ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મનમોહન સિંહે અગ્નિવીર યોજના પર સાધ્યું નિશાન, કહ્યું: મેં આજ સુધી મોદી જેવા PM જોયા નથી

  • મનમોહન સિંહે પંજાબના લોકોને પત્ર લખીને કોંગ્રેસને વોટ કરવાની કરી અપીલ
  • ભાજપ પાસે એક સમુદાયને બીજા સમુદાયથી અલગ કરવાનો કોપીરાઈટ છે: પૂર્વ PM

નવી દિલ્હી, 30 મે: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે આજે ગુરુવારે પંજાબના લોકોને પત્ર લખીને તેમની પાર્ટીના વખાણ કર્યા છે અને તેમને વોટ આપવાની અપીલ કરી છે. આ સાથે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા અને ચૂંટણી પ્રચાર દરમિયાન ‘દ્વેષપૂર્ણ ભાષણો’ આપીને જાહેર ચર્ચા અને વડાપ્રધાન પદની ગરિમાને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે અને અગ્નિવીર યોજના પર નિશાન સાધ્યું છે. મનમોહન સિંહે કહ્યું છે કે, “મેં આજ સુધી મોદી જેવા PM જોયા નથી. ભાજપ પાસે એક સમુદાયને બીજા સમુદાયથી અલગ કરવાનો કોપીરાઈટ છે.”

 

પંજાબના લોકોને શું અપીલ કરી?

1 જૂને લોકસભા ચૂંટણીના સાતમા તબક્કા પહેલા પંજાબના મતદારોને અપીલ કરતા પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે કહ્યું કે, માત્ર કોંગ્રેસ જ વિકાસલક્ષી પ્રગતિશીલ ભવિષ્યની ખાતરી કરી શકે છે, જ્યાં લોકશાહી અને બંધારણનું રક્ષણ થશે.

અગ્નવીર યોજના પર કરી વાત 

કોંગ્રેસના વરિષ્ઠ નેતા મનમોહન સિંહે સશસ્ત્ર દળો માટે ખોટી રીતે ડિઝાઇન કરેલી અગ્નિવીર યોજના લાદવા બદલ ભાજપ સરકાર પર પણ પ્રહારો કર્યા છે. પંજાબના મતદારોને લખેલા પત્રમાં તેમણે કહ્યું છે કે, ભાજપને લાગે છે કે દેશભક્તિ, બહાદુરી અને સેવાની કિંમત માત્ર ચાર વર્ષ છે. આ તેમનો નકલી રાષ્ટ્રવાદ દર્શાવે છે.

મોદી પર પ્રહાર કરતા મનમોહન સિંહે કહ્યું કે, હું આ ચૂંટણી પ્રચાર દરમિયાન રાજકીય ચર્ચાઓ પર નજીકથી નજર રાખી રહ્યો છું. PM મોદીએ અત્યંત દ્વેષપૂર્ણ ભાષણો આપ્યા છે, જે સંપૂર્ણપણે વિભાજનકારી છે. મોદી એવા પ્રથમ વડાપ્રધાન છે કે જેમણે જાહેર ચર્ચાઓની ગરિમા ઓછી કરી છે અને આ રીતે તેમણે વડાપ્રધાન પદની ગરિમા પણ ઘટાડી છે.

દેશના સંસાધન પર પહેલો અધિકાર મુસ્લિમોનો છે: મનમોહન સિંહ 

મનમોહન સિંહે કહ્યું કે, “મેં આજ સુધી ક્યારેય કોઈ વડાપ્રધાનને સમાજના કોઈ ચોક્કસ વર્ગ અથવા વિપક્ષને નિશાન બનાવવા માટે આવા નફરતપૂર્ણ, અસંસદીય અને અસભ્ય શબ્દોનો ઉપયોગ કરતા જોયા નથી.”

મનમોહને એમ પણ કહ્યું કે, “પીએમ મોદીએ મારા નામે કેટલાક ખોટા નિવેદનો પણ આપ્યા છે. મેં મારા જીવનમાં ક્યારેય એક સમુદાયને બીજાથી અલગ કર્યો નથી. આ માત્ર ભાજપનો કોપીરાઈટ છે.” મોદીએ મનમોહન સિંહ પર આરોપ લગાવતા કહ્યું કે, દેશના સંસાધન પર પહેલો અધિકાર મુસ્લિમોનો છે.

આ પણ જુઓ: ચૂંટણી પરિણામ પહેલાં જાણો ગૂગલ ટ્રેન્ડઃ કૌન કિતને પાની મેં?

Back to top button