ટોપ ન્યૂઝનેશનલ

મનીષ સિસોદિયાના ED રિમાન્ડમાં પાંચ દિવસનો વધારો, રાઉઝ એવન્યુ કોર્ટનો નિર્ણય

Text To Speech

રાઉઝ એવન્યુ કોર્ટે મનીષ સિસોદિયાના ED રિમાન્ડમાં વધુ પાંચ દિવસનો વધારો કર્યો છે. જે બાદ હવે સિસોદિયા 22 માર્ચ સુધી જેલમાં રહેશે. તમને જણાવી દઈએ કે દિલ્હીના કથિત દારૂ કૌભાંડ કેસમાં મની લોન્ડરિંગની તપાસ કરી રહેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા આજે મનીષ સિસોદિયાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. સિસોદિયાની કસ્ટડી આજે પૂરી થઈ રહી હતી. EDએ કોર્ટ પાસે સિસોદિયાના વધુ સાત દિવસના રિમાન્ડની માંગણી કરી હતી.

અગાઉ EDએ કોર્ટમાં પોતાનો પક્ષ રાખતા કહ્યું હતું કે જો સિસોદિયાના રિમાન્ડ નહીં મળે તો અત્યાર સુધી જે પણ તપાસ કરવામાં આવી છે તે નિરર્થક રહેશે. ત્યારે સિસોદિયાના વકીલે દલીલ કરી હતી કે, પૂછપરછના નામ પર એજન્સી તેમને અહીં-ત્યાં બેસાડે છે. સાત દિવસમાં માત્ર 11 કલાકની પૂછપરછ થઈ છે. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો.

આ પણ વાંચો : Video : અયોધ્યા રામ મંદિરનું ભવ્ય ગર્ભગૃહ તૈયાર, પ્રાણપ્રતિષ્ઠા આ દિવસે થશે !

EDએ કોર્ટને કહ્યું કે તપાસ નાજુક તબક્કે છે, જો હવે કસ્ટડી નહીં મળે તો તમામ મહેનત વ્યર્થ જશે. તપાસ એજન્સીએ કહ્યું કે સીસીટીવી દેખરેખ હેઠળ સિસોદિયાની પૂછપરછ ચાલી રહી છે. 18 અને 19મીએ બે લોકોને નિવેદન નોંધવા માટે બોલાવવામાં આવ્યા છે. સિસોદિયાએ દાવો કર્યો છે કે તેમની પૂછપરછ કરવામાં આવી રહી નથી. તેઓ કહે છે કે ભલે તમે મને આખી રાત બેસાડો, પણ ઓછામાં ઓછી પૂછપરછ કરો, પણ તેઓ કંઈ કરતા નથી.

Back to top button