ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

‘હું બોલી રહી હતી તો મારું માઈક બંધ કરી દીધું’ નીતિ આયોગની બેઠકમાંથી નારાજ થઈને બહાર આવ્યા મમતા બેનરજી

  •  સહકારી સંઘવાદને મજબૂત કરવામાં મને વધુ રસ છે, નીતિ આયોગ પાસે કોઈ નાણાકીય સત્તા નથી: મમતા બેનરજી

નવી દિલ્હી, 27 જુલાઇ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે શનિવારે નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની 9મી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓએ ભાગ લીધો હતો. આ બેઠકમાં તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી પણ હાજર રહ્યા હતા. જો કે, તેઓ ગુસ્સામાં મીટિંગ છોડીને બહાર નીકળી ગયા હતા. આ દરમિયાન તેમણે સરકાર પર ભેદભાવનો આરોપ લગાવ્યો હતો અને એમ પણ કહ્યું હતું કે, હું બોલી રહી હતી તો મારું માઈક બંધ કરી દીધું. પાંચ મિનિટ પછી જ મને બોલતા રોકી દેવામાં આવી હતી. મેં તેનો વિરોધ કર્યો કે મને બોલતા કેમ રોકવામાં આવી. સરકારને ખુશી થવી જોઈએ કે મેં આ બેઠકમાં ભાગ લીધો. સહકારી સંઘવાદને મજબૂત કરવામાં મને વધુ રસ છે, નીતિ આયોગ પાસે કોઈ નાણાકીય સત્તા નથી.”

CM મમતા બેનરજીએ બહાર આવીને નારાજગી વ્યક્ત કરી 

બંગાળના CM મમતા બેનરજીએ વધુમાં કહ્યું કે, “આ બેઠકમાં સરકાર પોતાના પક્ષના નેતાઓને વધુ બોલવા માટે તક આપી રહી છે. વિપક્ષમાંથી હું એકલી જ છું અને તમે મને બોલવાથી રોકી રહ્યા છો. આ માત્ર બંગાળનું જ નહીં, પરંતુ દેશનું અપમાન છે. તમામ પ્રાદેશિક પક્ષોનું પણ અપમાન છે.”

 

CM મમતા બેનરજીએ કહ્યું કે, “મેં મીટિંગનો બહિષ્કાર કર્યો છે. ચંદ્રબાબુ નાયડુને બોલવા માટે 20 મિનિટનો સમય આપવામાં આવ્યો હતો તેમજ આસામ, ગોવા, છત્તીસગઢના CMએ 10-12 મિનિટ બોલ્યા હતા. મને માત્ર પાંચ મિનિટ બોલ્યા પછી રોકી દેવામાં આવી. હું આ મીટિંગમાં ભાગ લઈ રહી છું કારણ કે મને સહકારી સંઘવાદને મજબૂત કરવામાં વધુ રસ છે. નીતિ આયોગ પાસે કોઈ નાણાકીય સત્તા નથી, તે કેવી રીતે કામ કરશે? તેને નાણાકીય તાકાત આપો અથવા યોજના આયોગને પાછું લાવો. મેં મારો વિરોધ નોંધાવ્યો અને બહાર આવી ગઈ.

આ બેઠકનો ઉદ્દેશ્ય 2047 સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવાનો

નીતિ આયોગની આ બેઠકમાં વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ગવર્નિંગ કાઉન્સિલ એ નીતિ આયોગની સર્વોચ્ચ સંસ્થા છે. જેમાં તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ, કેન્દ્રશાસિત પ્રદેશોના લેફ્ટનન્ટ ગવર્નરો અને કેટલાક કેન્દ્રીય મંત્રીઓનો સમાવેશ થાય છે. આ બેઠકનું આયોજન રાષ્ટ્રપતિ ભવનના સાંસ્કૃતિક કેન્દ્રમાં કરવામાં આવ્યું હતું.

આ પણ જૂઓ: એવો ગેંગસ્ટર જેની ક્રાઈમ સ્ટોરી કરતાં પણ વધુ લોકપ્રિય બની ‘લવ સ્ટોરી’!

Back to top button