મણિપુર હિંસા: પોલીસે જ 2 કુકી મહિલાઓને ટોળાને સોંપી હોવાનો CBI ચાર્જશીટમાં ખુલાસો
- પીડિત મહિલાઓમાં એક સૈનિકની પત્ની હતી, જે કારગિલ યુદ્ધમાં લડ્યા હતા
ઇમ્ફાલ, 1 મે: દેશના ઉત્તર-પૂર્વીય રાજ્ય મણિપુરમાં ગયા વર્ષે જાતિય હિંસા દરમિયાન બે મહિલાઓની નગ્ન પરેડ કરવામાં આવી હતી. આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં સરકારે આ કેસની તપાસ CBIને સોંપી હતી. હવે આ કેસમાં CBIએ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. ચાર્જશીટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, મણિપુર પોલીસ અધિકારીઓ આ મહિલાઓને 1000 લોકોની ભીડ વચ્ચે લઈ આવ્યા હતા. પીડિત મહિલાઓમાં એક સૈનિકની પત્ની હતી જે કારગિલ યુદ્ધમાં લડ્યા હતા. તેણે પોલીસ કર્મચારીઓને તેને સલામત સ્થળે લઈ જવા વિનંતી કરી હતી. પોલીસકર્મીઓએ મહિલાઓને કહ્યું કે, તેમની પાસે કારની ચાવી નથી અને પોલીસે મહિલાઓને કોઈ મદદ કરી નહીં.
મહિલાઓએ પોલીસ વાહનમાં આશ્રય માંગ્યો, પરંતુ પોલીસે બંને મહિલાઓને ભીડ વચ્ચે છોડી દીધી: ચાર્જશીટ
અહેવાલો અનુસાર, CBIએ ગયા વર્ષે ઓક્ટોબરમાં આ કેસમાં ચાર્જશીટ દાખલ કરી હતી. પરંતુ આ ચાર્જશીટ 3જી મેના રોજ મણિપુર હિંસાને એક વર્ષ પૂર્ણ થવાના બે દિવસ પહેલા ચર્ચામાં આવી છે. ગયા વર્ષે 16 ઓક્ટોબરે CBIએ ગુવાહાટી સ્થિત વિશેષ CBI જજ સમક્ષ આ કેસમાં 6 આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. સીબીઆઈએ કહ્યું હતું કે, આ મહિલાઓએ પોલીસ વાહનમાં આશ્રય માંગ્યો હતો. પરંતુ, પોલીસે બંને મહિલાઓને ભીડ વચ્ચે છોડી દીધી હતી. આ પછી, મહિલાઓને પહેલા જાતીય સતામણી કરવામાં આવી. પછી તેમની કપડાં વગર ગામની આસપાસ પરેડ કાઢવામાં આવી.
ચાર્જશીટમાં કેન્દ્રીય એજન્સીએ એમ પણ કહ્યું છે કે, ટોળાએ એક જ પરિવારની ત્રીજી મહિલા પર હુમલો કર્યો હતો. તેણીને પણ નિર્વસ્ત્ર કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ તેણી ભાગી ગઈ હતી. ત્રીજી મહિલા ટોળાની ચુંગાલમાંથી ભાગવામાં સફળ રહી હતી. તપાસ એજન્સીએ ચાર્જશીટમાં જણાવ્યું છે કે, ત્રણેય મહિલાઓએ ઘટનાસ્થળે હાજર પોલીસ કર્મચારીઓની મદદ માંગી હતી, પરંતુ તેમને ટોળાની દયા પર છોડી દેવામાં આવ્યા હતા.
ભીડ ભારે હથિયારોથી સજ્જ હતી
સીબીઆઈએ તેની ચાર્જશીટમાં કહ્યું છે કે, મહિલાઓ 900થી 1000 લોકોના ટોળાના ચુંગાલમાંથી બચવાનો પ્રયાસ કરી રહી હતી. ભીડમાં મોટાભાગના લોકો પાસે એકે રાઇફલ, SLR, ઇન્સાસ અને .303 રાઇફલ્સ પણ હતી. ટોળાએ કથિત રીતે કાંગપોકપી જિલ્લામાં મોટાભાગના ઘરોમાં તોડફોડ કરી હતી અને પછી તેમને આગ લગાવી દીધી હતી.
