મણિપુરમાં ફરી હિંસા અને આગચંપી, મેઇતેઈ સમુદાયના 3 લોકોની હત્યા
HD ન્યુઝ ડેસ્કઃ મણિપુરમાં ફરી એકવાર હિંસાની આગ ભભૂકી ઉઠી છે. શુક્રવારે રાત્રે બિષ્ણુપુર જિલ્લામાં મેઇતેઈ સમુદાયના ત્રણ લોકોની હત્યા કરવામાં આવી હતી. આ સિવાય બદમાશોએ ઘણા ઘરોને પણ આગ લગાવી દીધી હતી.
મેઇતેઇ વિસ્તારોમાં ફાયરિંગઃ બિષ્ણુપુર પોલીસે જણાવ્યું કે મેઇતેઈ સમુદાયના ત્રણ લોકોની હત્યા કરવામાં આવી છે. આ ઉપરાંત કુકી સમુદાયના લોકોના ઘરોને આગ ચાંપવામાં આવી છે. પોલીસ સૂત્રોનું કહેવું છે કે કેટલાક લોકો બફર ઝોનને ઓળંગીને મેઇતેઇ વિસ્તારોમાં આવ્યા હતા અને મેઇતેઇ વિસ્તારોમાં ફાયરિંગ કર્યું હતું. કેન્દ્રીય દળોએ બિષ્ણુપુર જિલ્લાના કવાક્તા વિસ્તારથી બે કિમીથી આગળ બફર ઝોન બનાવ્યો છે. આ પહેલા ગુરુવારે સાંજે બિષ્ણુપુરમાં અનેક જગ્યાએ ગોળીબાર બાદ સ્થિતિ તંગ બની ગઈ હતી. બેકાબૂ ટોળાની સુરક્ષાકર્મીઓ સાથે ઘર્ષણ પણ થયું હતું. મણિપુર પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સુરક્ષા દળોએ સાત ગેરકાયદે બંકરોનો નાશ કર્યો છે.
હથિયારો લૂંટી લીધાઃ માહિતી અનુસાર, બેકાબૂ ટોળાએ બિષ્ણુપુર જિલ્લામાં બીજા IRB યુનિટની પોસ્ટ પર હુમલો કર્યો અને દારૂગોળા સહિત ઘણા હથિયારો લૂંટી લીધા. મણિપુર પોલીસે જણાવ્યું હતું કે ટોળાએ મણિપુર રાઈફલ્સની 2જી અને 7TU બટાલિયનમાંથી હથિયારો અને દારૂગોળો છીનવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સુરક્ષા દળોએ તેને ભગાડ્યો હતો. આ દરમિયાન સશસ્ત્ર દળો અને બદમાશો વચ્ચે ગોળીબાર પણ થયો હતો, જેમાં ઘણા સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા હતા. સુરક્ષા દળોએ પણ બદમાશો સામે જવાબી કાર્યવાહી કરી હતી. મણિપુર પોલીસનું કહેવું છે કે સ્થિતિ ફરીથી બેકાબૂ બની ગઈ છે. હથિયારો અને દારૂગોળો લૂંટવામાં આવ્યો છે.
ટીયર ગેસના શેલ છોડ્યાઃ ગુરુવારે સાંજે સુરક્ષા દળો અને બદમાશો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સુરક્ષા દળોએ હવાઈ ગોળીબાર સાથે ટીયર ગેસના શેલ છોડવા પડ્યા હતા. આ સાથે મણિપુરના ઇમ્ફાલ અને પશ્ચિમ ઇમ્ફાલ જિલ્લામાં કર્ફ્યુમાં આપવામાં આવેલી છૂટછાટ પાછી ખેંચી લેવામાં આવી છે.
આ પણ વાંચોઃ કુલગામમાં આતંકવાદીઓ સાથે અથડામણમાં 3 જવાન શહીદ, સેનાનું સર્ચ ઓપરેશન