2000 રૂપિયાની નોટ પરત કરવાના નિર્ણય પર મમતા બેનર્જીએ મોદી સરકાર પર કર્યાં પ્રહારો
ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા રૂ. 2,000ની નોટોનું સર્ક્યુલેશન બંધ કરવાના નિર્ણયને લઈને રાજકીય ઘમાસાણ સર્જાયુ છે. વિપક્ષના નેતાઓ મોદી સરકાર પર સવાલો ઉઠાવી રહ્યા છે. આ ક્રમમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના વડા મમતા બેનર્જીએ આ ઘટનાક્રમને તરંગી અને તુઘલકી ડ્રામાં ગણાવ્યો છે.
મમતા બેનર્જીએ ટ્વિટર પર લખ્યું, “2000 રૂપિયાની નોટોને લઈને વધુ એક ઉદ્ધત અને તુઘલકી નોટબંધી ડ્રામા ફરી એકવાર સામાન્ય લોકોને ભારે હેરાનગતિનો શિકાર બનાવશે. આ નિરંકુશ પગલાં આ શાસનના મૂળભૂત રીતે લોકવિરોધી અને મૂડીવાદી સ્વભાવને છુપાવવા માટે છે. એક નિરંકુશ સરકારના આ દુ:સાહસને લોકો ક્યારેય ભૂલી શકશે નહીં.
કપિલ સિબ્બલે પણ સરકારને ઘેરી
રાજ્યસભા સાંસદ કપિલ સિબ્બલે પણ ટ્વીટ કરીને પીએમ નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે 2000ની નોટ બંધ થઈ ગઈ છે. 8 નવેમ્બર 2016ના રોજ પીએમએ દેશને કહ્યું હતું કે ચલણમાં રહેલી રોકડ રકમનો સીધો સંબંધ ભ્રષ્ટાચારના સ્તર સાથે છે. તેમણે કહ્યું કે 2016માં 17.7 લાખ કરોડ રોકડ ચલણમાં હતી, જે 2022માં વધીને 30.18 લાખ કરોડ થઈ ગઈ. મોદી સરકાર પર સવાલ ઉઠાવતા તેમણે કહ્યું કે શું આના કારણે દેશમાં ભ્રષ્ટાચાર વધ્યો છે. હવે આના પર પીએમ મોદી તમે શું કહેશો? જો કે આરબીઆઈએ એમ પણ કહ્યું છે કે આ નોટોને 30 સપ્ટેમ્બર સુધી માન્ય ગણવામાં આવશે.
શું છે RBIનો નિર્ણય?
RBIએ ચલણમાંથી 2000 રૂપિયાની નોટો પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે. આરબીઆઈના નિર્દેશ અનુસાર આ નોટો 30 સપ્ટેમ્બર સુધી માન્ય રહેશે. જો કે, 2000ની નોટ પર આરબીઆઈ દ્વારા આપવામાં આવેલી સ્પષ્ટતા પરથી એવું લાગે છે કે નોટો જમા કરાવવા પર કોઈ પ્રતિબંધ નથી, એટલે કે તમે ગમે તેટલી રકમ જમા કરાવી શકો છો, પરંતુ તમે એક સમયે માત્ર 20 હજાર સુધીની જ નોટો બદલી શકો છો.
આ પણ વાંચો: અભિષેક બેનર્જીને CBIનું મળ્યું સમન્સ, મમતા બેનર્જીએ BJP પર કર્યા પ્રહારો