ભાજપ, આપ અને કોંગ્રેસના સૌથી ધનિક ઉમેદવાર કોણ છે?


ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ખરા ખરીનો જંગ જોવા મળી રહ્યો છે. તમામ પાર્ટીઓએ પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે જે બાદ આજે બીજા તબક્કાના ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાનો પણ અંતિમ દિવસ છે. ત્યારે અનેક પાર્ટીના બાકી રહી ગયેલા ઉમેદવારો આજે ઉમેદવારી નોંધાવી રહ્યા છે. ત્યારે ઉમેદવારી માટે રજૂ કરેલી એફિડેવિટ મુજબ કયા નેતા પાસે કેટલી સંપત્તિ છે તેના પર એક નજર કરીએ.
ભાજપના સૌથી ધનિક ઉમેદવાર

ભારતીય જનતા પાર્ટીના ઘણા ઉમેદવારો ધનિક છે અને મોટી સંપત્તિ પણ ધરાવે છે પણ ભાજપના સૌથી અમીર ઉમેદવાર પાટણ સિદ્ધપુર બેઠકના ઉમેદવાર બળવંતસિંહ રાજપુત છે. બળવંતસિંહ રાજપુત કોંગ્રેસમાંથી જ ભાજપમાં આવ્યા હતા અને આ વખતે ટિકિટ મળતા તેઓ ભાજપમાંથી ઉમેદવારી કરી રહ્યા છે જેમાં રજૂ કરેલી એફિડેવિટ મુજબ તેમની પાસે 372 કરોડની સંપત્તિ છે, જેમાં 266 કરોડની જંગમ મિલકત છે. જેમાં વર્ષે 3.73 કરોડની વાર્ષિક આવક છે, જ્યારે તેમની પત્ની ભીખીબેનની વાર્ષીક આવક 70.74 લાખ રુપિયા છે.
આ પણ વાંચો:પિતા પુત્ર એક થયા : મહેશ વસાવાએ ઉમેદવારી પાછી ખેંચી
કોંગ્રેસના સૌથી ધનિક ઉમેદવાર

કોંગ્રેસ પાસે પણ તેમના ઘનિક નેતાઓના લીસ્ટ છે પણ તેમા સૌથી ધનિક ઉમેદવાર રાજકોટ પૂર્વ બેઠકથી ઉમેદવારી કરનાર ઈન્દ્રનીલ રાજગુરુ છે. જેમના એફિડેવિટ મુજબ રુ200 કરોડની સંપત્તિ છે, જેમાં 48 કરોડથી વધુના તો તેમની પાસે મકાનો છે. ત્યારે 2017માં રાજગુરુની સંપત્તિ 141 કરોડ હતી જે પાંચ વર્ષમાં તેમની સંપત્તિમાં 59 કરોડનો વધારો થયો છે.
AAPના સૌથી ધનિક ઉમેદવાર

ત્યારે આમ આદમી પાર્ટીની સૌથી ધનિક નેતાઓની વાત કરીએ તો AAPના ઉમેદવાર અજીતસિંહ ઠાકોર જે વડોદરા જીલ્લાની ડભોઈ બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે જેમની પાસે 343 કરોડની સંપત્તિ છે. જેમાં 201 કરોડની સ્થાવર તો 141 કરોડની તેમની પત્નીની પણ સ્થાવર સંપત્તિ છે.