માલપુર મામલતદારનો વિચિત્ર પત્ર વાઇરલ, રેવન્યૂ તલાટીનો ટ્વીટર પર રોજ 10 ફોલોઅર્સ વધારવાનો ટાર્ગેટ
મોડાસાઃ માલપુર મામલતદારનો વિચિત્ર પત્ર સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. પત્રમાં કચેરીમાં ફરજ બજાવતા રેવન્યૂ તલાટીને સોશિયલ મીડિયા એકાઉન્ટ ટ્વીટરમાં રોજના 10 નવા ફોલોઅર્સ વધારવાનો આદેશ આપ્યો છે. ત્યારે આ પત્ર વાઇરલ થતા ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.
10 ફોલોઅર્સ વધારવાનો ટાર્ગેટ આપ્યો
વધુમાં પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, જે તારીખે જેટલા ફોલોઅર્સ અનફોલો કરે તેના બીજા દિવસે 10 ઉપરાંત અનફોલો કરનારની સંખ્યા ઉમેરતાં જે આંકડો થાય તેટલા ફોલોઅર્સ વધારવાનો લક્ષ્યાંક રહેશે અને આ અંગેની જાણકારી દરરોજ મામલતદારને કરવાની રહેશે.
કાર્યવાહી કરવાની જરૂર લાગતી નથીઃ કલેક્ટર
આ અંગે અરવલ્લી કલેક્ટર ડો. નરેન્દ્રકુમાર મીનાએ જણાવ્યું કે, ‘આ મામલે કોઇ પણ પ્રકારના પગલાં લેવાની જરૂર લાગતી નથી. પંચાયતમાં સરપંચ, આશાવર્કર કે બીજા કોઇ લોકો જોડાય તો સરકારની યોજનાઓ તેમના સુધી જલ્દી પહોંચી શકે તે માટે ફોલોઅર્સ વધારવાનું કહ્યું હતું. માલપુરમાં થોડા ઓછા ફોલોઅર્સ છે એટલે વધારવા કહ્યું છે.’
સરકારી યોજનાઓ દરેક સુધી પહોંચે તે હેતુસર ફોલોઅર્સ વધારવા કહ્યું: મામલતદાર
આ અંગે માલપુર મામલતદાર ડી.વી. મદાતે જણાવ્યું કે, પ્રજાલક્ષી સરકારના નવા પરિપત્રો તેમજ યોજનાઓની જાણકારી ગ્રામ પંચાયત વિસ્તારના દરેક ઘર સુધી પહોંચે તે માટે તેમણે માલપુર મામલતદારના ટ્વિટર એકાઉન્ટ ઉપર રેવન્યુ તલાટીને રોજના 10 ફોલોઅર્સ વધારવા જણાવ્યું હતું.