
જયપુરઃ કન્યાકુમારીથી ચાલીને રાજસ્થાને પહોંચેલી કોંગ્રેસ પાર્ટીની ભારત જોડો યાત્રામાં બુધવારે ભારતીય રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન પણ સામેલ થયા. આ દરમિયાન તેઓ રાહુલ ગાંધીન સાથે કદમથી કદમ મિલાવતા નજરે પડ્યા. ભારત જોડો યાત્રા શરૂ થયા બાદથી આ યાત્રામાં કેટલાંક એવા લોકો સામેલ થયા છે જે કોંગ્રેસ પાર્ટીના સભ્ય નથી. બુધવારે રઘુરામ રાજન ભારત જોડોમાં સામેલ થયા બાદ સવાલ ઊઠી રહ્યાં છે કે શું રઘુરામ રાજન કોંગ્રેસ પાર્ટીમાં સામેલ થવાના છે? રઘુરામ રાજન RBIના ગવર્નર હતા ત્યારે અને ત્યારબાદ પણ મોદી સરકારની અનેક નીતિઓની નિંદા કરી ચુક્યા છે.
બુધવારે રાજસ્થાનના સવાઈ માધોપુરના ભાડોતીથી ફરીથી શરૂ થયેલી આ યાત્રામાં રાહુલ ગાંધીની સાથે RBIના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન પણ ચાલતા જોવા મળ્યા. રઘુરામ રાજન કેન્દ્ર સરકારની મૌદ્રિક નીતિઓની અનેક વખત નિંદા કરી ચુક્યા છે. આ યાત્રામાં રાહુલ ગાંધીની સાથે રાજસ્થાન કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ તેમજ કાર્યકર્તાઓ પણ જોવા મળે છે. રાહુલ ગાંધી અને રઘુરામ રાજન ઉપરાંત સચિન પાયલટ અને પ્રતાપસિંહ ખાચરિયાવાસ પણ જોવા મળે છે.
રાહુલ ગાંધીની સાથે રઘુરામ રાજનની તસવીર કોંગ્રેસે પોતાના ટ્વિટર એકાઉન્ટમાં શેર કરી છે. જેના કેપ્શનમાં કોંગ્રેસે લખ્યું કે- “નફરત વિરૂદ્ધ દેશ જોડાવા માટે એકઠાં થનારાઓની વધતી સંખ્યા જણાવે છે કે અમે સફળ થઈશું.”

કોણ છે રઘુરામ રાજન
1963નાં રોજ મધ્યપ્રદેશના ભોપાલમાં જન્મેલા રઘુરામ રાજન ભારતના 23માં RBI ગવર્નર હતા. RBIમાં પોતાના કાર્યકાળ દરમિયાન રઘુરામ રાજન બેંક ઓફ ઈન્ટરનેશનલ સેટલમેન્ટના વાઈસ ચેરમેન પણ રહી ચુક્યા છે. વડાપ્રધાન મનમોહન સિંહના કાર્યકાળમાં 2013માં ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર તરીકે પદભાર સંભાલ્યો હતો, જે નરેન્દ્ર મોદીના કાર્યકાળ 2016 સુધી સંભાળી રાખ્યો. જે બાદ ઉર્જિત પટેલ RBIના ગવર્નર બન્યા હતા. IIT દિલ્હીથી BTECH અને IIM અમદાવાદથી મેનેજમેન્ટની ડિગ્રીની સાથે રઘુરામ રાજને MITથી PhD પણ કર્યું છે.

મોદી સરકારની નીતિઓ અનેક વખત નિંદા કરી છે
મનમોહન સિંહના કાર્યકાળમાં ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર બનેલા રઘુરામ રાજન મોદી સરકારની નીતિઓ વિરૂદ્ધ ખુલીને પોતાનો મત રાખે છે. રાજને અનેક વખત કેન્દ્ર સરકારની મૌદ્રિક નીતિઓમાં સુધારાની વાત કરીને વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું છે. વડાપ્રધાન મોદી પર કટાક્ષ કરતા એકવખત રાજને કહ્યું હતું કે- મોદી સરકાર તેમની જ વાત માને છે જે તેમની સરકારની વાહ વાહી કરે છે. તેમની દ્રષ્ટીએ બાકી બધું જ ખોટું છે. રઘુરામ રાજના દ્વારા અનેક વખત મોદી સરકારની જાહેરમાં નિંદા અને બુધવારે ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધીની સાથે સામેલ થતા, તેઓ કોંગ્રેસ પાર્ટીમાં જોડાશે તેવી અટકળો જોર પકડ્યું છે.