મહિલાઓ મદદ માટે પોલીસ વાહનમાં ઘૂસી ગઈ હતી
ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે, ટોળાએ સૈકુલ પોલીસ સ્ટેશનથી લગભગ 68 કિમી દક્ષિણમાં કાંગપોકપી જિલ્લામાં મહિલાના ઘરમાં બળજબરીપૂર્વક પ્રવેશ કર્યો હતો. ટોળાથી બચવા માટે મહિલાઓ અન્ય પીડિતો સાથે જંગલમાં ભાગી હતી, પરંતુ તોફાનીઓએ તેમને જોઈ લીધા હતા. અધિકારીઓએ જણાવ્યું કે, ભીડમાંના કેટલાક લોકોએ મહિલાઓને મદદ લેવા માટે રસ્તાના કિનારે પાર્ક કરેલા પોલીસ વાહન પાસે જવા કહ્યું. બંને મહિલાઓ પોલીસ વાનમાં પ્રવેશવામાં સફળ રહી હતી. તેમાં બે પોલીસકર્મી અને ડ્રાઈવર પહેલેથી જ બેઠા હતા. જ્યારે કારની બહાર ત્રણ-ચાર પોલીસકર્મીઓ ઉભા હતા.
પીડિતોમાં એક પુરૂષ પણ વાહનની અંદર પ્રવેશવામાં સફળ રહ્યો હતો. તે ડ્રાઈવરને સલામત સ્થળે લઈ જવા વિનંતી કરતો રહ્યો, પરંતુ તેમને એમ કહેવામાં આવ્યું કે ચાવી નથી. પીડિતોમાંથી એકના પતિએ ભારતીય સેનામાં આસામ રેજિમેન્ટના સુબેદાર તરીકે સેવા આપી હતી. CBIનો આરોપ છે કે, પોલીસે ટોળાના હુમલાથી વાહનમાં બેઠેલા વ્યક્તિના પિતાને બચાવવામાં પણ મદદ કરી નથી.
ડ્રાઈવરે ભીડની સામે કાર રોકી
બાદમાં પોલીસ વાનના ડ્રાઈવરે લગભગ 1000 લોકોના ટોળા સામે વાહન રોક્યું. પોલીસકર્મીઓએ પીડિતોને આ હિંસક ટોળાને સોંપી દીધા અને ત્યાંથી ચાલ્યા ગયા. ચાર્જશીટમાં જણાવવામાં આવ્યું છે કે, તોફાનીઓએ મહિલાઓને બહાર ખેંચી અને તેમની સાથે યૌન શોષણ કરતા પહેલા નગ્ન પરેડ કરી.
ચાર્જશીટમાં આ આરોપીઓના નામ
CBIએ હુઈરેમ હેરોદાસ મૈતેઇ અને અન્ય 5 સામે ચાર્જશીટ દાખલ કરી છે. એક ટીનેજર સામે પણ રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો છે. મણિપુર પોલીસે જુલાઈમાં હેરોદાસની ધરપકડ કરી હતી. સીબીઆઈએ કહ્યું છે કે, આરોપીઓ પર ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ આરોપ મૂકવામાં આવ્યા છે. જેમાં સામૂહિક દુષ્કર્મ, હત્યા, મહિલાની ગરિમાનું અપમાન અને ગુનાહિત ષડયંત્ર સંબંધિત કલમોનો સમાવેશ થાય છે.
આ પણ જુઓ: ચૂંટણી પહેલા અરવિંદ કેજરીવાલની ધરપકડ કેમ? સુપ્રીમ કોર્ટે ED પાસે માંગ્યો જવાબ