માનવતા મહેંકી : હિંદુ યુવા સંગઠને ડીસાની વૃદ્ધાનું જર્જરિત મકાન તોડી પાકું મકાન બનાવ્યું
પાલનપુર : ડીસામાં કાર્યરત હિન્દૂ યુવા સંગઠન દ્વારા શિવનગર વિસ્તાર માં આવેલ એક ગરીબ પરિવારનું એક જર્જરિત મકાનને તોડીને નવું પાક્કું પતરાવાળું મકાન બનાવી માનવતા મહેંકાવી છે. ડીસા હિન્દૂ યુવા સંગઠનના પ્રમુખ નીતિનભાઈ સોનીએ જણાવ્યું કે, મહિના પહેલા શિવનગરમાં એક વૃદ્ધાના મકાનનું કામ ચાલુ હતું. પરંતુ આર્થિક સ્થિતિ સારી ના હોઈ મકાનનું કામ અટકી ગયું હતું. જેથી આ સમયે લક્ષ્મીબેનએ હિન્દુ યુવા સંગઠનનો સંપર્ક કરી જણાવ્યું હતું કે, અમારી પરિસ્થિતિ સારી નથી, અને મકાન પડી જાય એમ છે, અમને મદદ કરો. ત્યારબાદ હિન્દૂ યુવા સંગઠનના કાર્યકર્તા ઓએ રૂબરૂમાં જઈને જોયું તો જાણવા મળ્યું કેઝ લક્ષ્મીબેન છૂટક કામ કરે છે. એક દીકરો અને એક દીકરી છે. એમનો પરિવર માંડ ઘરનું ગુજરાન ચલાવે છે. મકાન એકદમ જર્જરિત હાલતમાં હતું. વરસાદમાં પતરા માંથી પાણી પડે અને રહેવાય એવું લાગ્યું ન હતું.
અમે સંગઠન મિત્રો સાથે વાત કરીને મકાનને પાડીને પાયાથી માંડીને ચણતર પ્લાસ્ટર કલર લાઇટ એમ બધી વ્યવસ્થા કરી આપી હતી. આ કામથી પરિવારમાં ખુશીની લહેર જોવા મળી હતી. તેમજ આજે નવરાત્રી નાં પાંચમ નાં દિવસે સંગઠન મિત્રો સાથે લક્ષ્મીબહેન ની દીકરીનાં હાથે માટલી મુકાવી ઘરમાં પૂજા કરી પરિવારને ગૃહપ્રવેશ કરાવ્યો હતો. સંગઠન ના પ્રમુખ નીતિનભાઈ સોની, દિપકભાઈ કચ્છવા, અમિતભાઈ જોશી, જયદિપભાઈ ચોખાવાલા નો સારો એવો સહયોગ રહ્યો હતો.
આ પણ વાંચો : બનાસકાંઠા : વિવિધ માંગણીઓને લઈ LIC એજન્ટો ધરણાં પર