નવી દિલ્હી, 14 ઓગસ્ટઃ દિલ્હીના ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાન મથકે આજે બુધવારે બપોરે ભાર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વિશ્વાસપાત્ર સૂત્રો દ્વારા એવું પણ જાણવા મળે છે કે આ સ્થિતિને કારણે અનેક મુસાફરો તેમની ફ્લાઈટ ચૂકી ગયા છે.
સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ આજે નવી દિલ્હીના વિમાન મથકે અસાધારણ ભીડ જોવા મળી હતી. રાજધાનીથી દેશ અને દુનિયાના વિવિધ ડેસ્ટિનેશન જવા માટેની ફ્લાઈટના સમયમાં વધારે અંતર નહીં હોવાને કારણે વિવિધ ફ્લાઈટના મુસાફરો એક સાથે એકત્ર થઈ ગયા હતા. બધા મુસાફરો મેઈન ગેટ પરથી અંદર તો પહોંચી ગયા હતા, પરંતુ સિક્યોરિટી ચેકઈનમાં અસાધારણ લાઈન હોવાને કારણે અફરાતફરી જેવું લાગતું હતું.
સૂત્રોના જણાવ્યા મુજબ, અનેક મુસાફરોએ તેમના ગંતવ્ય સ્થાને સમયસર પહોંચવું જરૂરી હતું પરંતુ આવી ભીડને કારણે સિક્યોરિટી ચેકમાં વાર લાગતાં તેઓ ફ્લાઈટ ચૂકી ગયા હતા અથવા લગભગ ચૂકી જાય તેવી સ્થિતિ સર્જાઈ હતી પરિણામે તેઓ બળાપો કાઢી રહ્યા હતા.
આ પણ વાંચોઃ ગુજરાતના 39 વિશેષ મહેમાનો લાલ કિલ્લા ખાતે સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં જોડાશે