ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મમતા બેનર્જી 22 જાન્યુઆરીએ સર્વધર્મ સદ્ભાવના રેલી યોજશે

Text To Speech

કોલકાતા (પશ્ચિમ બંગાળ), 16 જાન્યુઆરી: અયોધ્યામાં રામ લલ્લાના અભિષેકની તૈયારીઓ વચ્ચે TMC ચીફ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ એક મોટું એલાન કર્યું છે. મમતાએ મંગળવારે કહ્યું કે 22 જાન્યુઆરીએ તેમની પાર્ટી TMC સર્વધર્મ રેલી એટલે કે સદ્ભાવના રેલી કરશે. તેમણે કહ્યું કે આ રેલી તમામ ધર્મના લોકો માટે હશે. મંદિર, મસ્જિદ, ચર્ચ અને ગુરુદ્વારામાં જતા લોકો પણ રેલીમાં ભાગ લઈ શકશે. મમતા બેનર્જીએ એમ પણ કહ્યું કે તેઓ કોલકાતાના કાલીઘાટ મંદિરની પણ મુલાકાત લેશે.

દરેક જિલ્લા અને દરેક વોર્ડમાં સદ્ભાવના રેલી યોજાશે

TMC તરફથી કહેવામાં આવ્યું છે કે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે મુખ્યમંત્રી મમતા બેનર્જી પહેલા કાલીઘાટ મંદિરમાં પૂજા કરશે અને ત્યારબાદ કોલકાતાના હઝરા મોડથી સર્વધર્મ રેલીનું આયોજન કરશે. સામાન્ય લોકોને રેલીમાં ભાગ લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે. આ રેલી પાર્ક સર્કસ મેદાન ખાતે સમાપ્ત થશે અને ત્યાં જાહેર સભા યોજાશે. મમતા બેનર્જીએ પાર્ટીના નેતાઓને દરેક જિલ્લા અને વોર્ડમાં બપોરે 3 વાગ્યે સદ્ભાવના રેલી યોજવાનો આદેશ આપ્યો છે.

મમતાએ પીએમ મોદી પર કટાક્ષ કર્યો

અગાઉ મમતા બેનર્જીએ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં સામેલ ન થવા પર કહ્યું હતું કે, ભાજપ લોકસભા ચૂંટણી પહેલા રામ મંદિરનું ઉદ્ઘાટન કરીને નાટક કરી રહી છે. હું એવા તહેવારો ઉજવું છું જેમાં દરેક વ્યક્તિ ભાગ લઈ શકે. જ્યાં સુધી બંગાળમાં TMCની સરકાર છે ત્યાં સુધી શીખ, ખ્રિસ્તી, મુસ્લિમ અને આદિવાસી લોકો જોડે ક્યારેય ભેદભાવ નહીં થાય. પરંતુ અન્ય સમુદાયના લોકોને અવગણવા યોગ્ય નથી. બંગાળમાં વિભાજન અને ભેદભાવને કોઈ સ્થાન નથી.

આ પણ વાંચો: રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને અંગે મમતા બેનર્જીએ ભાજપ પર કર્યા કટાક્ષ 

Back to top button