ટોપ ન્યૂઝનેશનલ

મનીષ સિસોદિયાને 20 માર્ચ સુધી તિહાર જેલમાં મોકલવામાં આવ્યા, કોર્ટમાં કરી આ માંગ !

Text To Speech

મનીષ સિસોદિયા હવે તિહાર જેલમાં પોતાની હોળી મનાવશે. રાઉઝ એવન્યુ કોર્ટે મનીષ સિસોદિયાને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા છે. સિસોદિયાને 2 દિવસના રિમાન્ડ બાદ આજે (6 માર્ચ) કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ મનીષ સિસોદિયા અત્યાર સુધીમાં કુલ 7 દિવસના રિમાન્ડ પર છે. દિલ્હી લિકર પોલિસી કેસમાં ધરપકડ બાદ આમ આદમી પાર્ટી (AAP)ના વરિષ્ઠ નેતાઓ એક સપ્તાહથી CBI કસ્ટડીમાં છે. પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કોર્ટ પાસે ગીતા, ચશ્મા, પેન અને ડાયરીની માંગણી કરી છે. સિસોદિયાની આ માંગને સ્વીકારી લેવામાં આવી છે.

સીબીઆઈ દ્વારા 8 કલાકની લાંબી પૂછપરછ બાદ 26 ફેબ્રુઆરીએ સિસોદિયાની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ તેમને 27 ફેબ્રુઆરીએ રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે સિસોદિયાને 4 માર્ચ સુધી સીબીઆઈ રિમાન્ડ પર મોકલ્યા હતા, જેથી તેમની પૂછપરછ કરી શકાય. આ દરમિયાન સિસોદિયાએ સુપ્રીમ કોર્ટમાં પણ પોતાની જામીન અરજી દાખલ કરી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે તેની સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો હતો. સિસોદિયાને શનિવારે (4 માર્ચ) કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યારે જજ એમકે નાગપાલે તેમને વધુ બે દિવસ માટે સીબીઆઈ કસ્ટડીમાં મોકલી દીધા હતા. જો કે સીબીઆઈએ કોર્ટ પાસે તેમની ત્રણ દિવસની કસ્ટડી માંગી હતી.

Back to top button