‘આગામી થોડા કલાકોમાં આવી શકે છે ગુડ ન્યૂઝ’, ઈરાન-અમેરિકા યુદ્ધ મુદ્દે ભારતમાંથી માર્કો રુબિયોનું મોટું નિવેદન

Marco Rubio: ઈરાન-અમેરિકા તણાવ વચ્ચે ભારતની મુલાકાતે આવેલા યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ એક મોટો સંકેત આપતા કહ્યું છે કે ‘આગામી થોડા કલાકોમાં દુનિયાને સારા સમાચાર મળી શકે છે.’ એવું માનવામાં આવે છે કે આ સંભવિત સોદો 60 દિવસના યુદ્ધવિરામના વિસ્તરણ અને હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવા સાથે સંબંધિત હોઈ શકે છે.
ટૂંક સમયમાં મળી શકે છે ગુડ ન્યુઝ
દિલ્હીમાં મીડિયા સાથે વાતચીત દરમિયાન માર્કો રુબિયોએ કહ્યું કે, “મને લાગે છે કે આગામી થોડા કલાકોમાં દુનિયાને સારા સમાચાર મળી શકે છે.” જોકે તેમણે સંભવિત સમજૂતી વિશે સંપૂર્ણ માહિતી શેર કરી નહોતી, પરંતુ તેમના નિવેદનથી સંકેત મળ્યો કે અમેરિકા અને ઈરાન વચ્ચે કોઈ મોટા રાજદ્વારી ઉકેલ પર સહમતિ બની શકે છે.
ટ્રમ્પે પણ આપ્યો હતો યુદ્ધવિરામનો સંકેત
આથી થોડા કલાકો પહેલાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ 60 દિવસના યુદ્ધવિરામના વિસ્તરણનો સંકેત આપ્યો હતો. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Truth Social પર દાવો કર્યો હતો કે અમેરિકા, ઈરાન અને અનેક અન્ય દેશો વચ્ચે એક સમજૂતી પર વ્યાપક સહમતિ બની ચૂકી છે, જેને હવે અંતિમ સ્વરૂપ આપવાનું બાકી છે.
રુબિયોએ જણાવ્યું કે પ્રસ્તાવિત સમજૂતીમાં હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવાનો મુદ્દો પણ સામેલ છે, જેને સંઘર્ષ શરૂ થયા બાદ ઈરાને મોટા ભાગે બંધ કરી દીધો હતો. આ ડીલ હેઠળ ઈરાનને પોતાનું તેલ વેચવાની મંજૂરી પણ આપવામાં આવી શકે છે. બીજી તરફ ઈરાનની માંગ છે કે અમેરિકા તેની નૌકાદળ દ્વારા કરવામાં આવેલી નાકાબંધી સમાપ્ત કરે, વિદેશમાં જપ્ત કરેલી સંપત્તિઓ મુક્ત કરે અને તેલ નિકાસ પર લાગેલા પ્રતિબંધો હટાવે.
ઈરાન ક્યારેય પરમાણુ શસ્ત્રો રાખી શકશે નહીં
માર્કો રુબિયોએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે અમેરિકા કોઈપણ સંજોગોમાં ઈરાનને પરમાણુ શસ્ત્રો મેળવવા દેશે નહીં. તેમણે જણાવ્યું હતું કે આ મુદ્દો અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષાને લગતો છે અને તેની સાથે કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં.
ઇન્ડિયા ફર્સ્ટ નીતિને પ્રાથમિકતા
ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકરે પણ આ મુદ્દે ભારતનું વલણ સ્પષ્ટ કર્યું. તેમણે કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પેનું પ્રશાસન ‘અમેરિકા ફર્સ્ટ’ નીતિ પર કામ કરે છે, જ્યારે ભારત ‘ઇન્ડિયા ફર્સ્ટ’ નીતિને પ્રાથમિકતા આપે છે. જયશંકરે જણાવ્યું કે ભારત પાસે સસ્તા અને વિવિધ પ્રકારના ઊર્જા સ્ત્રોત ઉપલબ્ધ છે અને દેશ પોતાની જરૂરિયાત મુજબ અનેક સ્ત્રોતોમાંથી ઊર્જાની ખરીદી ચાલુ રાખશે.
આ પણ વાંચો: વ્હાઇટ હાઉસ નજીક ગોળીબારથી હોબાળો: અંદર હાજર હતા ડોનાલ્ડ ટ્રમ્પ, હુમલાખોર ઠાર












