ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડસ્પોર્ટસ

મેરેથોન વર્લ્ડ રેકોર્ડ ધારક કેલ્વિન કિપ્ટમનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ

  • અકસ્માતમાં દોડવીર સાથે કારમાં બેઠેલા તેમના કોચનું પણ થયુ મૃત્યુ

કેન્યા, 12 ફેબ્રુઆરી: કેન્યાના મેરેથોન વર્લ્ડ રેકોર્ડ ધારક 24 વર્ષીય કેલ્વિન કિપ્ટમ અને તેના કોચનું રવિવારે પશ્ચિમ કેન્યાના કેપ્ટાગેટથી એલ્ડોરેટ રોડ પર રિફ્ટ વેલીમાં એક માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું છે. સિન્હુઆના જણાવ્યા અનુસાર, અકસ્માતમાં દોડવીર સાથે કારમાં બેઠેલા તેમના કોચ ગેરવાઈસ હકીઝિમાનાનું પણ મૃત્યુ થયું છે. મેરેથોન વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર જેવુ પ્રતિષ્ઠિત ટાઈટલ મેળવનાર યુવાનની આશાસ્પદ કારકિર્દી એકાએક ટૂંકી થઈ ગઈ છે, જેનાથી એથ્લેટિક્સ સમુદાયમાં શોકની લાગણી ફેલાઈ છે. વિશ્વ એથ્લેટિક્સના પ્રમુખ સેબેસ્ટિયન કો અને અન્ય મહાનુભાવોએ હૃદયપૂર્વક શોક વ્યક્ત કર્યો છે. કોએ કિપ્ટમને એક અસાધારણ એથ્લેટ તરીકે બિરદાવ્યો છે.

 

આ જીવલેણ અકસ્માત રિફ્ટ વેલીમાં મોડી સાંજે થયો હતો, જ્યાં કિપ્ટમ તેના રવાન્ડાના કોચ અને એક સાથી સાથે ડ્રાઇવિંગ કરી રહ્યો હતો. કિપ્ટમ અને તેના કોચ બંનેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું, જ્યારે તેમના સાથીદાર શેરોન કોસગેઈને ગંભીર ઈજાઓ થઈ હતી અને તેની સ્થાનિક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

 

સમગ્ર કેન્યામાંથી શ્રદ્ધાંજલિઓ વ્યક્ત કરવામાં આવી

કિપ્ટમના અકાળે અવસાનના અહેવાલો ફેલાતાં, સમગ્ર કેન્યામાંથી શ્રદ્ધાંજલિઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. અગ્રણી રાજકારણીઓ અને સરકારી અધિકારીઓએ ગહન દુઃખ વ્યક્ત કરી રહ્યા છે. કેન્યાના ભૂતપૂર્વ વડાપ્રધાન રૈલા ઓડિન્ગાએ એથ્લેટિક્સ આઇકોનની ખોટ પર શોક વ્યક્ત કર્યો છે, કિપ્ટમના પ્રિયજનો અને સમગ્ર એથ્લેટિક્સ સમુદાય દ્વારા હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરવામાં આવી છે. તેવી જ રીતે, કેન્યાના રમતગમત મંત્રી અબાબુ નામવામ્બાએ દુ:ખદ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે અને ટ્વિટર પર લખ્યું છે કે, “કેન્યાએ એક ખાસ રત્ન ગુમાવ્યો છે.”

 

વિશ્વ એથ્લેટિક્સના પ્રમુખ સેબેસ્ટિયન કોએ શું કહ્યું ?

કોએ એક નિવેદનમાં જણાવ્યું કે, “કેલ્વિન કિપ્ટમ અને તેના કોચ ગેરવાઈસ હકીઝિમાનાના વિનાશક અકસ્માત વિશે જાણીને અમને આઘાત લાગ્યો છે અને ખૂબ જ દુઃખ થયું છે. તમામ વિશ્વ એથ્લેટિક્સ વતી, અમે તેમના પરિવારો, મિત્રો, ટીમના સાથીઓ અને કેન્યા રાષ્ટ્ર પ્રત્યે અમારી ઊંડી સંવેદના વ્યકત કરીએ છીએ. એક અતુલ્ય એથ્લેટ અકલ્પનીય વારસો છોડીને ગયો છે, અમે તેને ખૂબ જ યાદ કરીશું.”

 

કેલ્વિન કિપ્ટમના નામે વર્લ્ડ રેકોર્ડ!

કેલ્વિન કિપ્ટમે ડિસેમ્બર 2022માં તેની મેરેથોનમાં પદાર્પણ કર્યું હતું અને વેલેન્સિયામાં તેણે જીતવા માટે બે કલાક, એક મિનિટ અને 53 સેકન્ડનો સમય લીધો હતો. એક વર્ષ કરતાં ઓછા સમય પછી, તેની ત્રીજી મેરેથોનમાં કિપ્ટને શિકાગોમાં 2:00:35 સાથે નવો મેરેથોન વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. કેન્યાના રનરે 2023 શિકાગો મેરેથોનમાં ભાગ લીધો ન હતો, પરંતુ તે આ વર્ષે એપ્રિલમાં રોટરડેમ મેરેથોનમાં ભાગ લેવાનું આયોજન કરી રહ્યો હતો.

કિપ્ટમે શિકાગો મેરેથોનમાં ઈતિહાસ રચ્યો હતો, 2:00:35ના આશ્ચર્યજનક સમય સાથે કેલ્વિન કિપ્ટમે તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા, જે તેના દેશબંધુ એલિયુડ કિપચોગે દ્વારા સેટ કરેલા અગાઉના 2:01:09ના માર્કને વટાવી ગયો હતો. સાત સૌથી ઝડપી મેરેથોનમાંથી ત્રણ વખત તેનું નામ અંકિત છે.

આ પણ જુઓ: ઓસ્ટ્રેલિયાની LIVE મેચમાં મેદાન પર લોહી, ક્રિકેટર જમીન પર પડ્યો, વીડિયો જોઈ ચોંકી જશો

Back to top button