જામનગર, મોરબી, પાટણ સહિત રાજ્યમાં અનેકને 10 ફેબ્રુઆરીએ મળશે PM આવાસ યોજના હેઠળ ઘર
- રાજ્યના ૩૩ જિલ્લાઓમાં અંદાજીત ૧,૨૭,૨૧૨ આવાસોનું ઇ-લોકાર્પણ કરવામાં આવશે
- આગામી ૧૦ ફેબ્રુઆરીએ મોરબી જિલ્લામાં વિધાનસભા સીટ અનુસાર કાર્યક્રમો યોજાશે
- મોરબી જિલ્લામાં ૪૪૦ જેટલા પરિવારોને મળશે ઘરનું ઘર
- જામનગર જિલ્લામાં પણ ૩૦૧ આવાસોનું વડાપ્રધાન વર્ચ્યુઅલ ઈ-લોકાર્પણ કરશે
- પાટણ જિલ્લામાં 954 આવાસનું પણ થશે ઈ-લોકાર્પણ
જામનગર\મોરબી\પાટણ, 08 ફેબ્રુઆરી : રાજ્ય સરકારના નેતૃત્વ હેઠળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં આગામી તા.૧૦ ફેબ્રુઆરીના રોજ કેન્દ્ર તથા રાજ્ય સરકારની અમલીકૃત પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ), પ્રધાનમંત્રી આવાસ યોજના(શહેરી), હળપતિ આવાસ યોજના, ડૉ. આંબેડકર આવાસ યોજના, પંડિત દીનદયાલ ઉપાધ્યાય આવાસ યોજનાઓનો સમગ્ર રાજ્યના ૩૩ જિલ્લાઓમાં અંદાજીત ૧,૨૭,૨૧૨ આવાસોનું ઇ-લોકાર્પણ કરવામાં આવશે.
સમગ્ર રાજયમાં યોજાનાર આવાસ યોજના ઈ-લોકાપર્ણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ અન્વયે આગામી ૧૦ ફેબ્રુઆરીએ મોરબી જિલ્લાની ચાર વિધાનસભા બેઠકોમાં યોજનાર કાર્યક્રમમાં ૪૩૯ જેટલા લાભાર્થીઓના આવાસનું ઈ-લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવશે. જેમાં ટંકારા, વાંકાનેર, હળવદ અને મોરબીના વિધાનસભા સીટ અનુસારના ધારાસભ્ય તેમજ, વિધાનસભા મતવિસ્તાર દીઠ તમામ લાભાર્થીઓ તથા જાહેર જનતા પણ આ કાર્યક્રમોમાં ઉપસ્થિતિ રહેશે.
જામનગરમાં ગ્રામ્ય કક્ષાનો આ કાર્યક્રમ કેબિનેટ મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં હાપા એપીએમસી ખાતે અને સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષ સ્થાને જામજોધપુર વિધાનસભા મતવિસ્તારનો કાર્યક્રમ લાલપુર ખાતે વીર સાવરકર હાઈસ્કુલમાં તેમજ કાલાવડ તાલુકાનો કાર્યક્રમ ધારાસભ્ય મેઘજી ચાવડાના અધ્યક્ષ સ્થાને ઉમિયાપાર્ટી પ્લોટ ખાતે તા.૧૦ ફેબ્રુઆરીએ બપોરે ૧૨થી૨ ના સમય દરમિયાન યોજાશે.
વડાપ્રધાન વર્ચ્યુઅલ માધ્યમથી રાજ્યના ૧,૨૭,૨૧૨ આવાસોનું ઈ-ખાતમુહૂર્ત અને ઈ-લોકાર્પણ કરશે. જેમાંથી જામનગર જિલ્લામાં ૬ તાલુકાઓમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અંતર્ગત રૂ.૩,૬૧,૨૦૦૦૦ના ખર્ચે નિર્માણ પામેલ ૩૦૧ આવાસોનું ઈ-લોકાર્પણ કરવામાં આવશે. તેથી કલેક્ટરએ આ અંગે અધિકારીઓને કાર્યક્રમ સફળ રીતે પૂર્ણ થાય તે દિશામાં કામગીરી કરવા સૂચનો આપ્યા છે.
આ ઉપરાંત પાટણ જિલ્લામાં ગ્રામીણ વિસ્તારમાં ૯૫૪ આવાસોનું લોકાર્પણ કરવામાં આવશે.
આ પણ વાંચો : જામનગરના લાલપુરમાં અઢી વર્ષની બાળકી વાડીના ખુલ્લા બોરમાં પડી, બચાવ કાર્ય ચાલુ