ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

મંધાનાની ઐતિહાસિક સદી, ન્યૂઝીલેન્ડને હરાવી ODI સીરીઝ ઉપર ભારતનો કબજો

Text To Speech

અમદાવાદ, 29 ઓક્ટોબર : એક તરફ ભારતીય પુરુષ ટીમ ન્યુઝીલેન્ડ સામે 3 મેચની ટેસ્ટ શ્રેણીમાં પ્રથમ 2 ટેસ્ટ મેચ હારી ગઈ છે. બીજી તરફ, ભારતીય મહિલા ટીમે ક્રિકેટમાં ન્યૂઝીલેન્ડને હરાવીને 3 મેચની વનડે શ્રેણી 2-1થી કબજે કરી લીધી છે. અમદાવાદમાં રમાયેલી ત્રીજી ODI મેચમાં સ્મૃતિ મંધાનાની ઐતિહાસિક સદીની મદદથી ટીમ ઈન્ડિયાએ મેચની સાથે સાથે શ્રેણી પણ જીતી લીધી હતી. આ મેચમાં સ્મૃતિ મંધાનાએ પણ સદી ફટકારીને નવો રેકોર્ડ બનાવ્યો હતો.

ત્રીજી વનડેમાં પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ન્યુઝીલેન્ડની ટીમ 50 ઓવર પણ રમી શકી ન હતી. કિવી ટીમ 49.5 ઓવરમાં 232 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી દીપ્તિ શર્માએ સૌથી વધુ 3 જ્યારે પ્રિયા મિશ્રાએ 2 વિકેટ ઝડપી હતી. ન્યુઝીલેન્ડના સ્કોરનો પીછો કરતી વખતે ભારતીય ટીમની શરૂઆત કંઈ ખાસ રહી ન હતી. ઓપનર શેફાલી વર્મા 16 રનના સ્કોર પર પેવેલિયન પરત ફરી હતી. આ પછી ઓપનિંગ બેટ્સમેન સ્મિત મંધાનાએ યાસ્તિકા ભાટિયા સાથે શાનદાર ભાગીદારી કરી અને ટીમનો સ્કોર 100ની નજીક પહોંચાડ્યો હતો.

સ્મૃતિ મંધાનાએ ઐતિહાસિક સદી ફટકારી હતી

યાસ્તિકા ભાટિયાના આઉટ થયા બાદ મંધાનાને કેપ્ટન હરમનપ્રીત કૌરનો શાનદાર સાથ મળ્યો હતો. આ દરમિયાન મંધાના ODIમાં પોતાની સદી પૂરી કરવામાં સફળ રહી હતી. તેણે વનડેમાં તેની 8મી સદી ફટકારી હતી. આ રીતે તે વનડેમાં સૌથી વધુ સદી ફટકારનારી ભારતીય મહિલા ક્રિકેટર બની ગઈ છે. તેણે મિતાલી રાજના 7 ODI સદીના રેકોર્ડને તોડી નાખ્યો હતો.

મહિલા વનડેમાં ભારત માટે સૌથી વધુ સદી

  • 8 – સ્મૃતિ મંધાના (88 ઇનિંગ્સ)
  • 7 – મિતાલી રાજ (211 ઇનિંગ્સ)
  • 6 – હરમનપ્રીત કૌર (116 ઇનિંગ્સ)

મહિલા ક્રિકેટમાં સૌથી ઓછી ઇનિંગ્સમાં 8મી ODI સદી

  • 45 – મેગ લેનિંગ (ઓસ્ટ્રેલિયા)
  • 74 – ટેમી બ્યુમોન્ટ (ઇંગ્લેન્ડ)
  • 88 – સ્મૃતિ મંધાના (ભારત)
  • 89 – નતાલી સાયવર-બ્રન્ટ (ઇંગ્લેન્ડ)

સ્મૃતિ મંધાનાએ 122 બોલમાં 10 ચોગ્ગાની મદદથી 100 રનની ઇનિંગ રમી હતી. મંધાનાના આઉટ થયા બાદ કેપ્ટન હરમનપ્રીત કૌરે જેમિમા સાથે મળીને 44.2 ઓવરમાં 233 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. આ રીતે ભારતીય ટીમ વનડે શ્રેણી 2-1થી કબજે કરવામાં સફળ રહી હતી. ભારતે પ્રથમ વનડે 59 રને જીતી હતી જ્યારે બીજી મેચ ન્યૂઝીલેન્ડે જીતી હતી.

આ પણ વાંચો :- હરિયાણા ચૂંટણીમાં ગેરરીતિના કોંગ્રેસના આરોપો ECએ ફગાવ્યા, 1642 પેજનો જવાબ આપ્યો, જાણો શું કહ્યું

Back to top button