ટ્રેન્ડિંગનેશનલ

શરાબ કૌભાંડમાં મનીષ સિસોદિયા તથા અન્ય આરોપીઓને રાહત ન મળી, કોર્ટે લંબાવી કસ્ટડી

Text To Speech
  • દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 18 એપ્રિલ સુધી લંબાવી

દિલ્હી, 6 એપ્રિલ: દિલ્હી લિકર પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં આજે પણ દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને રાહત મળી નથી. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 18 એપ્રિલ સુધી લંબાવી છે. આ કેસની આગામી સુનાવણી હવે 18 એપ્રિલે રાઉઝ એવન્યુ કોર્ટમાં થશે.

મનીષ સિસોદિયા 26 ફેબ્રુઆરી 2023થી જેલમાં છે. આ મામલાને લઈને સીબીઆઈ અને ઈડીનો દાવો છે કે સિસોદિયાએ દારૂના વેપારીઓને ફાયદો કરાવવા માટે એક્સાઈઝ પોલિસીમાં ફેરફાર કર્યો હતો. જેના કારણે AAP નેતાઓને લાંચ તરીકે મોટી રકમ મળી હતી.

આ પહેલા સિસોદિયાની જામીન અરજી પર પણ 2 એપ્રિલે સુનાવણી થઈ હતી. આ દરમિયાન તેમણે કોર્ટને કહ્યું હતું કે તેમને જેલમાં રાખવાનો કોઈ ફાયદો નથી કારણ કે તેમની સામે ચાલી રહેલી તપાસ પૂરી થઈ ગઈ છે.

તિહાર જેલમાંથી સિસોદિયાએ લખ્યો હતો પત્ર

આ પહેલા મનીષ સિસોદિયાએ તિહાર જેલમાંથી પોતાના વિધાનસભા ક્ષેત્રના લોકોને પત્ર લખ્યો હતો. આ પત્રમાં તેમણે સ્વતંત્રતા સેનાનીઓ પર અંગ્રેજો દ્વારા કરવામાં આવેલા અત્યાચારો સાથે તેમની સ્થિતિની તુલના કરી હતી અને શિક્ષણ પ્રત્યે તેમની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. સિસોદિયાએ આશા પણ વ્યક્ત કરી હતી કે તે જલ્દીથી જેલની બહાર આવશે. તેમણે કહ્યું “જલ્દી બહાર મળીશું.” વધુમાં તેમણે કહ્યું કે, ‘અંગ્રેજ શાસકોને પણ સત્તાનો ઘમંડ હતો અને લોકોને ખોટા કેસમાં જેલમાં ધકેલી દીધા હતા.’

સંજય સિંહનો દાવો, ‘કેજરીવાલ અને સિસોદિયા ટૂંક સમયમાં જેલમાંથી બહાર આવશે’

આ મુદ્દે ભારે રાજનીતિ પણ થઈ રહી છે. આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહે દાવો કર્યો છે કે અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા ટૂંક સમયમાં જેલમાંથી બહાર આવશે કારણ કે આ કૌભાંડ આમ આદમી પાર્ટીએ નહીં પરંતુ ભાજપ દ્વારા કરવામાં આવ્યું છે. આ અંગે તેમણે પોતાની દલીલો પણ રજૂ કરી હતી.

આ પણ વાંચો: પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ સામે ધરપકડ વોરંટ જાહેર

Back to top button