ગુજરાતટોપ ન્યૂઝટ્રાવેલ

વડનગર જેવી અનેક વિરાસતોએ ગુજરાતને ઐતિહાસિક ક્ષેત્રે વૈશ્વિક ઓળખ અપાવી

Text To Speech

ગાંધીનગરઃ વડનગર ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં ગુજરાત ભારત અને વિવિધ દેશોમાંથી ભાગ લેવા આવેલા મહેમાનોને આવકારતાં યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, વડનગર જેવી અનેક પ્રાચીન-વિરાસતોએ ગુજરાતને ભારતમાં જ નહીં પણ ઐતિહાસિક-પ્રવાસન ક્ષેત્રે વૈશ્વિક ઓળખ અપાવી છે. ગુજરાતમાં વર્તમાનમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીની જેમ આગામી સમયમાં હજારો પ્રવાસીઓ ઐતિહાસિક નગર વડનગરની મુલાકાતે આવે તે પ્રકારે વિકાસ કરવામાં આવી રહ્યો છે. વડનગર શહેરના ભવ્ય વારસાને વિશ્વ સમક્ષ ઉજાગર કરવા માટેની આ પ્રથમ ત્રિ-દિવસીય કોન્ફરન્સમાં કુલ 6 સત્રમાં ભારત સહિત વિશ્વભરના પુરાતત્વ વિદો, તજજ્ઞો અને વિવિધ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ શોધ-સંશોધન કરશે.

મંત્રી સંઘવીએ કહ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં અનેક નામી-અનામી ઐતિહાસિક સ્મારકો અને સાંસ્કૃતિક વિરાસતોને ઉજાગર-વિકાસ કરીને આ સ્થળોને આગવી ઓળખ આપવામાં ખૂબ મોટી ભૂમિકા ભજવી છે. વડનગરે તેના બૌદ્ધ વારસાની સાથોસાથ ભારતના લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આપ્યા છે. તે આપણા માટે ગૌરવ સમાન છે. PM મોદીના માર્ગદર્શનમાં ભારત તેનો ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસો સમગ્ર વિશ્વમાં સાચવવાનું ઉત્તમ કાર્ય કરી રહ્યું છે. પુરાતત્વ વારસો માત્ર ઇતિહાસની ઝાંખી નહીં પણ સદીઓ પહેલાંની શ્રેષ્ઠ સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને વેપારના દર્શન કરાવે છે.

હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આઝાદી પહેલાં ગુજરાત પાસે ભવ્ય સ્મારકો હતા પણ સમયના કાળખંડમાં તે નાશ પામ્યા. આઝાદી પહેલાના રાજા રજવાડાઓ પાસે ઐતિહાસિક સ્મારકો સાચવવા અલગ કાયદા- નિયમો હતા. ગુજરાત હિન્દુ, મુસ્લિમ, બૌદ્ધ અને જૈનનો ભવ્ય સાંસ્કૃતિક વારસો ધરાવે છે. 15-16મી સદીના સ્મારકો, મંદિર, મસ્જિદો ગુજરાતમાં આવેલા છે. વડનગરમાં ઐતિહાસિક કીર્તિ તોરણ, શર્મિષ્ઠા તળાવ, હાટકેશ્વરનું ભવ્ય મંદિર, બૌદ્ધ ધર્મના કેન્દ્રો વગેરે તેના ભવ્ય વારસાની સાક્ષી પૂરે છે.

વડનગરના ભવ્ય ઇતિહાસ-સાંસ્કૃતિક વિરાસત અંગે જાણો આ વીડિયોમાં…

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વડનગરને સ્ટેચ્યૂ ઓફ યુનિટીની જેમ વૈશ્વિક કક્ષાનું પ્રવાસનધામ તરીકે વિકસિત કરવામાં આવી રહ્યું છે તેમ જણાવી મંત્રી સંઘવીએ આ પ્રસંગે ઉપસ્થિત વડનગરના નગરવાસીઓને નમન કરીને વડનગરના પનોતા પુત્ર અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત મિશન અને સ્વચ્છ નગર તરીકે સૌએ સાથે મળીને સાકાર કરવા અનુરોધ કર્યો હતો. ગુજરાતની ધરતી પર પ્રથમવાર ત્રિ-દિવસીય વડનગર ઈન્ટરનેશલ કોન્ફરન્સનાં સફળ આયોજન બદલ ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય, યુનેસ્કો, આર્કિયોલોજી સર્વે ઓફ ઈન્ડિયા સહિત સહભાગી થનાર તમામનો ગુજરાત સરકારવતી મંત્રી સંઘવીએ આભાર માન્યો હતો.

Back to top button