કેરળ પોલીસની કમાન્ડો ટીમ સાથે માઓવાદીઓની અથડામણ, 2 ની ઘરપકડ
- અથડામણ બાદ બે માઓવાદીઓને પકડવામાં સફળતા મેળવી છે.
- પકડાયેલા માઓવાદીઓની ઓળખ ચંદ્રુ અને ઉન્નિમાયા તરીકે થઈ છે.
વાયનાડ: કેરળના વાયનાડ જિલ્લામાં સ્થિત જંગલ વિસ્તારમાં મંગળવારે મોડી રાત્રે પોલીસ કમાન્ડો ટીમ સાથેની અથડામણ બાદ બે માઓવાદીઓને પકડી લેવામાં આવ્યા હતા. આ અંગે માહિતી આપતા પોલીસે જણાવ્યું કે ધરપકડ કરાયેલા માઓવાદીઓમાં એક પુરુષ અને એક મહિલાનો સમાવેશ થાય છે. માઓવાદીઓની ઓળખ ચંદ્રુ અને ઉન્નિમાયા તરીકે થઈ છે. થલાપ્પુઝા પોલીસ સ્ટેશન વિસ્તારના પેરિયા વિસ્તારમાં કેરળ પોલીસની વિશેષ ટીમ અને માઓવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું.
માઓવાદીઓનું એક જૂથ ફોન ચાર્જ કરવા આવ્યું હતું
પોલીસના જણાવ્યા અનુસાર જ્યારે લગભગ પાંચ માઓવાદીઓનું એક જૂથ તેમના મોબાઈલ ફોન ચાર્જ કરવા માટે એક ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યું હતું ત્યારે અથડામણ થઈ હતી. ઓપરેશન દરમિયાન જૂથના ત્રણ સભ્યો સ્થળ પરથી નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર પકડાયેલા માઓવાદીઓને પૂછપરછ માટે નજીકના પોલીસ કેમ્પમાં લઈ જવામાં આવ્યા છે. કેરળ પોલીસની ટીમોએ પડોશી કોઝિકોડ જિલ્લામાં મંગળવારે ધરપકડ કરાયેલા એક માઓવાદી સમર્થક વ્યક્તિ પાસેથી મળેલી બાતમીના આધારે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન માઓવાદીઓએ રાજ્ય પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને થંડરબોલ્ટ સ્ક્વોડ પર ગોળીબાર કર્યો હતો.
ગયા મહિને એક ખાનગી રિસોર્ટ પર દરોડો પાડ્યો હતો
ગયા મહિને અત્યાધુનિક શસ્ત્રોથી સજ્જ માઓવાદીઓનું એક જૂથ થલાપ્પુઝામાં મક્કીમાલા ખાતેના એક ખાનગી રિસોર્ટમાં પહોંચ્યું હતું અને એસ્ટેટ કામદારોના મુદ્દાઓ વિશે મીડિયાને નિવેદન મોકલવા માટે મેનેજરનો મોબાઇલ ફોન કબજે કર્યો હતો. માઓવાદીઓની સંખ્યા છ હતી તેમણે હોટેલ સ્ટાફના મોબાઈલ ફોન કબજે કર્યા હતા.
માઓવાદીઓની હાજરી અંગે માહિતી મળી હતી
બાદમાં માઓવાદીઓએ હોટેલ સ્ટાફને તેમના નિવેદન વોટ્સએપ દ્વારા પત્રકારોના એક પસંદગીના ગ્રુપને મોકલવાની સૂચના આપી હતી. પોલીસે આ ઘટનાના સંબંધમાં ગેરકાનૂની પ્રવૃત્તિઓ અને આર્મ્સ એક્ટ હેઠળ કેસ નોંધ્યો હતો. તાજેતરમાં વાયનાડ અને પડોશી કન્નુર જિલ્લાઓમાં જંગલ સરહદની આસપાસના કેટલાક ગામોમાં શંકાસ્પદ માઓવાદીઓની હાજરીના અહેવાલો મળ્યા છે. માહિતીના આધારે પોલીસની ટીમો તેમની વ્યૂહરચના પર કામ કરી રહી છે.
આ પણ વાંચો, ઓસ્ટ્રેલિયામાં એક કરોડથી વધુ લોકોની ઈન્ટરનેટ સહિતની સેવાઓ ખોરવાઈ