સરકાર કરે છે શું? એક રાજ્યની હિંસા 140 કરોડ દેશવાસીઓને બદનામ કરી રહી છે

HD ન્યુઝ ડેસ્કઃ આટલા વર્ષોમાં ભારતના લોકોએ મણીપુરનું નામ જેટલી વાર નહીં સાંભળ્યું હોય તેટલી વાર આ છેલ્લા 75 થી 80 દિવસમાં સાંભળી લીધું છે. શાંત અને સુંદર ગણાતા આ પુર્વીય રાજ્યમાં ક્યારે હિંસા આટલી હદ બારે ફાટી નીકળી કે દેશના લોકોને પણ સમજવાનો મોકો ન મળ્યો. તમને જણાવી દઈએ કે મણિપુરની આ હિંસામાં 145થી વધુ લોકોના મૃત્યુ થયા છે તથા સેંકડો લોકો ધાયલ થયા છે. અહીં આપણે પહેલા એ સમજીએ કે આ હિંસા થવા પાછળનું કારણ શું છે?

શું છે મુદ્દો?: પહેલા એ સમજી લો કે મણિપુરમાં 3 પ્રકારના સમુદાયના લોકો રહે છે. કુકી, મૈતઈ અને નાગા. હવે વાત એવી છે કે 27 માર્ચના રોજ મણિપુર હાઈકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટીસ એમ. વી મુરલીધરની બેંચે એક ચુકાદો આપ્યો હતો. જેમા કહેવામાં આવ્યુ હતું કે મૈતઈ સમાજના લોકોને એસ.ટી શ્રેણીમાં શામેલ કરવામાં આવે. બસ આ એક ચુકાદાએ મણિપુરના કુકી સમાજના લોકોમાં હિંસા જગાડી. કારણ તો બસ એટલુ જ કે કુકી સમાજના લોકોને એવુ લાગવા લાગ્યુ કે મૈતઈ સમાજના લોકોને જો આરક્ષણ આપવામાં આવશે તો તેમના હકોમાં મૈતઈ સમાજ હિસ્સો માંગશે.

2 સમાજ વચ્ચેનો મુદ્દોઃ આમ જોવા જઈએ તો મૈતઈ સમાજને 1949 સુધી આરક્ષણ આપવામાં આવ્યુ જ હતું ત્યારબાદ તેમની પાસેથી આરક્ષણ છીનવી લેવામાં આવ્યું. ત્યારે હવે માત્ર 2 જ સમાજના લોકો પાસે આરક્ષણ રહેલુ છે, કુકી અને નાગા. કુકી સમાજનુ કહેવું છે કે આ આરક્ષણ મળવાને લીધે મૈતઈ સમાજ તેમના ઘરોને લુટી લેશે. બીજી બાજુ મૈતઈ સમાજને પહાડો ઉપર વસવાટ કરવાની પરવાનગી નથી પરંતુ કુકી સમાજને પોતાની જમીનો છીનવી લેવાની ભીતી છે. બસ આજ કારણને હિસાબે હિંસાની આગ ફાટી નીકળી.

માનવતા નેવે મુકાઈઃ એવુ નથી કે આરક્ષણને લીધે ક્યારેય હિંસા થઈ નથી. ચોક્કસ પણે થઈ છે. વાત આપણા રાજ્યની જ કરીએ તો પટેલના આરક્ષણને લઈને હિંસા થઈ જ હતી. આ હિંસાને લીધે કરોડો રુપિયાનું નુકશાન થઈ હતું. પણ એક વાત તો પાકી હતી કે આ હિંસામા આપણા એક પણ સમાજે માનવતાને નેવે ન હતી મુકી. છેલ્લા 3 દિવસથી સોશીયલ મીડિયામાં એક વીડિયો વાઈરલ થયો છે. જેમા ઘણા બધા પુરુષો 2 સ્ત્રીને નગ્ન કરી ફેરવી હતી અને સુત્રોનો દાવો છે કે આ લોકો એ તેમના ઉપર સામુહિક બળાત્કાર પણ કર્યો હતો. આ વીડિયો એટલો બર્બરતાથી ભર્યો છે કે જેને જોતા કોઈ પણ વ્યક્તિને માનવ થવા ઉપર શરમ આવે.

આવું તો ક્યારેય નથી થયુંઃ માત્ર આ જ થયુ છે? ના આવી તો અનેક ઘટના બની જેને માનવતાને નેવે મુકી. સેંકડો ઘરો સળગાવ્યા છે, ઘણા બધા લોકોની નીર્મમ હત્યા કરી નખાઈ છે અને મણિપુરની અર્થતંત્ર તળીયે જતું રહ્યું છે આ સાથે ઘણા પરીવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા! એક અહેવાલ પ્રમાણે મણિપુરમાં રોજના 100 FIR નોંધવામા આવી રહી છે જેમાંથી મોટાભાગની FIR સ્ત્રીઓને લગતી છે. આ હિંસા જોઇને ખુદમાં એક પ્રશ્ન થાય છે કે આ એજ ભારત છે જ્યાં સ્ત્રીઓને માતા, બહેન અને દેવી તરીકે પુ઼જાઈ છે? શું થયું છે માણસની માનવતાને. જો કોઈ સમુદાયને કોઈ આદેશ, નિર્ણય કે કોઈ વાતથી વાંધો છે તો આંદોલન કરવું જોઈએ એ હક છે પરંતુ દેશની સંપતીને નુકશાન કરીને પોતાના હકની અપેક્ષા રાખવી એ ક્યાંની સમજદારી?.

