ગુજરાતથી માંડી સમગ્ર દેશમાં અનેક કાર્યક્રમો સ્થગિત
ગાંધીનગર, 27 ડિસેમ્બર, 2024: દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહના નિધનને પગલે ગુજરાત સહિત સમગ્ર દેશમાં આજે અનેક કાર્યક્રમો સ્થગિત કરવામાં આવ્યા છે. ભૂતપૂર્વ વડાપ્રધાનને અંજલિ આપવા ઘણા કાર્યક્રમો સદંતર રદ કરી દેવામાં આવ્યા છે જ્યારે બીજા અનેક કાર્યક્રમો મોકૂફ રાખવામાં આવ્યા છે.
ગુજરાતમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલના તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા હોવાનું સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતના માહિતી ખાતા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આજના પૂર્વ નિર્ધારિત કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહના ગઈરાત્રે થયેલા અવસાન અંગે સદગતના સન્માનમાં જાહેર કરવામાં આવેલા રાષ્ટ્રવ્યાપી શોકને અનુલક્ષીને તા. ૨૭ ડિસેમ્બરે શુક્રવારે યોજાનારા મુખ્યમંત્રીના બધા જ કાર્યક્રમો રદ કરાયા છે.
એ જ પ્રમાણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ કાંકરિયા કાર્નિવલ સ્થગિત રાખવાનું જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જારી યાદી અનુસાર, શહેરના મેયર, નાયબ મેયર, સ્થાયી સમિતિના ચેરમેન સહિત અગ્રણીઓ દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ, ભારતના માનનીય ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહના દુઃખદ અવસાન નિમિત્તે “કાંકરિયા કાર્નિવલ2024″ના આજ તારીખ 27 ડિસેમ્બર, 2024થી તારીખ 31 ડિસેમ્બર, 2024 સુધીના તમામ સાંસ્કૃતિક કાર્યક્રમો મોકુફ રાખવામાં આવેલા છે. જોકે કાંકરિયા લેક ફ્રન્ટ પરિસર ખાતે વિનામૂલ્ય પ્રવેશ ચાલુ રહેશે.
બિહારમાં મુખ્યપ્રધાન નીતિશકુમારે ગઈકાલથી તેમની પ્રગતિયાત્રા શરૂ કરી હતી. પરંતુ મોડી રાત્રે ભૂતપૂર્વ વડાપ્રધાનના નિધનના સમાચાર બાદ આજથી બે દિવસ 27 અને 28 ડિસેમ્બરની પ્રગતિયાત્રા નીતિશકુમારે સ્થગિત કરી હોવાના અહેવાલ છે.
દરમિયાન, વૈશ્વિક નેતાઓ પણ ડૉ. સિંહને અંજલિ આપી રહ્યા છે. અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ બરાક ઓબામા, જર્મનીના ભૂતપૂર્વ ચાન્સેલર એન્જલા માર્કેલ, અમેરિકાના વર્તમાન વિદેશપ્રધાન એન્ટની બ્લિંકન સહિત વિવિધ અગ્રણીઓએ ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાનના નિધન અંગે પોતાની સંવેદના વ્યક્ત કરી છે.
આ પણ વાંચોઃ ડૉ. મનમોહન સિંહે વડાપ્રધાન તરીકે અંતિમ વખત મીડિયાને શું સંબોધન કર્યું હતું? જાણો