પંજાબમાં સિંગરની હત્યા બાદ બેકફૂટ પર સરકાર: કેબિનેટની બેઠક-ધારાસભ્યોનું ટ્રેનિંગ સેશન રદ્દ
સિંગર સિદ્ધુ મુસેવાલાની હત્યા બાદ પંજાબની ભગવંત માન સરકાર નિશાના પર છે. સિદ્ધુ મૂસેવાલાની સુરક્ષા ઘટાડવાના મુદ્દે વિપક્ષ પંજાબ સરકારને ઘેરી રહ્યો છે. ભગવંત માનની સરકાર પણ બેકફૂટ પર જોવા મળી રહી છે. તણાવના ડરને જોતા ભગવંત માને બજેટ સત્રને લઈને યોજાનારી કેબિનેટની બેઠક રદ કરી હતી. આ ઉપરાંત વિધાનસભામાં યોજાનાર ધારાસભ્યોનું પ્રશિક્ષણ સત્ર પણ હાલ પુરતું સ્થગિત કરવામાં આવ્યું છે.
પંજાબમાં નવી સરકાર બની ત્યારથી VVI લોકોની સુરક્ષામાં કાપ મૂકવામાં આવી રહ્યો છે. શનિવારે એવી માહિતી મળી હતી કે સિદ્ધુ મૂસેવાલા સહિત 424 લોકોની સુરક્ષામાં ઘટાડો કરવામાં આવ્યો છે. આ ઘટનાના એક દિવસ બાદ સિદ્ધુ મૂસેવાલાની હત્યા કરવામાં આવી હતી.
નિશાના પર AAP સરકાર
પંજાબની મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસ આ મુદ્દે ભગવંત માનની સરકાર પર પ્રહારો કરી રહી છે. પંજાબ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમરિન્દર સિંહ રાજાએ દાવો કર્યો છે કે સિદ્ધુ મૂસેવાલાની હત્યા સુરક્ષામાં કાપને કારણે થઈ છે. અમરિંદર સિંહ રાજાએ તો સિદ્ધુ મૂસેવાલાની હત્યાને રાજકીય કાવતરું ગણાવ્યું છે.
જણાવી દઈએ કે છેલ્લા કેટલાક દિવસોમાં આમ આદમી પાર્ટીની સરકાર સતત વિપક્ષના નિશાના પર રહી છે. આ પહેલા ભગવંત માને ભ્રષ્ટાચારના આરોપમાં તેમના સ્વાસ્થ્ય મંત્રી વિજય સિંગલાને હટાવી દીધા હતા. એટલું જ નહીં તાજેતરમાં બનેલી આ બે મોટી ઘટનાઓની અસર આવતા મહિને સંગરુર લોકસભા સીટ પર યોજાનારી પેટાચૂંટણીમાં પણ જોવા મળી શકે છે.