મણિપુર હિંસા: ઈમ્ફાલમાં સુરક્ષા દળો અને ટોળા વચ્ચે અથડામણ; ભાજપના નેતાઓના ઘર સળગાવવાનો પ્રયાસ
ઈમ્ફાલ (મણિપુર હિંસા): મણિપુરના ઇમ્ફાલ શહેરમાં શુક્રવારની રાત્રે સુરક્ષા દળો અને ટોળા વચ્ચેની અથડામણમાં બે નાગરિકો ઘાયલ થઇ ગયા છે. અધિકારીઓએ શનિવારે જણાવ્યું હતું કે ઇમ્ફાલમાં ટોળાએ ભારતીય જનતા પાર્ટીના નેતાઓના ઘરોને પણ સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. મણિપુરના બિષ્ણુપુર જિલ્લાના કવાક્તા અને ચુરાચંદપુર જિલ્લાના કંગવાઈમાં આખી રાત ગોળીબાર થયાના અહેવાલ છે.
પોલીસ સ્ટેશનમાં લૂંટનો પ્રયાસ
ઇમ્ફાલ પશ્ચિમમાં ઇરિંગબામ પોલીસ સ્ટેશનમાં લૂંટનો પ્રયાસ થયો હતો. જોકે, આ સમયગાળા દરમિયાન કોઈ હથિયારની ચોરી થઈ નથી. અધિકારીઓના જણાવ્યા મુજબ, સેના, આસામ રાઇફલ્સ અને આરએએફએ તોફાનીઓને એકઠા થતા રોકવા માટે ઇમ્ફાલમાં મધરાત સુધી સંયુક્ત કૂચ કરી હતી. તેમણે કહ્યું કે લગભગ 1,000 લોકોના ટોળાએ મહેલ સંકુલની નજીક આવેલી ઇમારતોને આગ લગાડવાનો પ્રયાસ કર્યો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આરએએફએ ભીડને વિખેરવા માટે ટીયર ગેસ અને રબરની ગોળીઓ છોડી હતી.
MLAના ઘરને આગ લગાડવાનો પ્રયાસ
ઈમ્ફાલમાં ટોળાએ ધારાસભ્ય બિસ્વજીતના ઘરને પણ આગ લગાડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આરએએફની ટુકડીએ ભીડને વિખેરી નાખી હતી. એક ટોળાએ મધ્યરાત્રિની આસપાસ ઇમ્ફાલમાં પોરમપેટ નજીક બીજેપી (મહિલા પાંખ) પ્રમુખ શારદા દેવીના ઘરની તોડફોડ કરવાનો પ્રયાસ કર્યો. સુરક્ષા દળોએ યુવકોનો પીછો કર્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે, શુક્રવારે એક ટોળાએ ઇમ્ફાલ શહેરના મધ્યમાં રસ્તાઓ બંધ કરી દીધા હતા અને સંપત્તિને આગ ચાંપી દીધી હતી.
સુરક્ષા દળો સાથે અથડામણ
અધિકારીઓએ જણાવ્યું હતું કે, ઈમ્ફાલમાં જૂના ગોડાઉનમાં આગ લગાવ્યા બાદ શુક્રવારે સાંજે મણિપુરના રેપિડ એક્શન ફોર્સ (RAF) સાથે ટોળાની ફરી અથડામણ થઈ હતી. આ દરમિયાન એક જૂથે વાંગખેઈ, પ્રોમ્પેટ અને થંગપત ખાતે રસ્તાની વચ્ચે ટાયર અને મસમોટી લાકડાઓ સળગાવ્યા હોવાથી ઈમ્ફાલમાં ટ્રાફિકને અસર થઈ. મોડી સાંજે આરએએફએ ભીડને વિખેરવા માટે ટીયર ગેસ છોડ્યો હતો. હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. શુક્રવારે વહેલી સવારે ઇમ્ફાલ પૂર્વમાં ગોળીબારનો અવાજ સંભળાયો હતો. મણિપુર હિંસામાં અત્યાર સુધી 100 લોકોના મોત થઇ ગયા છે, તો અનેક લોકો ઈજાગ્રસ્ત થઇ ગયા છે. તે ઉપરાંત અનેક લોકો ઘર વિહોણા પણ બન્યા છે.
આ પણ વાંચો- મણિપુરમાં હિંસા યથાવત; ટોળાએ પેટ્રોલ બોમ્બ બનાવીને કેન્દ્રિય મંત્રીનું ઘર ફૂંકી માર્યું