મમતા બેનર્જી કોલકાતામાં કરશે વિરોધ પ્રદર્શન, જાણો શું છે સમગ્ર મામલો


- કેન્દ્ર દ્વારા, ખાસ કરીને મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંયધરી અધિનિયમ (મનરેગા) હેઠળ કથિત રકમ રોકવાનો મુદ્દો પશ્ચિમ બંગાળમાં એક મોટા રાજકીય વિવાદમાં ફેરવાઈ ગયો છે
કોલકાતા, 2 ફેબ્રુઆરી: લોકસભાની ચૂંટણી નજીક છે, દેશના વિવિધ રાજ્યોમાં રાજકીય હલચલ ચાલી રહી છે. ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનની ધરપકડ કરવામાં આવી છે. બિહારમાં મહાગઠબંધનની સરકાર ગઈ છે અને હવે ત્યાં એનડીએની સરકાર આવી છે. દિલ્હીમાં પણ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ED સમન્સ ઉપર સમન્સ મોકલી રહી છે. કોંગ્રેસ પાર્ટીની રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ચાલી રહી છે. ત્યારે હવે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી આજથી એટલે કે 2 ફેબ્રુઆરીથી કોલકાતામાં વિરોધ પ્રદર્શન શરૂ કરશે.
શું છે સમગ્ર મામલો?
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી શુક્રવારથી કેન્દ્ર દ્વારા રાજ્યના બાકી રહેલા લેણાં રોકવાના વિરોધમાં વિરોધ પ્રદર્શન કરશે. કેન્દ્ર દ્વારા, ખાસ કરીને મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંયધરી અધિનિયમ (મનરેગા) હેઠળ કથિત રકમ રોકવાનો મુદ્દો રાજ્યમાં એક મોટા રાજકીય વિવાદમાં ફેરવાઈ ગયો છે. તૃણમૂલ કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ કહ્યું, “રેડ રોડ વિસ્તારના મેદાનમાં વિરોધ પ્રદર્શન શરૂ કરશે. અમારી પાર્ટીના વડા મમતા બેનર્જી વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કરશે. પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતાઓ પણ હાજર રહેશે”.
દિલ્હીમાં પણ કરી ચૂક્યા છે વિરોધ પ્રદર્શન
અગાઉ, તૃણમૂલના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જીએ પાર્ટીના ધારાસભ્યો, સાંસદો, મંત્રીઓ અને મનરેગા કાર્યકરોના જૂથ સાથે નવી દિલ્હીના જંતર-મંતર પર પ્રદર્શન કર્યું હતું અને અહીં રાજભવનની બહાર પાંચ દિવસ વિરોધ કર્યો હતો. ગયા વર્ષે માર્ચમાં બેનર્જીના નેતૃત્વમાં આવા જ બે દિવસીય વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. તૃણમૂલના સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ વિરોધ પ્રદર્શન લોકસભા ચૂંટણી પહેલા આ મુદ્દે ત્રીજી વખત વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. સૂત્રોએ જણાવ્યું કે પશ્ચિમ બંગાળનું બજેટ સત્ર 5 ફેબ્રુઆરીથી શરૂ થશે અને ત્યાં સુધી વિરોધ પ્રદર્શન ચાલુ રહેવાની શક્યતા છે.
આ પણ વાંચો: સાઉથના સ્ટાર થલપતિ વિજયે રાજકારણમાં ઝંપલાવ્યું, રાજકીય પક્ષની કરી રચના