મણિપુરના CM બિરેન સિંહે બિહારના બે કિશોરોની હત્યાની કરી નિંદા, 10 લાખના વળતરની જાહેરાત
- આરોપીની ધરપકડ કરવા અને કેસ નોંધવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે: CM
ઇમ્ફાલ, 16 ડિસેમ્બર: મણિપુરના કાકચિંગ જિલ્લામાં બિહારના બે કિશોરોની હત્યાની મુખ્યમંત્રી બિરેન સિંહે નિંદા કરી છે. તેમણે બંને મૃતકોના પરિવારજનોને 10 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, આરોપીની ધરપકડ કરવા અને કેસ નોંધવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. કાકચિંગમાં બિહારના ગોપાલગંજ જિલ્લાના રહેવાસી સુનાલાલ કુમાર અને દશરથ કુમારની કાકચિંગ-વાબાગઈ રોડ પર કેરાકમાં પંચાયત ઓફિસ પાસે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. બંને કિશોરો બાંધકામ મજૂર તરીકે કામ કરતા હતા અને મેઇતેઇ સમુદાયના પ્રભુત્વવાળા કાકચિંગમાં ભાડાના મકાનમાં રહેતા હતા.
I strongly condemn the brutal killing of young brothers, Sunalal Kumar (18) and Dasharat Kumar (17), from Bihar in Kakching district, Manipur. This act of terrorism is a direct assault on our values, and my deepest condolences go out to their grieving families.
In this crucial…
— N. Biren Singh (@NBirenSingh) December 15, 2024
મુખ્યમંત્રી બિરેન સિંહે શું કહ્યું?
આ અંગે એક્સ પરની એક પોસ્ટમાં મુખ્યમંત્રી બિરેન સિંહે લખ્યું છે કે, હું મણિપુરના કાકચિંગ જિલ્લામાં બિહારના યુવાન ભાઈઓ 18 વર્ષીય સુનાલાલ કુમાર અને 17 વર્ષીય દશરથ કુમારની ઘાતકી હત્યાની સખત નિંદા કરું છું. આ કૃત્ય આપણા મૂલ્યો પર સીધો હુમલો છે અને મારી ઊંડી સંવેદના તેમના શોકગ્રસ્ત પરિવારો સાથે છે. આ ભયાનક અપરાધ આપણા રાજ્યને અસ્થિર કરવા અને તેને અરાજકતા તરફ ધકેલવાના મોટા ષડયંત્રનો એક ભાગ હોવાની સંભાવનાને આપણે અવગણી શકીએ નહીં. આપણે આ વિનાશક શક્તિઓ સામે એક થવું જોઈએ અને ખાતરી કરવી જોઈએ કે તેઓ ભય અને અસુરક્ષા પેદા કરવામાં સફળ ન થાય.
CMએ કહ્યું કે, દરેક મૃતકના પરિવારને 10 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે. જવાબદારોને ઓળખવા, પકડવા અને તેમની સામે કાર્યવાહી કરવા માટે તમામ શક્ય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જો જરૂરી હોય તો, નિષ્પક્ષ અને સંપૂર્ણ તપાસ માટે આ કેસ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ને સોંપવામાં આવશે.
સુરક્ષા દળોએ હથિયારો અને દારૂગોળો જપ્ત કર્યો
મણિપુરના કાંગપોકપી જિલ્લામાં સર્ચ ઓપરેશન દરમિયાન સુરક્ષા દળોએ શસ્ત્રો અને દારૂગોળોનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. પોલીસે જણાવ્યું હતું કે, કેન્દ્રીય અને રાજ્ય સુરક્ષા દળોની સંયુક્ત ટીમે અલ જંગનોમફાઈ અને ફ્રીડમ હિલમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. અહીંથી એક 7.62 MMની રાઈફલ, એક નવ MMની પિસ્તોલ, એક સિંગલ બેરલ ગન, એક ડબલ બેરલ ગન, એક પોંપી ગન, ચાર હેન્ડ ગ્રેનેડ અને ચાર સ્ટારડાઈન વિસ્ફોટકો તેમજ ચાર ઈલેક્ટ્રોનિક ડિટોનેટર જપ્ત કરવામાં આવ્યા છે. જપ્ત કરાયેલા હથિયારો અને દારૂગોળો આગળની કાર્યવાહી માટે કાંગપોકપી પોલીસને સોંપવામાં આવ્યા છે.
આ પણ જૂઓ: ભારતીયોને રશિયામાં વિઝા ફ્રી એન્ટ્રી! પ્રમુખ પુતિન નવા વર્ષે આપશે મોટી ભેટ