મનુ ભાકર લેશે બ્રેક, આ મોટી ટૂર્નામેન્ટમાંથી થશે બહાર?
ભારતની સ્ટાર શૂટર અને પેરિસ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનાર મનુ ભાકર હવે થોડો સમય બ્રેક લેશે. મનુ ભાકરે શૂટિંગમાં બે મેડલ જીત્યા છે. સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં આ પહેલીવાર બન્યું છે જ્યારે એક જ ખેલાડીએ ઓલિમ્પિકમાં બે મેડલ જીત્યા હોય. આ બંને બ્રોન્ઝ મેડલ છે. દરમિયાન એવા સમાચાર આવ્યા છે કે ઓલિમ્પિકની તૈયારીમાં સતત વ્યસ્ત રહ્યા બાદ મનુ ભાકર લાંબો બ્રેક લેવા જઈ રહી છે. તેના કોચ અને પૂર્વ શૂટર જસપાલ રાણાએ આ વાત કહી છે. આવી સ્થિતિમાં મનુ ભાકર વર્લ્ડ કપ ન રમી શકે તે પણ સંભવ છે.
ભારતમાં ઓક્ટોબરમાં શૂટિંગ વર્લ્ડ કપ યોજાશે
પેરિસ ઓલિમ્પિક 2024માં બે બ્રોન્ઝ મેડલ જીતનાર શૂટર મનુ ભાકર ઓક્ટોબરમાં યોજાનાર વર્લ્ડ કપમાં ભાગ લેશે કે નહિ તેવા સવાલો ઉઠી રહ્યાં છે. તેણે ત્રણ મહિનાનો બ્રેક લેવાનું નક્કી કર્યું છે. મનુના કોચ જસપાલ રાણાએ કહ્યું કે તે નથી જાણતા કે તે ઓક્ટોબરમાં વર્લ્ડ કપ રમશે કે કેમ કારણ કે તે ત્રણ મહિનાનો બ્રેક લઈ રહી છે. રાણાએ કહ્યું કે મનુ લાંબા સમયથી સખત મહેનત કરી રહી છે તેથી આ સામાન્ય બ્રેક છે, જસપાલે કહ્યું કે બ્રેક પછી તે 2026 એશિયન ગેમ્સ અને કોમનવેલ્થ ગેમ્સ પર કામ કરશે. ઉલ્લેખનીય છે કે શૂટિંગ વર્લ્ડ કપ 13 થી 18 ઓક્ટોબર દરમિયાન દિલ્હીમાં રમાશે. મતલબ કે મનુ આ સમયગાળા દરમિયાન બ્રેક પર રહી શકે છે.
ભારત પરત ફર્યા બાદ મનુ ભાકર ખૂબ જ ખુશ દેખાતી હતી
મનુ ભાકરે સરબજોત સિંહ સાથે મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ અને 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. મનુ ત્રીજો મેડલ પણ જીતી શકી હોત. તેણે 25 મીટર પિસ્તોલમાં પણ ભાગ લીધો હતો અને અહીં તે છેલ્લા રાઉન્ડમાં ચોથા સ્થાને રહી હતી. જો થોડા વધારે નિશાન યોગ્ય લાગ્યા હોત તો તે બીજો એક બ્રોન્ઝમેડલ મેળવી શકી હોત. મનુ હજુ ઘણી નાની છે અને આવનારી ઘણી ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતી જોવા મળશે. દરમિયાન, ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા મનુ ભાકરે કહ્યું છે કે મેડલ જીતવા માટે એથ્લેટ્સ ખૂબ મહેનત કરે છે. જો ભવિષ્યમાં પણ તે એક જ ઓલિમ્પિકમાં બેથી વધુ મેડલ જીતવામાં સફળ રહે તો તે શાનદાર રહેશે. તેણે કહ્યું કે તે ભવિષ્યમાં ભારત માટે વધુ ઓલિમ્પિક મેડલ જીતવા માંગે છે. મનુ માને છે કે આ જીવનભરમાં એક વખત મળતો અનુભવ હતો.
આ પણ વાંચો : પેરિસ ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ વિજેતા નીરજ ચોપરાએ લીધો મોટો નિર્ણય, ભારત પરત ફર્યા નહીં