તાવાર કરાયેલી જાહેરાત મુજબ કમાન્ડો ફોર્સના પોલીસ મહાનિરીક્ષક અમિતકુમાર વિશ્વકર્મા, મરીન સેકટર કમાન્ડરથી પિનાકિન પરમારના માર્ગદર્શન હેઠળ આર. એમ. ચૌધરી, મરીન સેકટર લીડર, જખૌની અગવાઇમાં આજ વહેલી સવારથી મરીન કમાન્ડો અરવિંદભાઇ કે. રોજાસરા, નારણસિંહ બી. જાડેજા, જયપાલસિંહ બી. જાડેજા, શૈલેષભાઇ કે. ચૌહાણ, ભાવેશભાઇ એમ. જોટવા, જયસુખભાઇ એલ.નૈયાત્રા પિંગ્લેશ્વરથી મોટી સિંધોડી કોસ્ટલ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે સવારે 09.46 કલાકે કડુલી બીચ વિસ્તારથી આશરે 600 મીટર આગળ 10 સિલ્વર રંગના પેકેટ જોવા મળ્યાં હતા.
પોલીસે કાર્યવાહી હાથ ધરી
આ તમામ પેકેટનું વજન આશરે 10 (દશ) કિલોગ્રામ હતો. આ પેકેટ ઉપર અંગ્રેજીમાં ”STARBUCKS MEDIUM ROST, COFFEE WITH ESSENTIAL VITAMINS’ લખેલું મળી આવ્યું હતું. જે ફૂટ પેટ્રોલિંગ કરી રહેલા મરીન કમાન્ડોને સદર પેકેટ શંકાસ્પદ જણાતા કબ્જે લઇ આગળની કાર્યવાહી અર્થે કોઠારા પોલીસ સ્ટેશન ખાતે આગળની કાર્યવાહી અર્થે જમા કરાવવામાં આવ્યા હતા.