ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

મણિપુર હિંસા: ‘આપ’એ જાહેર કર્યું બંધનું એલાન, માગ્યું રાજીનામું

  • તમામ આદિવાસી જીલ્લા-તાલુકાઓમાં 23 જુલાઈના રોજ બંધનું એલાન જાહેર.
  • મણીપુરમાં ચાલી રહેલી હિંસા તરફ સરકારનું ધ્યાન જાય અને હિંસાને રોકવામાં આવે તેના માટે બંધના એલાનની જાહેરાત: ચૈતર વસાવા
  • નરેન્દ્ર મોદીજીનું મૌન આ દેશની હિંસામાં ક્યાંકને ક્યાંક કોઈ ભૂમિકા ભજવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે: ચૈતર વસાવા

નર્મદા: આમ આદમી પાર્ટીના કાર્યકારી પ્રમુખ અને ધારાસભ્ય ચૈતર વસાવાએ મણીપુર મુદ્દે મીડિયા સમક્ષ પોતાની વાત કરતા જણાવ્યું કે, મણિપુરમાં અઢી મહિનાથી કુકી અને મૈતી સમુદાય વચ્ચે હિંસા ચાલી રહી છે. તેમાં અત્યાર સુધી પુરુષ, બાળકો અને મહિલાઓ સહિત કુલ 150 લોકોની હત્યા થઈ ચૂકી છે અને 60000 જેટલા લોકો વિસ્થાપિત થઈ ચૂક્યા છે. હજારો લોકો પોતાનો જીવ બચાવવા માટે જંગલો તરફ ભાગી ગયા છે. અને ગામે-ગામ આગમાં ખાખ કરી દેવામાં આવ્યા છે.

મણીપુર હિંસાને લઈને ચૈતર વસાવાએ PM મોદી પર કર્યા પ્રહાર:

બે દિવસ પહેલા જે વિડિયો વાયરલ થયો તેમાં કૂકી સમુદાયની બે મહિલાઓને નિવસ્ત્ર કરીને તેમનો જુલુસ કાઢવામાં આવ્યો હતો, 100થી વધારે મૈતી સમુદાયના પુરુષોએ તેમને જુલુસમાં ફેરવી અને તેમની સાથે જાતીય હિંસા આચરી હતી. આ ઘટનાનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અને નિંદા કરીએ છીએ. આપણા દેશમાં મહિલા સુરક્ષાની અને મહિલા સન્માનની ખૂબ જ વાતો કરવામાં આવે છે, પરંતુ આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી અઢી મહિનાથી ચાલતી આ ઘટનાઓ પર અગ્રિમતા આપ્યા વગર બહારના દેશોમાં ફરતા હોય અને ચૂંટણી પ્રચારમાં હોય છે, તો હું તેમને કહેવા માગું છું કે આપનું મૌન આ દેશની હિંસામાં ક્યાંકને ક્યાંક કોઈ ભૂમિકા ભજવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.

ચૈતર વસાવાએ અમિત શાહને મણીપુર શાંત કરાવાની કરી માંગ:

આપણા રાષ્ટ્રપ્રધાન દ્રૌપદી મૂર્મુજી એક આદિવાસી મહિલા છે અને તેઓ જ્યારે રાષ્ટ્રપ્રધાન બન્યા ત્યારે અમને ખૂબ જ ગર્વ થયો હતો. પરંતુ મણિપુરમાં મહિલાઓ સાથે ખૂબ જ બર્બરતા આચારવામાં આવી રહી છે, તેના પર તે કશું બોલી નથી રહ્યા, તે બાબતનું અમને દુઃખ છે. કેન્દ્રીય મહિલા મંત્રી સ્મૃતિ ઈરાનીજી પણ કોઈ નિવેદન આપવા તૈયાર નથી. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને પણ કહેવા માંગીએ છીએ કે, તમે કોઈ ભૂમિકા ભજવીને મણીપુરમાં શાંતિની સ્થાપના કરો એવી અમારી માંગણી છે.

  • ચૈતર વસાવાએ માંગ કરી છે કે, ‘મણીપુરના ભાજપના મુખ્યમંત્રી અને રાજ્યપાલ બંને પોતાની નૈતિક જવાબદારી સમજીને રાજીનામું આપે’

આ પણ વાંચો: મહિલાઓ સાથે દુર્વ્યવહાર કરનાર લોકોને એક જ મહિનામાં ફાંસી આપો: ઈસુદાન ગઢવી

મણીપુરની હિંસા પર સરકારનું ધ્યાન ખેચવા ‘આપે’ કર્યું 23 જુલાઈના રોજ બંધનું એલાન જાહેર:

તે મહિલાઓ સાથે જે ઘટના ઘટી, તે માટે આખા દેશમાં ખૂબ જ રોષનો માહોલ છે. આવનાર 23 જુલાઈ રવિવારના રોજ ગુજરાતના તમામ આદિવાસી જિલ્લા અને તાલુકાઓમાં અમે બંધુ એલાન આપીએ છીએ. સાથે સાથે અમે તમામ લોકોને બીજા પક્ષ પાર્ટીના લોકોને પણ અપીલ કરીએ છીએ કે આ બંધના એલાન દ્વારા અમે સરકારનું ધ્યાન મણીપુર તરફ લઈ જવા માગીએ છીએ તો આ બંધના એલાનમાં આપ સૌ સહકાર આપો. આ બંધમાં તમામ રાજકીય, સામાજિક, ધાર્મિક, વેપારી અને ખેડૂત સંગઠનો જોડાઈ તેવી અમારી આશા છે. અમને આશા છે કે સરકાર મણીપુરમાં હસ્તક્ષેપ કરી અને ત્યાં થઈ રહેલ હિંસાને અટકાવશે.

સમગ્ર ગુજરાતમાં ઉગ્ર આંદોલન કરવાની આપી ચિમકી:

જો સરકાર દ્વારા મણીપુર હિંસા બાબતે હસ્તક્ષેપ કરવામાં નહીં આવે, તો આવનારા સમયમાં અમે સમગ્ર ગુજરાત બંધનું એલાન પણ આપી શકીશું અને રસ્તા પર ઉતરવાની જરૂરત પડી તો અમે રસ્તા પર પણ ઉતરીશું.

આ પણ વાંચો: મણિપુર હિંસા પર તમારું મૌન લોકોના ઘા પર મીઠું ભભરાવી રહ્યું છે : કોંગ્રેસ અધ્યક્ષનો પીએમ મોદી પર કટાક્ષ

Back to top button