- “મંદિરો કે લિયે દશક” અને “અર્થવ્યવસ્થા ઑફ મંદિર” પુસ્તકોનો પરિચય
(સમીક્ષક: પ્રો. (ડૉ.) શિરીષ કાશીકર)
એક સામાન્ય સનાતની હિન્દુ તરીકે જ્યારે આપણે ઘર નજીકના માતાજીના મંદિર, શિવાલય કે રામમંદિરમાં દર્શન કરવા જઈએ છીએ, ઘંટ વગાડી, પ્રભુને ફૂલ ચડાવી, આશીર્વાદ અને પ્રસાદ લઈને નીકળી જઈએ છીએ અને આવું કદાચ રોજ કરીએ છીએ પણ ક્યારેય એ નથી વિચારતા કે આ મંદિરો આપણા મહાન સનાતન ધર્મનો હિસ્સો શું કામ છે? અને છે તો ક્યારથી છે? તેનું મહત્ત્વ માત્ર એક ધાર્મિક ઇમારત પૂરતું જ છે કે તેની પાછળ સનાતનનું એક ચિરંતન રહસ્ય છુપાયેલું છે? શું આપણાં ભવ્ય મંદિરો એ માત્ર તત્કાલીન રાજા અને પ્રજાના ધનવૈભવના પ્રતીક માત્ર હતાં કે તેના નિર્માણ પાછળ કોઈ સંકેત હતો? શું મંદિરો આપણી “હિન્દુ અર્થવ્યવસ્થાનું” પાયાનું પરિબળ હતાં અને છે? જો આવા અનેક પ્રશ્નો તમારા મનમાં આવ્યા હોય (કે હજુ ન આવ્યા હોય) તો તમારે સંદીપ સિંહ લીખિત બંને પુસ્તકો “મંદિરો કે લિયે દશક” (ભાગ-૧) અને “અર્થવ્યવસ્થા ઑફ મંદિર” (ભાગ-૨) અચૂક વાંચવા જોઈએ. હાલ બંને પુસ્તકો અંગ્રેજીમાં ઉપલબ્ધ છે પણ ટૂંક સમયમાં અન્ય ભારતીય ભાષાઓમાં પણ મળશે.
શ્રી સંદીપ સિંહે મીડિયા જગતમાં વિવિધ પદ પર મહત્ત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવી છે અને હાલ આઇઆઇએમ કાશીપુરની ગવર્નિંગ કાઉન્સિલના ચેરમેન છે. તેમના ભારતીય બિઝનેસ પ્રણાલી પરના ઉત્તમ પુસ્તકો બિઝનેસ જગત અને એકેડેમિક ક્ષેત્રે ખૂબ વખણાયા છે.
“અર્થવ્યવસ્થા ઑફ મંદિર”માં ચાર આંતરિક ભાગ છે. જેમાં લેખક મંદિર એટલે શું? એવા પાયાના પ્રશ્નથી શરૂઆત કરે છે. ત્યારબાદ મંદિર આધારિત અર્થવ્યવસ્થા, તેનું મહત્ત્વ, આ અર્થવ્યવસ્થાનો પૌરાણિક આધાર, મંદિરોનો અર્થવ્યવસ્થા પર પ્રભાવ વગેરે પર ચર્ચા કરે છે. બીજા ભાગમાં ઈસ્લામિક આક્રમણો સમયે મંદિરોની થયેલી દુર્દશા, ટકી ગયેલાં મંદિરોની સ્થિતિ તેમજ ખ્રિસ્તી અને “તથાકથિત ધર્મનિરપેક્ષ” શક્તિઓના ભારતમાં આગમન પછી મંદિરોની સ્થિતિનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. ત્રીજા ભાગમાં ભારતમાં કામ કરી રહેલાં મંદિર વિરોધી પરિબળો તેમજ વિવિધ રાજ્યોમાં થતી આવી પ્રવૃત્તિના વિવિધ કેસ સ્ટડી રજૂ કરવામાં આવ્યા છે. મંદિરોની વિરુદ્ધમાં જાહેર માધ્યમો સહિતના કયાં કયાં સાધનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તેનું સબરીમાલા મંદિરના કેસ સ્ટડી સાથે વિસ્તૃત વિશ્લેષણ કરવામાં આવ્યું છે. ચોથા ભાગમાં મંદિર આધારિત અર્થવ્યવસ્થાના પાયાના તત્વો અને ચાલક પરિબળો જેવાં કે પ્રસાદ, ધાર્મિક યાત્રાઓ, ગંગાજળ વિતરણ વગેરેનું સુંદર વિશ્લેષણ કરવામાં આવ્યું છે. અને અંતે આ વ્યવસ્થા શા માટે સનાતન ધર્મ માટે અનિવાર્ય છે તેની ચર્ચા આ પુસ્તકમાં કરવામાં આવી છે.
પુસ્તકનો બીજા ભાગ “મંદિરો કે લિયે એક દશક” પણ ચાર આંતરિક ભાગમાં વહેંચાયેલું છે. જેમાં લેખકે ભારતમાંથી મંદિરો કઈ રીતે લુપ્ત થઈ રહ્યા છે, અને તેની પાછળનાં કારણો શું છે તેનું વિશ્લેષણ કર્યું છે. બીજા ભાગમાં શું મોટા ભાગના હિન્દુઓ “મંદિર”ને સમજતા નથી? એવા પ્રશ્નો સાથે વિવિધ મંદિરોના કેસ સ્ટડી રજૂ કરી તેનું મહત્ત્વ સમજાવ્યું છે. ત્રીજા ભાગમાં એવા રાજકીય અને ધાર્મિક પરિબળો જે મંદિર વ્યવસ્થા અને તેના બહાને સનાતનનો વિરોધ કરે છે તેને લેખક ખુલ્લા પાડે છે. ચોથા ભાગમાં આ બધી સમસ્યાઓનું સમાધાન કઈ રીતે લાવી શકાય તેના વિવિધ ઉપાયો તેમાં સૂચવવામાં આવ્યા છે. જેમાં મંદિરના પૂજારીથી માંડીને ભક્તગણ સુધીના મંદિર વ્યવસ્થાના તમામ “સ્ટેક હોલ્ડર”ને જાગૃત થવા વિવિધ પ્રવૃત્તિઓ સહિતની ભલામણો અહીં કરવામાં આવી છે.
ભારતમાં કે ભારત બહાર વિશ્વના કોઈપણ ખૂણે વસતા તમામ સનાતની હિન્દુઓ માટે આ બંને પુસ્તકો આંખ ખોલનારા બની રહે છે. અહીં માત્ર મંદિર અર્થવ્યવસ્થાની વાત નથી પરંતુ સનાતનના ચિરંતન મૂલ્યોની જાળવણી પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. અચૂક વાંચવા અને વંચાવવા જેવા પુસ્તકો.
લેખક અને પ્રકાશક: સંદીપ સિંહ, મુંબઈ.
કિંમત: પંદરસો રૂપિયા (બંને પુસ્તકોનો સેટ)
ઇમેઇલ: [email protected]