સરકાર કરે છે શું? ખેર આતો વાત થઈ આદોલન અને હિસાની પણ હવે વાત કરીએ કે આ આંદોલનને ઉગ્ર થતા જે બચાવી શકતું હતુ પણ બચાવ્યું નહીં એની. કારણ, જ્યારે 2 સમુદાયો વચ્ચે આ વિવાદની શરુઆત થઈ ત્યારે સરકાર કર્ણાટકમાં સતા ઉપર પાછા આવવાની લાલસામાં મણિપુર ઉપર ઘ્યાન આપ્યુ જ નહિં. અહીં સૌથી મહત્વની વાત તો એ છે કે કેન્દ્રમાં તો ભાજપની સરકાર છે સાથે સાથે મણિપુરમાં પણ ભાજપની જ સતા છે જ્યારે કેન્દ્ર અને રાજ્યમાં ભાજપની જ સરકાર છે તો આ આંદોલન એ આટલું વિકરાળ સ્વરુપ લીધું કેમ? હમણાં જ જ્યારે મણિપુરની ચુંટણી આવી હતી ત્યારે તો બહુ મોટા મોટા વાયદાઓ કર્યા. ત્યારે તો મણિપુરમાં શાંતી અને સલામતીના વાયદા ઘણા કર્યા પણ એનું થયું શું?. કે પછી આ બધું માત્ર વોટ લેવા માટેના ગતકડા છે? સતા તમારી પાસે છે તો જવાબદારી પણ તમારે જ લેવાની છે. વિપક્ષે ક્યાં વર્ષમાં કઈ ભુલ કરી છે એ ગોતવાને બદલે હાલ જે આગ લાગી છે તેને ઠાલવો. પ્રધાનમંત્રી ચોક્કસથી આ મુદ્દા વિશે જાણતા હશે પરતું હિંસાના અઢી મહિને વડાપ્રધાન આ મુદ્દે બોલે છે એ શોભનીય નથી. વિપક્ષ પણ 2024ની ચુટણીને નજરમાં રાખીને માત્ર વિરોધનો દેખાવો કરી પેતાના રોટલા શેકી રહી છે. એક વાત તો છે કે એક રાજ્યને હિસાબે 140 કરોડ દેશવાસીઓ બદનામ થઈ રહ્યા છે.

હવે કરવાનું શું?: જે થઈ ગયું એને કોઈ બદલી નહી શકાય પરતું હવે સરકાર એક કામ ચોક્કસથી કરી શકે કે સરકાર ખોટા નીવેદનો આપવાથી બચે , સરકાર ત્યાના ધારાસભ્યો સાથે બેઠકો કરે અને સમસ્યનાની મુળ સુધી પહોંચવાની કોશીશ કરે. રાજ્યમાં કાનુન વ્યવસ્થામની સાથે માનવતાના પાઠ પણ સરકાર ભણાવે તે જરુરી છે નહીં તો આજે થયું છે એ કાલે પણ થઈ શકે. બીજી મહત્વની વાત કે બીજા રાજ્યોએ આ બાબતને લઈને કોઈ પણ નીવેદન ના આપવું જોઈએ કારણ કે આપણા ઘરમાં કોઈ ઝઘડો થાઈ ત્યારે ઘરનો વ્યક્તિ કંઈ કહે તો આપણને એટલો ફરક નથી પડતો પરતું બહારનો વ્યક્તિ આપણને કંઈ કહી જાઈ તો ચોક્કસથી ગુસ્સો આવે છે. એ જ અહી લાગુ થઈ રહ્યું છે આસામના સીએમ હિંંમતા બિસવા વારંવાર મણિપુરને લઈને નીવેદનો આપી રહ્યા છે જે આગમાં ક્યાંકને ક્યાંક ઘી નાખવાનું કામ કરી રહ્યાં છે.

જરુરી છેઃ આ હિંસા હવે ક્યું સ્વરુપ ધારણ કરશે એ કોઈને ખબર નથીં પરતું એક વાત ગાંઠ બાંધવાની છે કે મણિપુર ભારતનું રાજ્ય છે ક્યાંક એવું ના થાય કે આપણે કંઈ ના કરી શકીએ તો આપણા દુશ્મન દેશો (ચીન) આનો લાભ લઈ જાય. બસ આટલું જ.
આ પણ વાંચોઃ અન્ના હજારેએ મણિપુરની ઘટનાને માનવતા પર કલંક ગણાવીને દોષિતોને ફાંસીની સજાની માંગ કરી