ગુજરાતટોપ ન્યૂઝ

જીવલેણ ચાઇનીઝ દોરી: હાઈકોર્ટના ઠપકા છતાં પોલીસની હપ્તાખોરીના પાપે નિર્દોષ નાગરિકોના જીવ ગયા

Text To Speech

ગુજરાતમાં ચાઈનીઝ દોરીથી કેટલાય લોકોના મોત નિપજ્યા છે. જેમાં અમદાવાદમાં મહિલાને ઈજા થઇ છે. તથા હાલોલ અને દાહોદમાં બે યુવકોને ચાઈનીઝ દોરીથી ગળા કપાયા છે. તેમાં હાઈકોર્ટના ઠપકા છતાં પોલીસની હપ્તાખોરીના પાપે નિર્દોષ નાગરિકો જીવ ગુમાવી રહ્યાં છે.

આ પણ વાંચો: સુરતમાં 112 બ્રિજ પર ટુ-વ્હિલરને નો-એન્ટ્રી, જાણો શું છે કારણ

હાઈકોર્ટના કડક ઠપકા પછી અને પ્રતિબંધ હોવા છતાં પણ બેફામ દોરીનું વેચાણ

રાજ્યમાં ચાઈનીઝ દોરી પર હાઈકોર્ટના કડક ઠપકા પછી અને પ્રતિબંધ હોવા છતાં પણ બેફામ દોરીનું વેચાણ અને વપરાશ થઈ રહ્યો છે. પોલીસ હપ્તા ખાઈને ચાઈનીઝ દોરી વેચનારને મોકળું મેદાન આપે છે. બીજી તરફ નિર્દોષ નાગરિકો ચાઈનીઝ દોરીનો ભોગ બની રહ્યાં છે. જેમાં આણંદના રહેવાસી અને રેલવે કર્મચારી વિપુલભાઈ ઠક્કર (ઉં.વ.38) નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં સરદાર નગર નજીક રહેતા મિત્રને મળવા તેમના ઘરે આવ્યા હતા. મિત્રનું બાઈક લઈને તેઓ બપોરે દોઢેક વાગ્યે સરદાર નગર કુંભારચાલી વિસ્તારમાંથી પસાર થતા હતા ત્યારે પતંગનો દોરો ગળામાં ઘસાતા લોહીની પીચકારી છૂટી હતી. લોકોએ તેમને હોસ્પિટલ પહોંચાડયા હતા પરંતુ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

ચાઇનીઝ દોરી ગળાના ભાગે વાગતા લોહીલુહાણ

અમદાવાદના હાટકેશ્વરમાં રહેતા 45 વર્ષીય દિપીકા ગૌસ્વામી કામ માટે હાટકેશ્વરથી નાગરવેલ હનુમાન તરફ્ જતા હતા ત્યારે એક્ટિવા પર સ્વસ્તિક ચાર રસ્તા પાસેથી પસાર થતી હતી ત્યારે અચાનક ચાઇનીઝ દોરી ગળાના ભાગે વાગતા લોહીલુહાણ હાલતમાં નીચે પડયા હતા. તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

અચાનક પતંગનો દોરો ગળામાં ફ્સાતા ગળું કપાઈ ગયું

હાલોલમાં કમલેશભાઈ સિસોદિયા બાઈક લઇ ઘરે જતા હતા ત્યારે અચાનક પતંગનો દોરો ગળામાં ફ્સાતા ગળું કપાઈ ગયું હતું. દાહોદના મુવાલીયા ક્રોસીંગ પરથી મૃગેશભાઈ મેડા પોતાની એક્ટિવા લઈ પસાર થઈ રહ્યો હતો ત્યારે તેની દાઢી અને મોઢાના ભાગે પતંગની ચાઈનીઝ દોરી ફરી વળતા લોહીલુહાણ હાલતમાં યુવકને તાત્કાલિક દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવતા યુવકને 14 જેટલા ટાંકા લેવાની ફરજ પડી હતી.

Back to top button