મનુ ભાકરને મળશે મોટું સન્માનઃ ઓલિમ્પિક સમાપન સમારંભમાં ભારતીય ધ્વજવાહક બનશે
પેરિસ, 5 ઓગસ્ટઃ પેરિસ ઑલિમ્પિક્સમાં બે વખત બ્રોન્ઝ મેડલની સિદ્ધિ પ્રાપ્ત કરનાર મનુ ભાકરને મોટું સન્માન મળશે. સ્ટાર મહિલા શૂટર મનુ ભાકર પેરિસ ઓલિમ્પિકના સમાપન સમારંભમાં ભારતની ધ્વજવાહક હશે. મનુએ પેરિસ ગેમ્સમાં બે બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. મનુએ મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતીને આ ગેમ્સમાં દેશના મેડલનું ખાતું ખોલાવ્યું હતું. આ પછી તેણે સરબજોત સિંહ સાથે મળીને 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં પણ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA)ના અધિકારીએ કહ્યું, ‘હા, મનુને ધ્વજ વાહક તરીકે પસંદ કરવામાં આવ્યા છે. તેમણે ખૂબ જ શાનદાર પ્રદર્શન કર્યું છે અને તેઓ આ સન્માનના હકદાર છે. હરિયાણાની 22 વર્ષીય શૂટરે અગાઉ કહ્યું હતું કે ભારતના ધ્વજવાહક બનવું સન્માનની વાત છે. મનુ ઉપરાંત, સ્વપ્નિલ કુસલે પુરુષોની 50 મીટર રાઇફલ 3 પોઝિશનમાં ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. IOAએ હજુ સુધી મેલ ધ્વજ વાહકની જાહેરાત કરી નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે આવનારા દિવસોમાં તેની પણ જાહેરાત કરવામાં આવશે.
મનુએ ઈતિહાસ રચ્યો
એક ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી મનુ ભારતની પ્રથમ એથ્લેટ છે. ઉલ્લેખનીય છે કે મનુ ઓલિમ્પિકમાં ભારતના સૌથી સફળ એથ્લેટ્સમાંથી એક છે. મનુ સિવાય અત્યાર સુધી કોઈ પણ ભારતીય એથ્લેટે એક ઓલિમ્પિકમાં બે મેડલ જીત્યા નથી. સુશીલ કુમાર અને શટલર પીવી સિંધુ પાસે બે-બે મેડલ છે, પરંતુ તેઓ અલગ-અલગ ઓલિમ્પિકમાં જીત્યા છે. સુશીલે 2008 બેઇજિંગ (બ્રોન્ઝ) અને 2012 લંડન (સિલ્વર) ઓલિમ્પિકમાં બે મેડલ જીત્યા હતા, જ્યારે સિંધુએ 2016 રિયો (સિલ્વર) અને 2020 ટોક્યો ઓલિમ્પિક્સ (બ્રોન્ઝ)માં બે મેડલ જીત્યા હતા. મનુએ બધાને પાછળ છોડીને ઈતિહાસ રચ્યો છે. આ સાથે તે એક ઓલિમ્પિકમાં બે કે તેથી વધુ મેડલ જીતનાર એથ્લેટ્સની યાદીમાં પણ સામેલ થઈ ગઈ છે.
ત્રીજો મેડલ સ્હેજ માટે ચૂકી
પેરિસ ઓલિમ્પિક દરમિયાન શૂટિંગની બે ઈવેન્ટમાં બે કાંસ્ય ચંદ્રક જીતનાર મનુ ભાકર જોકે ત્રીજી ઈવેન્ટમાં સ્હેજ માટે મેડલ ચૂકી ગઈ હતી. છેલ્લી ઈવેન્ટમાં તે ચોથા સ્થાને રહી હતી. જો તેમાં પણ તે કાંસ્ય ચંદ્રક જીતી ગઈ હોત તો તેના માટે વ્યક્તિગત રીતે અને ભારત માટે ઘણો મોટો ઇતિહાસ બની જાત. જોકે, હવે તેના અત્યાર સુધીના શ્રેષ્ઠ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને સમાપન સમારંભમાં ભારતીય ટીમ માટે ધ્વજવાહક તરીકેની અત્યંત સન્માનજનક જવાબદારી તેને સોંપવામાં આવી છે.
આ પણ વાંચોઃ ભારતીય હોકી ટીમ ઓલિમ્પિક સેમિફાઇનલમાં આ ટીમનો કરશે સામનો, જાણો મેચ વિશે