અમદાવાદ એરપોર્ટ પર કેમ થઈ લોકોની આટલી ભીડ, જાણો કારણ


અમદાવાદમાં છેલ્લા 2 દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે સવારથી અમદાવાદનું વાતાવરણ ધુમ્મસવાળુ બન્યું હતું. અનેક વિસ્તારમાં દૂરની વિઝિબિલિટી જ નહોતી, ત્યારે અમદાવાદ એરપોર્ટ પર પણ વિઝિબિલિટી ના હોવાને કારણે અનેક ફલાઇટ ડિલે અને કેન્સલ થઈ હતી. ફ્લાઇટ મોડી હોવાને કારણે ગત રાતથી જ એરપોર્ટ પર મુસાફરોનો જમાવડો જોવા મળ્યો હતો. મુસાફરોની ભીડ એટલી હદે થઈ ગઈ હતી કે અદાણી સંચાલિત અમદાવાદ એરપોર્ટની હાલત એસટી સ્ટેશન કે રેલવે સ્ટેશન જેવી જોવા મળી હતી.

અનેક ફ્લાઈટલ કેન્સલ કરી દેવાઈ
મોડી રાતથી અમદાવાદ ધુમ્મસવાળું વાતાવરણ થતાં વિઝિબિલિટી ના હોવાને કારણે અનેક ફ્લાઇટ રદ કરવામાં આવી, તો અનેક ફલાઇટનો સમય મોડો કરવામાં આવ્યો હતો. ગત રાતથી વિઝિબિલિટી ના હોવાને કારણે ફ્લાઇટ લેન્ડ પણ ના થઈ શકી કે ફ્લાઇટ ટેક ઓફ પણ ના થઇ શકી. એને કારણે એરપોર્ટ પર મોડી રાતથી જ મુસાફરોનો જમાવડો શરૂ થયો હતો. મુસાફરો સતત આવતા-જતા હતા, પરંતુ ફલાઇટ ઊપડતી જ નહોતી, જેના કારણે એરપોર્ટની અંદર એસટી બસ સ્ટેશન જેવો માહોલ બની ગયો હતો.
અમદાવાદના એરપોર્ટ પર ભીડ
2 વાગ્યાથી જ ફલાઇટ ઊડી નહોતી, જેના કારણે ડોમેસ્ટિક એરપોર્ટમાં લોકોની ખૂબ જ ભીડ ભેગી થઈ ગઈ હતી. મુસાફરોને અગાઉથી ફ્લાઇટ ડિલે હોવાની જાણ ન થતાં મુસાફરો એરપોર્ટમાં ભેગા થયા હતા. એને કારણે એરપોર્ટ આખું ભરાઈ ગયું હતું. લોકો માટે બેસવાની જગ્યા નહોતી, જેથી મુસાફરો જ્યાં જગ્યા મળે ત્યાં બેસી ગયા હતા.એરપોર્ટમાં ટર્મિનલમાં પ્રવેશ થતાં જ લોકો જમીન પર, સીડીમાં, કેન્ટીનમાં એમ જ્યાં જગ્યા મળે ત્યાં અલગ અલગ જગ્યાએ બેસી ગયા હતા. સવારે 9 વાગ્યા બાદ વિઝિબિલિટી આવતાં એક-એક ફલાઇટ શરૂ થઈ હતી, પરંતુ રાતથી આવેલા મુસાફરો એરપોર્ટમાં જ સૂઈ ગયા હતા. લોકોને જગ્યા ના મળતાં તેઓ જમીન પર ચાદર પાથરીને સૂઈ ગયા હતા. સીડીમાં જગ્યા મળતાં લોકો સીડીમાં પણ બેસી ગયા હતા. એરપોર્ટની સ્થિતિ રેલવે સ્ટેશન કે એસટી બસ સ્ટેશન જેવી થઈ ગઈ હતી.