લોકસભા ચૂંટણી પહેલા રૂપિયાની હેરાફેરી? રાજસ્થાન બોર્ડરે કારમાંથી મળ્યા 1 કરોડ રોકડા
અમદાવાદ, 24 માર્ચ 2024, લોકસભાની ચૂંટણી જાહેર થતાં જ આચાર સંહિતાનો કડક અમલ શરૂ થઈ ગયો છે. ગુજરાતમાં આચાર સંહિતાનો કડક અમલ કરાવવા માટે ફ્લાઈંગ સ્ક્વોર્ડ કાર્યરત થઈ ગઈ છે. ત્યારે ગુજરાત- રાજસ્થાન બોર્ડર પરથી શામળાજી પોલીસે કારમાંથી 1 કરોડ રૂપિયાની બિનહિસાબી રોકડ રકમ જપ્ત કરી છે. કાર ચાલક ડ્રાઇવરની પણ ધરપકડ કરી છે. આંતરરાજ્ય સરહદો પરથી પસાર થતાં વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.
વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું
શામળાજી પોલીસની તપાસમાં અણસોલ ચેકપોસ્ટ પરથી રાજસ્થાન પાર્સિંગની આઈ-10 કારના ગુપ્તખાનામાંથી બિનહિસાબી એક કરોડ રૂપિયા રોકડા મળી આવતા પોલીસ ચોંકી ઉઠી હતી. પોલીસે 1 કરોડ બિનહિસાબી રોકડ રક્મ ક્યાંથી કયાં લઇ જવાની હોવા અંગે કાર ચાલકની સઘન પૂછપરછ હાથ ધરી હતી.શામળાજી પોલીસે અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઈવે નંબર 8 પર અણસોલ ચેકપોસ્ટ પર ગેરકાયદેસર ચીજવસ્તુઓની હેરાફેરી અટકાવવા માટે બેરીકેટિંગ કરી વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
કારમાંથી એક કરોડ રૂપિયા રોકડા મળ્યા
આ દરમિયાન રાજસ્થાન તરફથી શંકાસ્પદ ઝડપ સાથે પસાર થતી આઈ-10 કારને અટકાવી તપાસ કરતાં કાર ચાલકને રોકી પોલીસે ગુપ્તખાનું ખોલાવતા પોલીસ ચોંકી ગઈ હતી.કારના ગુપ્તખાનામાંથી 1 કરોડની 500ની નોટના 21 બંડલમાં 20 હજાર નોટો મળી આવતા પોલીસે કાર ચાલકને રોકડ રકમના આધાર પુરાવા રજૂ કરવા જણાવતા ડ્રાઇવર પર્વતસિંહ શંભુસિંહ રાજપુતની અટકાયત કરી હતી. રોકડ રકમ,કાર અને મોબાઈલ મળી કુલ.રૂ.1.02 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. શામળાજી પોલીસે કારમાંથી જપ્ત કરેલ એક કરોડ રૂપિયા કયાંથી લઇ કોને પહોંચાડવાના હતા એ અંગે કાર ચાલકની પૂછપરછ હાથ ધરી છે.
આ પણ વાંચોઃરૂપાલા ચૂંટણી લડવા અમરેલીથી રાજકોટ કેમ આવ્યા? ખબર હતી કે પ્રજા માથું વધેરી દેત: શક્તિસિંહ